વલસાડ : વલસાડ જિલ્લાના વાપી (Vapi ) તાલુકાના મોરાઈ ગામે (Morai Village) સરપંચ વતી ₹2 લાખ ની લાંચ (Bribe) લેતા વચેટિયો એસીબીના (ACB) હાથે લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. સરપંચે તળાવની માટી કાઢવા બદલ રૂ. 10 લાખ ની લાંચ માંગી હતી.એસીબી ના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મોરાઈ ગામે આવેલા બાલદી તળાવ ઊંડું કરવા માટે અને તેની માટે આપવા માટે સરપંચ પ્રતિક રમેશભાઈ પટેલે ફરિયાદી પાસે રૂ. 10 લાખની માંગણી કરી હતી. જેને બાદ મામલો રૂ. 7 લાખમાં નક્કી થયો હતો. જોકે તળાવ ઊંડું કરવા માટે લાંચની આ રકમ ફરિયાદીએ સરપંચ ને આપવી ન હોય તેણે આ સંદર્ભે લાંચરૂશ્વત વિરોધી ખાતાને ફરિયાદ કરી હતી.
લાંચનું છટકું ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો
જેના પગલે તેમના દ્વારા મોરાઈ ગ્રામ પંચાયત સામે જ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટમાં આવેલી ફરિયાદીની ઓફિસમાં એક છટકું ગોઠવ્યું હતું. જેમાં તેમણે સરપંચ વતી લાચ લેવા આવેલા કામદાર બલ્લુ ઉર્ફે જગદીશ ધીરુભાઈ પટેલને રૂ. 2 લાખની લાંચ લેતા રંગે હાથે પકડી પડ્યા હતા.ત્યારબાદ એસીબીએ બલ્લુ ઉર્ફે જગદીશ અને સરપંચ પ્રતિક પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ ડાંગના એસીબી પીઆઈ ડી.એમ.વસાવાએ લાંચનું છટકું ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ બલ્લુને એસીબી પોલીસે અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં 3 પીઆઇની આંતરિક બદલી
વલસાડ : વલસાડ જિલ્લામાં મહત્વની પોસ્ટના પીઆઇની બદલીઓ કરવામાં આવી છે. જેમાં એસઓજી, એલસીબી અને વલસાડ રૂરલ પીઆઇની બદલીઓ થઇ છે. વલસાડ જિલ્લામાં પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. એસ.ઓ.જી. પીઆઇ તરીકે ફરજ બજાવતા વી. બી. બારડને એલસીબી પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામીને વલસાડ રૂરલ પોલીસમાં મૂકવામાં આવ્યા છે. તેમજ વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ સચીન પવારને એસ.ઓ.જી.ના પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે.
ચૂંટણી પહેલા ડાંગના શિક્ષણવિભાગમાં બદલી
સાપુતારા : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી વર્ગ-1 કક્ષાનાં અધિકારીઓનાં બદલીનો ગંજીપો ચિપ્યો હતો.ડાંગ જિલ્લામાં શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા એમ.સી.ભુસારાની નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે બદલી થતા તેઓની જગ્યા ખાલી પડી હતી.જેથી ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ગતરોજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની ખાલી પડેલ જગ્યાએ સરકારી માધ્યમિક શાળા ચીકાર વઘઇ ડાંગ ખાતે આચાર્ય વર્ગ-2 તરીકે ફરજ બજાવતા વિજયભાઈ દેશમુખને ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે વધારાનો હવાલો સોંપ્યો છે.
શિક્ષણ અધિકારી ડાંગને વધારોનો હવાલો સોંપાયો
પ્રાથમિક શિક્ષણાધિકારી ડાંગની ખાલી જગ્યાએ પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાંગ તરીકે નરેન્દ્રભાઈ એચ.ઠાકરે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાંગને વધારોનો હવાલો સોંપાયો છે. ડાંગ જિલ્લાનાં શિક્ષણ વિભાગમાં યુવા અને કામગીરીમાં કુશળ અધિકારી તરીકે ગણના પામનાર વિજયભાઈ ડી.દેશમુખે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને નરેન્દ્રભાઈ ઠાકરેએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.