Trending

દેવઉઠી એકાદશી : ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપ સાથે તુલસી વિવાહ

સુરત : શુક્રવારે 4 નવેમ્બરના રોજ દેવઊઠી એકાદશી છે. પદ્મપુરાણ અને વિષ્ણુ પુરાણમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગૃત થાય છે તેમજ આ દિવસે ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપમાં તુલસી સાથે લગ્ન (Marriage) કરાવવાની પરંપરા છે. તેથી શહેરમાં પણ મંદિરોમાં (Temple) તેમજ ઘણા શ્રદ્ધાળુઓ દ્વારા પોતાના ઘરે તુલસી વિવાહના આયોજનો કરાયા છે.

આ દિવસે સવારે બ્રહ્મમુહૂર્તમાં જાગીને સ્નાન કર્યા પછી શંખ, ઘંટનાદ અને મંત્રજાપની સાથે ભગવાન વિષ્ણુને જગાડવામાં આવે છે. આ પછી ભગવાનની પૂજા કરવામાં આવે છે. સાંજના સમયે ઘરોમાં અને મંદિરોમાં દિવડા પ્રગટાવી ગોધુળીવેળામાં અર્થાત્ સૂર્યાસ્તના સમયે ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન કરાવવામાં આવે છે. શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે, અષાઢ મહિનાની સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુએ શંખાસુરનો વધ કર્યો હતો. ભગવાન વિષ્ણુ અને દૈત્ય શંખાસુરની વચ્ચે યુદ્ધ લાંબા સમય સુધી ચાલતું રહ્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ ખૂબજ થાકી ગયા હતા. ત્યારે તેઓ ક્ષીરસાગરમાં આવીને સૂઈ ગયા. તેમને સૃષ્ટિનો કાર્યભાર પણ ભગવાન શિવને સોપી દીધો હતો. ત્યારબાદ કારતક સુદ એકાદશીએ જાગ્યા ત્યારે ભગવાન શિવ સહિત બધા દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી અને પાછો સૃષ્ટિનો કાર્યભાર સોંપ્યો હતો તેને લીધે જ કારતક મહિનાની એકાદશીને ‘દેવપ્રબોધિની એકાદશી’ પણ કહેવામાં આવે છે.

જ્યારે વામનપુરાણ પુરાણમાં જણાવ્યા મુજબ ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં રાજા બલિ પાસે સાડા ત્રણ ડગલાં જમીન દાનમાં માગી ત્રણ ડગલાં ભરીને પૃથ્વી, આકાશ અને સ્વર્ગલોક લઈ લીધું હતું. ત્યારે રાજા બલિએ બાકીનું અડધુ ડગલું પોતાના માથા ઉપર મૂકવાનું કહ્યું હતું. આ પગલું માથા ઉપર મૂકતાંની સાથે જ રાજા બલિ પાતાળલોકમાં જતાં રહ્યાં હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ ખુશ થઈને રાજા બલિને પાતાળલોકના રાજા બનાવી દીધા અને વરદાન માગવા કહ્યું. ત્યારે રાજા બલિએ કહ્યું કે ‘તમે મારા મહેલમાં નિવાસ કરો.’ ભગવાન વિષ્ણુએ પણ પ્રસન્ન થઈને ચાર મહિના પાતાળલોકમાં તેના મહેલમાં રહેવાનું વરદાન આપ્યું હતું. ધાર્મિક માન્યતા પ્રમાણે, ભગવાન વિષ્ણુ દેવશયની અગિયારસથી દેવઊઠી એકાદશી સુધી પાતાળ લોકમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ પોતાના લોકમાં દેવી લક્ષ્મીની સાથે નિવાસ કરે છે.

શા માટે યોજાય છે, તુલસી વિવાહ ?
આ વર્ષે દેવઊઠી એકાદશી 4 નવેમ્બરે એટલે શુક્રવારે આવી રહી છે. આ દિવસે તુલસી વિવાહની પરંપરા છે. ભગવાન શાલિગ્રામની સાથે તુલસીજીના લગ્ન કરાવવામાં આવે છે. તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાની પરમભક્ત વૃંદાની સાથે છળ કહ્યું હતું. જેને લીધે વૃંદાએ પણ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી પથ્થરના બનાવી દીધા હતા ત્યારે માતા લક્ષ્મીની વિનંતીને લીધે વૃંદાએ ભગવાનને મૂળ સ્વરૂપ પ્રદાન કરીને સતી થઈ ગઈ હતી. તેની રાખને લીધે જ તુલસીના છોડનો જન્મ થયો હતો અને તુલસીની સાથે શાલિગ્રામના લગ્ન કરવાની પરંપરા શરૂ થઈ હતી.

Most Popular

To Top