Dakshin Gujarat

વલસાડથી નરેન્દ્ર મોદીની માતૃભૂમિ વડનગર સુધી ગુરુવારથી હવે આ ટ્રેન દોડશે

વાપી: વલસાડ-વાપી (Valsad-Vapi) સહિત સમગ્ર જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં કેટલાય વર્ષોથી ધંધા-રોજગાર અને નોકરી (Job) અર્થે સ્થાયી થયેલા ઉત્તર ગુજરાત તરફના લોકોની વર્ષો જૂની માંગને રેલવે વિભાગ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. જેમાં વલસાડથી વડનગર સુધી સુપરફાસ્ટ ઈન્ટરસિટી (Intercity) નિયમિત રૂપે દોડશે. ગુજરાત ક્વિન ટ્રેન બાદ આ એક વધુ સુવિધા ઉત્તર ગુજરાતના લોકોને મળતાં આનંદનો પાર નથી.

  • સવારે 5:45 કલાકે વલસાડથી ઉપડી વડનગર બપોરે 12:45 કલાકે પહોંચશે
  • વડનગરથી સાંજે 4:45 કલાકે ઉપડી વલસાડ રાત્રે 12:35 કલાકે પરત આવશે
  • મોરારજી દેસાઈની માતૃભૂમિ વલસાડ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતૃભૂમિ વડનગરને જોડતી રેલ સેવા કાર્યાંવત કરાઈ

પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની માતૃભૂમિ વલસાડ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતૃભૂમિ વડનગરને જોડતી રેલ સેવા કાર્યાંવત કરાઈ રહી છે. આ ટ્રેન ગુરૂવારે સવારે 9:15 કલાકે વલસાડથી પ્રસ્થાન કરશે અને સાંજે 4:45 કલાકે વડનગર પહોંચશે. ત્યાંથી આ ટ્રેન પરત સાંજે 5:20 કલાકે ઉપડશે અને રાત્રે 12:55 કલાકે વલસાડ આવી પહોંચશે. જોકે, આ ટ્રેનની નિયમિત સેવા 4થી નવેમ્બરથી શરૂ થશે. જેમાં રોજ પ્રાત: 5:45 કલાકે વલસાડથી ઉપડી આ ટ્રેન બપોરે 12:45 કલાકે વડનગર પહોંચશે. સાંજે 4:45 કલાકે વડનગરથી ઉપડી રાત્રે 12:35 કલાકે વલસાડ પરત આવી પહોંચશે. 3જી નવે.ના રોજ ગુરૂવારે આ ટ્રેનને વલસાડ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. બીજા દિવસે 4થી નવે. શુક્રવારથી આ ટ્રેન નિયમિતરૂપે દોડશે. ઉત્તર ગુજરાતના લોકો ની વર્ષો જૂની પડતર માંગનો સંતોષકારક રીતે ઉકેલ લવાતા સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં વસતા લોકોના ચહેરા પર આનંદની લાલીમા છવાઈ ગઈ છે. આ ટ્રેન આવતી અને જતી વખતે નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા થોભશે. જેમાં બેઠક વ્યવસ્થા એસી ચેરકાર, ચેરકાર, અને બીજાવર્ગની શ્રેણીના સામાન્ય કોચ ઉપલબ્ધ રહેશે.

Most Popular

To Top