Columns

વ્રતની સફળતા

એક ગરીબ માતા પોતાના નાનકડા દીકરા સાથે ગામડામાં એકલી રહે અને મજૂરી કરીને ગુજરાન ચલાવે.આવતી કાલે તેના એકના એક દીકરાનો જન્મદિવસ હતો, પણ તેની પાસે કંઈ હતું નહિ એટલે તે કંઈ બોલી નહિ.સવારે ચુપચાપ રાબેતા મુજબ દીકરાને શાળામાં મોકલી દીધો.પોતે ભારે મન સાથે કામ પર ગઈ. છોકરો શાળામાંથી ઘરે આવ્યો અને મા પાસે દોડી જઈને બોલ્યો, ‘મા, તું ભૂલી ગઈ …મને સાહેબે રજીસ્ટર પ્રમાણે કહ્યું, આજે મારો જન્મદિવસ છે. સાહેબે મને લાડવો આપ્યો. જો અડધો તારા માટે લાવ્યો છું.’ આમ કહીને દીકરાએ માતાને લાડવો ખવડાવ્યો. માતાની આંખમાં આંસુ આવી ગયા. તેણે મનમાં કંઇક નિર્ણય કર્યો અને દીકરાને રોટલો ખવડાવી સુવડાવી દીધો.

અને પોતે નજીકના ખેતરમાં જઈને ભરબપોરે બધા આરામ કરે ત્યારે પણ ત્રણ કલાક સખ્ત મજૂરી કરી અને મુકાદમ પાસેથી જે પૈસા મળ્યા તે લઈને બજારમાં ગઈ. એક નવું શર્ટ લીધું અને થોડી જલેબી લીધી.પછી ઘરે આવી તેણે દીકરાને ઉઠાડ્યો.નવડાવી નવું શર્ટ પહેરાવી તૈયાર કર્યો અને જલેબી લઈને મંદિરે ગઈ અને મંદિરના પુજારીનાં ચરણોમાં જલેબીનું પડીકું મૂક્યું. પુજારીએ કહ્યું, ‘આ શું છે બહેન?’ ગરીબ માતા બોલી, ‘બાપજી, આજે મારા નાનકડા દીકરાનો જન્મ દિવસ છે.તમને ભોજન માટે તો બોલાવી શકું તેમ નથી પણ કાળી મજૂરી કરી આ જલેબી લાવી છું. મને ખબર છે તમને ખૂબ ભાવે છે અને મારા દીકરાને પણ ભાવે છે.તો બાપજી તમે આ જલેબી સ્વીકારો. તેને ખાઈ લો અને થોડી પ્રસાદીરૂપે મારા દીકરાને ખવડાવો એટલે તેનો જન્મદિવસ ઉજવાઈ જાય.’

નાનકડો દીકરો નવું શર્ટ પહેરી હસતો હસતો માતાની આંગળી ઝાલીને ઊભો હતો.પુજારી બોલ્યા, ‘બહેન, આ જલેબી તમે મા દીકરો પ્રેમથી આરોગો. મારો તો આજે ઉપવાસ છે..’ આ સાંભળી ગરીબ માતાએ પડીકું પાછું લીધું પણ તે લેતાં લેતાં તેની આંખના ખૂણા ભીના થઈ ગયા.’ પુજારીએ કહ્યું, ‘બહેન, આંસુ શું કામ? કૈંક ઓછું લાગ્યું?’ માતા બોલી, ‘ના ના બાપજી એ તો મારા નસીબ જ ગરીબ કહેવાય. માંડ તમને ખવડાવવા જલેબી લાવી પણ આજે જ તમારો ઉપવાસ છે.’ પુજારીએ તેના હાથમાંથી જલેબીનું પડીકું લઈને ખોલ્યું અને જલેબી ખાધી અને નાનકડા દીકરાને પણ પોતાના હાથે ખવડાવી.માતા બોલી, ‘બાપજી તમારું વ્રત તોડ્યું?’ પુજારી બોલ્યા, ‘વ્રત ભલે તૂટે, પણ તમારું કે તમારા બાળકનું કોમળ દિલ તૂટશે તો મારો રામજી મને માફ નહિ કરે. આજે જલેબી ખાઈને પણ મારું વ્રત સફળ થશે કારણ કે બે ચહેરા પર તમારા જલેબી ખાવાથી સ્મિત પ્રગટ્યું છે.’ પુજારીને નમન કરી માતા અને બાળક જલેબી આરોગતાં ઘરે ગયાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top