લક્ષ્મીજીએ ભોજન બનાવ્યું અને ભગવાન વિષ્ણુજીને ગરમ ગરમ ભોજન પીરસ્યું.પ્રભુ જમવા બેઠા અને લક્ષ્મીજી પંખો નાખતાં બોલ્યાં, ‘સ્વામી આ બધું તમને મનગમતું બનાવ્યું છે .’ હજી પહેલો કોળિયો મોં માં મૂકતાં જ ભગવાનનો હાથ રોકાઈ ગયો અને તેઓ હાથમાં લીધેલો કોળિયો નીચે મૂકી ઊભા થઈને દોડ્યા.લક્ષ્મીજી જોતાં જ રહી ગયાં.થોડી વાર રહીને પ્રભુ વિષ્ણુ આવ્યા અને ભોજન આરોગવા લાગ્યા.
લક્ષ્મીજીએ પૂછ્યું, ‘પ્રભુ, એવું તે શું થયું કે તમે ગરમાગરમ મનભાવતા ભોજનનો હાથમાં લીધેલો કોળિયો મૂકીને દોડી ગયા.’ ભગવાન બોલ્યા, ‘મારા ભક્તનો ચાર જણનો પરિવાર ભૂખ્યા પેટે મને પોકારતો હતો.તેઓ ભૂખ્યા હતા તો ભક્તને ભૂખ્યાં રાખીને હું કઈ રીતે ભોજન કરી શકું? તેમના ભોજનની વ્યવસ્થા કરીને આવ્યો. હવે નિરાંતે જમીશ.’ બીજા દિવસે લક્ષ્મીજીને થોડી મજાક સૂઝી. તેમણે આજે પણ પ્રભુનું મનભાવન ભોજન બનાવ્યું અને થાળી પીરસવા પહેલાં તેમણે પૂજા મંદિર પાસે ફરતી કીડીઓમાંથી પાંચ કીડી પકડીને એક નાની ડબ્બીમાં મૂકી દીધી.પછી તેમણે ભગવાનની થાળી પીરસી.પ્રભુ આવ્યા અને ભાતભાતના પકવાન વખાણ કરતાં આરોગવા લાગ્યા અને ખૂબ જ પ્રેમથી ભરપેટ ભોજન કર્યું.હાથ ધોવડાવી પાણી આપતાં લક્ષ્મીજીએ કહ્યું, ‘પ્રભુ , આજે કોઈ ભક્તનો પોકાર સંભળાયો નહિ? તમે તમારા પાંચ ભક્ત ભૂખ્યા હોવા છતાં ભોજન કરી લીધું?’
ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘એવું બની જ ન શકે.મારો કોઇ પણ એક ભક્ત ભૂખ્યો હોય તો હું ભોજન કરી જ ન શકું.’ લક્ષ્મીજી હસ્યાં અને પ્રભુને લઈને પૂજા ખંડમાં ગયાં અને પ્રભુને મજાકમાં કહ્યું, ‘જુઓ આ ડબ્બી ….’ પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘ડબ્બી તમારી …અંદર જે પણ મૂક્યું તમે મૂક્યું ..તમે જ ખોલો અને જુઓ…’ લક્ષ્મીજીએ ડબ્બી ખોલી તો તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો કારણ બંધ ડબ્બીમાં પણ દરેક કીડીના મોઢામાં ચોખાનો કણ હતો.લક્ષ્મીજીએ કહ્યું, ‘બંધ ડબ્બીમાં ચોખા કઈ રીતે આવ્યા ..પ્રભુ આ લીલા તમે કઈ રીતે કરી?’ ભગવાન વિષ્ણુએ કહ્યું, ‘તમારા મનની વાત કાલે જાણી ગયો હતો. તમે ડબ્બીમાં પાંચ કીડી બંધ કરતાં પહેલાં , પાંચ જીવોની માફી માંગતા ડબ્બી કપાળે લગાવી હતી ત્યારે તમારા કપાળ પર કરેલા તિલકમાંથી એક ચોખાનો દાણો ડબ્બીમાં પડી ગયો હતો અને પાંચ નાનકડી કીડીનું પેટ ભરવા એક દાણો પર્યાપ્ત હતો.તેમને ભોજન મળી ગયું હતું.’ લક્ષ્મીજીએ પોતાની મજાક માટે માફી માંગતાં કહ્યું, ‘સ્વામી, તમે સાચે જ જગતના પાલનહાર છો અને તમારી પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખનાર બધા જ જીવોનું ધ્યાન રાખો છો.’