Dakshin Gujarat

વાપીના મોરાઈ ગામનાં સરપંચે માંગી 2 લાખ રૂપિયાની લાંચ, ACBની ટીમ આવી તો…

વલસાડ(Valsad): વાપી(Vapi) તાલુકાના મોરાઇ(Morai) ગામનાં સરપંચે(Sarpanch) 2 લાખની લાંચ(bribe) માંગતા ચકચાર મચી જવા પામી છે. ગામમાં આવેલા તળાવને ઊંડું કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પસાર કરવા માટે સરપંચે લાંચ માંગી હતી. જો કે અંતિમ સમયે તેઓએ લાંચ લેવા અન્ય શખ્સને મોકલી દીધો હતો. જેથી એ શખ્સ લાંચ લેતા ACBનાં હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે સરપંચ હાલ ફરાર છે. જેથી તેઓને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે.

  • વાપીના મોરાઈ ગામનાં સરપંચે માંગી 2 લાખની લાંચ
  • બાલદી તાળવ ઉંડુ કરવા ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવા માંગી લાંચ
  • ACBએ ટ્રેપ ગોઠવી હોવાની ગંધ આવી જતા સરપંચ થયા ફરાર

ઘટના એમ હતી કે વલસાડ જિલ્લાનાં વાપી તાલુકામાં આવેલા મોરાઇ ગામમાં આવેલા બાલદી તાળવ ઉંડુ કરવા અંગે ખોદકામ કરવાનો કોન્ટ્રાક્ટ આપવાનો હતો. આ મામલે મોરાઇ ગ્રામ પંચાયતનાં સરપંચ પ્રતિકભાઇ રમેશભાઇ પટેલે કોન્ટ્રાક્ટર પાસે ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવા લાંચ માંગી હતી. ઠરાવ ગ્રામ પંચાયતમાં પાસ કરી કોન્ટ્રાક્ટ આપવાના અવેજ પેટે પ્રથમ રૂપિયા 10,00,000ની લાંચ માંગી હતી. જો કે આ બાબતે સરપંચ અને કોન્ટ્રાક્ટર સાથે પૈસા મામલે રકઝક થઇ હતી. અંતે 7,00,000 રૂપિયા આપવાનું નક્કી થયું. કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગ કરતા તેઓએ હાલ 2,00,000 લાખ રૂપિયાની જ સગવડ થઇ હોવાનું જણાવ્યું હતું. જેથી સરપંચ 2 લાખ રૂપિયા લેવા રાજી થયા. જો કે સરપંચે લાંચ માંગતા કોન્ટ્રાક્ટરે આ સમગ્ર મામલાની જાણ ACBને કરી હતી.

ACBએ લાંચ લેવા આવેલા બલ્લુને ઝડપી પાડયો
ACBએ સરપંચને લાંચ લેતા ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. ACBનાં સુરત એકમનાં સુપરવિઝન અધિકારી આર.આર.ચૌધરી અને વલસાડ અને ડાંગ એ.સી.બી. પોસ્ટેનાં પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.વસાવાએ ટ્રેપ ગોઠવી હતી. લાંચ લેવા માટે કોન્ટ્રાક્ટરે સરપંચને ફોન કરતા તેઓ પોતે બહાર ગામ હોવાનું જણાવ્યું હતું અને લાંચ લેવા માટે બલ્લુ ઉર્ફે જગદીશભાઇ ધીરૂભાઇ પટેલ નામના વ્યક્તિને મોકલવાનું જણાવ્યું હતું. લાંચ લેવા માટે બલ્લુ જ્યારે ગ્રામપંચાયત કચેરીની સામે વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ પર પહોંચતા જ ACBની ટીમે ઝડપી પાડ્યો હતો. જો કે આ ઘટનામાં મુખ્ય આરોપી સરપંચ હાલ ફરાર છે જેથી તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top