અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ (Congress) ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન નહીં કરે તેવું આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ કહ્યું હતું.
આજે અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આલોક શર્માએ કહ્યું હતું કે, કોંગ્રેસના સિનિયર આગેવાન ભરતસિંહ સોલંકીએ સમાન વિચારધારા વાળા લોકો સાથે આવે તો સારું થાય તેવા મતલબમાં કહ્યું હતું, પરંતુ આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ કોઈ ગઠબંધન નહીં કરે.
આલોક શર્માએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની ચૂંટણીમાં બે વિચારધારાઓની લડાઈ છે. એક બાજુ ફાંસીવાદી વિચારધારા અને બીજી બાજુ ગાંધી બાપુ અને સરદાર પટેલની વિચારધારા વચ્ચે લડાઈ છે. આ લડાઈમાં બાપુ અને સરદારની વિચારધારા હંમેશા જીત થતી આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. આ પાર્ટીના કોઈ જ કાર્યકર નથી, અત્યારે જે માહોલ જોવા મળે છે. તે પેડ-વર્કરોને કારણે છે. આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમએ બંને ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં ક્યારે પણ ત્રીજી પાર્ટી સફળ થતી નથી.