માર્ક તુલી ‘ધ વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામથી જાણીતા છે. આજના યુગમાં જ્યારે નાનાં અમથા વિષયને લઈને પણ અનેક મત પ્રગટ થાય છે ત્યારે કોઈ એક વ્યક્તિને આ રીતે સંબોધન થાય તે થોડું આશ્ચર્ય પણ લાગે. પરંતુ ‘ધ વોઇસ ઑફ ઇન્ડિયા’સંબોધન થાય છે કારણ કે નેવુંના દાયકા અગાઉ જ્યારે મીડિયા પા પા પગલી ભરી રહ્યું હતું ત્યારે વિશ્વ સુધી ભારતની ખબર પહોંચાડનારાં માર્ક તુલીની જેમ ગણ્યાગાંઠ્યા હતા. માર્ક તુલીને આ ઓળખ મળી તેમાં બેશક તેમનું કામ તો છે જ, પણ સાથે તેઓને મળેલું ‘BBC’નું પ્લેટફોર્મેય છે. હાલમાં 18 ઑક્ટોબરે ‘BBC’ના 100 વર્ષ પૂર્ણ થયા અને તેના અઠવાડિયા બાદ 24 ઑક્ટોબરના રોજ ‘BBC’વતી ભારતમાં 20 વર્ષ સુધી દિલ્હીના બ્યૂરો ચીફ રહેનારાં માર્ક તુલીને 87 વર્ષ પૂર્ણ થયા છે અને તેમણે આ ગાળા દરમિયાન ભારતમાં બનેલી અતિ મહત્ત્વની ઘટનાઓનું કવરેજ કર્યું છે.
આ ઘટનાઓમાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ, ભોપાલ ગેસ ત્રાસદી, ઓપરેશન બ્લ્યૂ સ્ટાર, શીખ વિરોધી રમખાણો, રાજીવ ગાંધીની હત્યા અને બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટના સમાવિષ્ટ છે. એક વિદેશી તરીકે માર્કનો ભારતને જાણવા-સમજવાનો આ દીર્ઘ અનુભવ છે અને તે અનુભવ શબ્દોમાં પણ બયાન થયો છે. તેમણે ભારત સંબંધિત ‘રાજ ટુ રાજીવ : 40 યર્સ ઑફ ઇન્ડિયન ઇન્ડિપેન્ડસ’, ‘નો ફુલ સ્ટોપ ઇન ઇન્ડિયા’, ‘ધ હર્ટ ઑફ ઇન્ડિયા’, ‘ઇન્ડિયા અનએન્ડિગ જર્ની’, ‘ધ રોડ અહેડ’અને ‘નોન-સ્ટોપ ઇન્ડિયા’જેવાં પુસ્તકો લખ્યાં. 2017માં તેમનું ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિમાં લખાયેલી વાર્તાસંગ્રહનું પુસ્તક ‘અપકન્ટ્રી ટેલ્સ : વન્સ અપન અ ટાઇમ ઇન ધ હર્ટ ઑફ ઇન્ડિયા’પણ પ્રકાશિત થયું. માર્કે ભારત વિશેનું માતબર લખાણ લખ્યું છે અને મહદંશે તે અંગ્રેજીમાં છે. ભારત વિશેનો તેમનો દૃષ્ટિકોણ જાણવા-સમજવા જેવો છે.
તેમનું ભારત સાથેનું જોડાણ જન્મથી તો હતું જ, પણ પછી કર્મેય તે બંધાયા. આ રીતે અન્ય દેશોમાં કારકિર્દી માટે જવું એ તો સામાન્ય ઘટના છે અને ખાસ કરીને જ્યારે સંઘર્ષમય દેશોમાંથી કોઈ સુખાકારી દેશોમાં પહોંચે ત્યારે તો આ ક્રમ સૌ કોઈ પાળે છે. પરંતુ કોઈ વિકસિત દેશમાંથી ભારત જેવાં દેશમાં કામ અર્થે આવે પછી તે અહીં કેમ રોકાય? માર્ક તુલી માટે ભારતમાં રોકાવાના ઘણાં કારણો હતા. તેમનું માનવું હતું કે જો તેઓ પાછા બ્રિટન જતા રહેત તો મહદંશે તો તેઓ બ્રિટિશ કાળના ભારતની એ જ પેટર્નને અનુસરત, જેમાં મહદંશે સરકારી અધિકારીઓ પૂરું જીવન ભારતમાં પસાર કરીને સારી રીતે નિવૃત્તિ કાળ પસાર કરવા પાછાં ઇંગ્લેન્ડ જતાં. પરંતુ માર્કના કિસ્સામાં તેમને ભારત છોડી જવાનો વિચાર ક્યારેય આવ્યો નહીં. તેમનું માનવું છે કે ઇંગ્લેન્ડ પાછા જવું એટલે અહીં ગાળેલા 30 વર્ષને પાણીમાં નાંખી દેવાના. ‘BBC’માં નોકરી કર્યા પછી તેમની કોઈ મહેચ્છા બાકી રહી નહોતી તેવું તેઓ સ્વીકારે છે.
ભારત પ્રત્યેનો તેમનો લગાવ પહેલાં દિવસે તેઓ બ્રિટનથી આવ્યા ત્યારથી તેમણે અનુભવ્યો. અહીં આવ્યા ત્યારે તેમને ઘણાં બધાં મિત્રો મળ્યાં. કેટલાંક તો ખૂબ સિનિયર હતા, તેવાં જ પાડોશીઓ મળ્યા. આ રીતે તેમણે ભારતમાં પોતાની જાતને શોધવા માંડી અને થોડોક જ સમય જતાં તેઓ ભારતીય જ હોય તેવું અનુભવવા માંડ્યા. અહીં રોકાવવાનો તેઓ એક માત્ર કારણ મિત્રો આપે છે. અને અહીંના નિવાસ પછી તેઓ ભારતની સુંદરતા જોઈ, ખાસ કરીને તો કુદરતે જે ભેટ ભારતને આપી છે તે. હિમાલય, કેરળ અને અરબ સમુદ્રમાં પ્રવાસની તેમણે મઝા માણી છે. અને ભારતની ધરતીની એક ખાસ સુંગધને તેઓ ઓળખે છે, જે તેમને નોસ્ટાલજિયામાં લઈ જાય છે. ખાણી-પીણી, રહેણીકરણી અને અહીંની સંસ્કૃતિને તેમણે મનભરીને જોઈ-અનુભવી છે. આનું વર્ણન તેમણે ‘ધ હર્ટ ઓફ ઇન્ડિયા’પુસ્તકના પ્રસ્તાવનમાં કર્યું છે.
માર્ક તુલીએ એવાં સમયે કામ કર્યું જ્યારે તેમનાં રિપોર્ટ્સ ‘BBC’પર ઇંગ્લેન્ડમાં પ્રસારીત થતાં અને બીજી તરફ ભારતનો શ્રોતાવર્ગ પણ સાંભળતો. આ બંને ઓડિયન્સ માટે જ્યારે તેમના રિપોર્ટ્સ તૈયાર થતા ત્યારે તેમાં ખૂબ કાળજી રાખવી પડતી. તેમનું માનવું છે કે ભારતનો શ્રોતાવર્ગ હોશિયાર હતો અને તે અહીં બનતી ઘટનાઓની સૂક્ષ્મ વિગતો ઇચ્છતો. આ ભેદ હંમેશા BBCના લંડન સ્થિત તેમના ઉપરી આવકરતાં નહોતા. આવી એક ઘટના તેઓ વાગોળતાં કહે છે કે જ્યારે 1975માં ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી ત્યારે તેમના અનેક વિરોધીઓની ધરપકડ થઈ. આ દરમિયાન માર્ક તુલીએ ધરપકડ થયેલાં તમામની યાદી લંડન મોકલાવી. આ નામો જોઈને માર્કના ઉપરી તેમના પર એમ કહીને ભડક્યાં કે આમાં જે નામો આપવામાં આવ્યા છે તેમાંથી કોઈનું પણ નામ અમે સાંભળ્યું નથી. પરંતુ ભારતનો શ્રોતા વર્ગ આ બધાં જ નામોને સારી રીતે ઓળખતો હતો અને મેં તેમને કહ્યું કે આ ન્યૂઝ મેં ભારતીયોને ધ્યાનમાં રાખીને લખ્યા છે.
માર્ક પાસે આવાં અનુભવોનો ભંડાર છે અને તેથી જ તેમણે પોતાના આ અનુભવોને અત્યાર સુધી 10થી વધુ રસપ્રદ પુસ્તકો આપી શક્યા છે. ‘નોન-સ્ટોપ ઇન્ડિયા’પુસ્તકમાં તેઓ આરંભે ભારતીયોની જુગાડી[અહીં જુગાડનો અર્થ સટ્ટાના સંદર્ભે ન લેવો, બલકે છેલ્લા સમયે જાગીને તૈયારી કરવી તે સંદર્ભ છે] વલણ વિશે લખે છે : “જુગાડથી ભારત ઘણે અંશે સારું કરી શક્યું છે. તેના કેટલાંક નુકસાનેય છે. પરંતુ મારાં દૃષ્ટિકોણથી તે તેઓને ભયાનક આત્મસંતોષ તરફ વાળે છે. આજ કારણે તેઓ અતિગંભીર કટોકટીમાં પણ તુરંત ઉકેલ શોધતા નથી અને સંકટમાં ફંગોળાય છે.”
આ સંદર્ભે માર્ક 1984ના શીખ-સરકાર અથડામણનું ઉદાહરણ ટાંકે છે. તેઓ લખે છે : “1984માં શીખ અલગાવવાદી નેતા જર્નલસિંઘ ભિંદરાનવાલે પર સુવર્ણ મંદિરનું મુખ્ય મથક કબજે કર્યા પહેલાં જ એક્શન લેવાઈ ગયા હોય તો વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને સુવર્ણ મંદિર પર સેના મોકલવાની કોઈ નોબત ન આવી હોત. આ નિર્ણય લેવામાં મોડું થયું તે કારણે ભારતીય સેનામાં બળવાની સંભાવના સુધ્ધા વધી અને ઇન્દિરા ગાંધીએ પણ પોતાનો જીવ ખોયો. અને તે કારણે પછીથી શીખ રમખાણો થયા, જેમાં હજારો શીખો માર્યાં ગયા.”
આ રીતે તુલી ભારતમાં આવેલાં ઉદારીકરણ વિશેની વાતને મૂકી આપી છે. તેમના મુજબ : “ભારતમાં આઝાદી પછી લાંબા સમય સુધી આર્થિક પ્રગતિ થઈ શકી નહોતી. તે પછીનો સમય તો લાઇસન્સ રાજ નામે ઓળખાતો હતો, જેમાં વેપાર-ઉદ્યોગ કરવાનો ખૂબ મુશ્કેલ હતું. આ સ્થિતિ એટલી હદે ખરાબ થઈ કે 1991 ભારત પર મસમોટું દેવું થયું અને રિઝર્વમાં રહેલાં સોનું પણ વેચવાનો વારો આવ્યો. પરંતુ આ સંકટમાં તત્કાલિન વડા પ્રધાન પી.વી.નરસિમ્હારાવ અને નાણાંમંત્રી ડો.મનમોહન સિંઘે તક જોઈ અને સરકારના તમામ અંકુશો હટાવી દીધા. અને એ રીતે તે પછી ભારત આર્થિક પ્રગતિના પાટે ચડ્યું.”તેના પ્રતાપે જ આજે ભારતની ઇકોનોમી વિશ્વની ટોપ ફાઈવમાં પ્રવેશી ચૂકી છે. તુલી ભારતમાં મોડે મોડે લેવાયેલા આ નિર્ણયને જુગાડી વલણમાં જ ખપાવે છે.
એવો જ દાખલો દિલ્હીમાં 2010માં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ વિશે આપે છે. આ ગેમની તૈયારીને લઈને ભારતની મર્યાદાઓ પૂરા વિશ્વએ જોઈ. ધીરી ગતિએ ચાલતું કામ અને ભ્રષ્ટાચારના કારણે કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે અગાઉ પૂરા વિશ્વના મીડિયા પર ભારતની છબિ ખરડાઈ ચૂકી હતી. રમતવીરોની રહેવાની વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન લાગ્યો હતો. પરંતુ કોમનવેલ્થ ગેમ્સ જેવી શરૂ થઈ અને બધું ગોઠવાતું ગયું. છેવટે સારી રીતે આ ગેમ્સ સમાપ્ત થઈ. તુલીના મુજબ આ ચમત્કાર થવા પાછળ ભારતીયોની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા નથી બલકે તેમની જુગાડી પ્રકૃતિ છે. માર્કનું પોતાનું જીવન પણ આવું જુગાડી રહ્યું છે અને સંભવત્ એટલે જ એમને ભારતમાં સરસ રીતે ફાવી ગયું. તેમણે જીવનનાં ખાસ્સા ઉતાર-ચઢાવ રહ્યા છે પણ શબ્દમર્યાદાના કારણે તેની ચર્ચા ફરી ક્યારેક.