ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે. દરેક રાજકીય પક્ષો પોતાનાં હથિયારો સજાવી પ્રચારકાર્યમાં લાગેલા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં છેલ્લાં 25 વર્ષથી વિરોધ પક્ષે બેઠી છે. ભાજપ વિવિધ હથકંડા અજમાવીને સત્તા સાચવવામાં સફળ રહ્યો છે. પચ્ચીસ વર્ષથી લગાતાર હારતી કોંગ્રેસ હારનાં મુખ્ય કારણો સમજવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસી હારનાં કેટલાંક કારણો આ છે. કેન્દ્રમાં કોંગ્રેસી શાસન દરમ્યાન કાશ્મીર સમસ્યા હળવા હાથે લીધી જેના કારણે કાશ્મીરી પંડિતોની લગાતાર હત્યાઓ થઇ અને કાશ્મીરી પંડિતો ઘાટી છોડવા મજબૂર થયા. પંડિતો ઉપરના અત્યાચારોએ હિંદુ પ્રજાને હલબલાવી નાંખી. 2008ના મુંબઇ હુમલા પછી મનમોહન સરકારે પાકિસ્તાનને ઠમઠોરી નાંખવાને બદલે હળવા હાથે કામ લીધું જેથી દેશના તમામ હિંદુઓ સમસમી ગયા.
ગુજરાતમાં તો કોંગ્રેસી શાસન દરમ્યાન રીતસર મુસ્લિમોને થાબડવાના ધંધા થયા, જેના કારણે લતિફ જેવો નરકાસુર પેદા થયો. એની ગેંગે માત્ર અમદાવાદમાં નહીં, ગુજરાતનાં તમામ મોટાં શહેરોમાં આતંક મચાવી બહુમતી હિંદુઓમાં ખોફ ઊભો કર્યો, જેના કારણે અમદાવાદ-વડોદરા-સુરત જેવાં શહેરોમાં કેટલાય વિસ્તારોમાંથી હિંદુઓ જૂના વિસ્તારોમાંથી મકાનો છોડી છોડી ભાગવા મજબૂર બન્યાં અને આ જ ભાગેલા હિંદુઓ નવા વિસ્તારોમાં ભાજપના કાયમી સમર્થકો બન્યાં. 2002 પછી તો મોદીમાં એમને પોતાનો મસીહા દેખાયો, જે આજ સુધી બરકરાર છે. કોંગ્રેસ આ મામલે નહીં સુધરે તો લાખ પ્રયત્ને ય ન જીતી શકે એ સમજવું અત્યંત જરૂરી છે.સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.