Entertainment

મરાઠી ફિલ્મોમાં ચમકશે અક્ષય કુમાર, મહેશ માંજરેકરની ફિલ્મથી કરશે ડેબ્યુ

મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) અક્ષય કુમારની (Akshay Kumar) કોઈ પણ ફિલ્મે આ વર્ષે બોક્સ ઓફિસ (Box office) પર કોઈ કમાલ નથી કરી. આ વર્ષે રીલિઝ થયેલી અક્ષયની તમામ ફિલ્મોને દર્શકોએ નકારી કાઢી છે. ‘બચ્ચન પાંડે’થી (Bachchan Pandey) શરૂ થયેલી આ ફ્લોપ ફિલ્મની યાત્રા ‘રામ સેતુ’ (Ram Setu) સુધી ફરી વળી છે પરંતુ હજી પણ અક્કીની ફિલ્મને મનધારી સફળતા નથી મળી. જો કે હજુ પણ ‘રામ સેતુ’ સિનેમાઘરોમાં (theaters) છે, પરંતુ તેના દિવસેને દિવસે ઘટતા દર્શકો જોતા અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ પણ ફ્લોપની (flop) યાદીમાં પણ ખપાઈ જશે. બોલિવૂડમાં અક્ષયની ફિલ્મોનો જાદૂ વિલીન થઇ રહ્યો છે ત્યારે હવે અક્ષય બીજી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે નીકળ્યો છે. તાજેતરમાં જ અક્ષયે મહેશ માંજરેકરની (Mahesh Manjrekar) ફિલ્મ સાથે મરાઠી સિનેમામાં (Marathi Film Industry) ડેબ્યુ (debut) કરવાની જાહેરાત કરી દીધી છે.

મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મમાં ચમકશે અક્ષય કુમાર
ફિલ્મો ફ્લોપ થયા પછી પણ અક્ષય કુમાર નવા પ્રયોગો કરવામાં પાછળ નથી રહેતા . ખિલાડી કુમાર સતત અલગ-અલગ પ્રકારની ફિલ્મો સાઈન કરી રહ્યો છે. આ વર્ષે રિલીઝ થયેલી ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં રાજા-મહારાજાનો રોલ કર્યા બાદ અક્ષય કુમાર ફરી એકવાર ફિલ્મી પડદે આવો જ રોલ કરતો જોવા મળશે. અક્ષય કુમાર મહેશ માંજરેકરની છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત ફિલ્મ સાથે મરાઠીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અભિનેતા ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ નામની ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે.

સાત બહાદુર યોદ્ધાઓની વાર્તા પર આધારિત છે ફિલ્મ
મહેશ માંજરેકર દ્વારા દિગ્દર્શિત અને વસીમ કુરેશી દ્વારા નિર્મિત, આ ફિલ્મ સાત બહાદુર યોદ્ધાઓની વાર્તા પર આધારિત છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય શિવાજી મહારાજના સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો હતો. આ નાયકોની વાર્તા ઇતિહાસના સૌથી ભવ્ય પૃષ્ઠો પર લખવામાં આવી છે. મુંબઈમાં આયોજિત ફિલ્મના મુહૂર્ત શોટ કાર્યક્રમમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને MNC ચીફ રાજ ઠાકરે પણ હાજર હતા. અક્ષયની વર્ષની પાંચમી ફિલ્મ ‘રામ સેતુ’ રિલીઝ થયાના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે એવા અહેવાલ છે.

અક્ષય કુમારે ફિલ્મને ગણાવી ખાસ
આ ફિલ્મ અને તેના મરાઠી ડેબ્યૂ વિશે વાત કરતાં, અક્ષયે ઇવેન્ટમાં કહ્યું, “મારા માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. મને લાગે છે કે મોટા પડદા પર છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવવું એ એક મોટી જવાબદારી છે. જ્યારે રાજ સરે મને આ ભૂમિકા ભજવવાનું કહ્યું ત્યારે હું ચોંકી ગયો હતો. આ ભૂમિકા ભજવીને મને ખૂબ જ સારું લાગે છે અને તે મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આટલું જ નહીં, હું મહેશ માંજરેકર સાથે પણ પહેલીવાર કામ કરીશ, અને આ મારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે.

Most Popular

To Top