Columns

ચૂંટણી ફરી વાર શિક્ષણ પરીક્ષણનો ભોગ લેશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર મહિના દિવસની વાર છે. દીપાવલીના તહેવારો પતતાં જ ગુજરાતમાં ચૂંટણીના રાજકીય વહેવારો અને ઉત્સવો શરૂ થઇ જશે. સમાચાર ચેનલો આમ પણ રાજકીય ચર્ચાઓમાંથી બહાર નીકળી શિક્ષણ-આરોગ્ય જેવા મુદ્દાની ચર્ચા ઓછી કરે છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીને કારણે શિક્ષણ-પરીક્ષણ પર અસર થશે તેની ચિંતા તો કોણ કરે? ના, આપણે સભા સરઘસો, રોડ શો, ચૂંટણી ચર્ચાઓ, અવાજો અને ઘોંઘાટથી થનારા શિક્ષણ પરની અસરની વાત નથી કરતા. એ તો છે જ. વગર ચૂંટણીએ પણ શિક્ષણની એકાગ્રતા અને અધ્યયન પ્રક્રિયામાં ડખલ પહોંચાડનારાં પરિબળો આપણા સમાજજીવનમાં છે જ! પણ આપણે સેમેસ્ટર પ્રથાને કારણે ઉચ્ચ શિક્ષણમાં નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી પરીક્ષાઓ અને શિક્ષણના વર્ગોને જે વ્યાપક અસર પડવાની સંભાવના છે તેની ચિંતા વ્યકત કરીએ છીએ.

આમ તો શિક્ષણપ્રક્રિયા અને ચૂંટણીપ્રક્રિયા બે અલગ બાબત છે, પણ ભારતમાં રાજકારણ એ રીતે બધે ભળી ગયું છે કે શિક્ષણ ક્ષેત્રના નિર્ણયો સ્વતંત્રપણે લઇ શકાતા નથી. પ્રવેશથી માંડીને પરિણામો આપવા સુધીના નિર્ણયો રાજકીય ડખલ મુજબ લેવાય છે. એટલે વિદેશોમાં જેમ યુનિવર્સિટીઓની પરીક્ષાને ત્યાંની ચૂંટણીઓ અસર નથી કરતી તેવું ભારતમાં નથી.
તો વાત એ છે કે આપણે ત્યાં સેમેસ્ટર સિસ્ટમ આવ્યા પછી પ્રથમ સેમેસ્ટર કે જે જૂનથી નવેમ્બરમાં ચાલે છે તેની પરીક્ષાઓ નવેમ્બર-ડિસેમ્બરમાં લેવાતી હોય છે.

સામાન્ય રીતે યુનિ.ની પરીક્ષાઓ દિવાળી વેકેશન આસપાસ લેવાય છે. એકાદ સેમેસ્ટરની દિવાળી પહેલાં અને પછીના બાકી સેમેસ્ટરની દિવાળી પછી મતલબ કે નવેમ્બર-ડિસેમ્બરમાં પરીક્ષા પૂરી થાય અને નવા સેમેસ્ટરનું ભણવાનું, શૈક્ષણિક વર્ગો શરૂ થાય! શાળાઓમાં દિવાળી વેકેશન પતે કે તરત નવેમ્બર-ડિસેમ્બરમાં સઘન શિક્ષણ ચાલે છે. દસમા-બારમાની બોર્ડની પરીક્ષા માર્ચના પ્રારંભે લેવાની હોવાથી શિક્ષકો-વાલીઓ-વિદ્યાર્થીઓ સૌ શિક્ષણમાં લાગી જાય છે. ઋતુઓની રીતે ઠંડા દિવસો શરૂ થાય છે. તહેવારો પૂરા થઇ ગયા હોય છે એટલે શિક્ષણના દિવસો વધે છે. જો નવેમ્બર-ડિસેમ્બર ચૂંટણીલક્ષી માહોલમાં જો આ શિક્ષણ બગડે તો સ્વાભાવિકપણે માર્ચ-એપ્રિલની પરીક્ષા પર તેની અસર પડે!

ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ છે એટલે રાજકારણીઓ યુવા નેતાઓને ખુશ રાખવા યુનિવર્સિટીઓને નવેમ્બરમાં પરીક્ષા યોજવા દેશે નહીં. આગલા સેમેસ્ટરની પરીક્ષા બાકી હોય એટલે નવા સેમેસ્ટરનું શિક્ષણ શરૂ થઇ શકે નહીં. શાળા કોલેજોના શિક્ષકો-અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં રાખવામાં આવે છે માટે તેમની ટ્રેનિંગ અને મિટિંગ શરૂ થાય તો શાળા-કોલેજો ચાલુ હોવા છતાં ભણાવનારું કોઇ હોય નહીં. ઘર, ગલી, મહોલ્લામાં રાજકીય ચર્ચાઓ જોર પકડે તે પણ શિક્ષણની સઘન ચિંતા કરનારાને મુશ્કેલીમાં મૂકે!

અગાઉનાં વર્ષોમાં આવા અનુભવ થયેલા છે કે વિદ્યાર્થી સંગઠનના કેટલાક નેતાઓ રાજકીય દબાણ સર્જીને યુનિવર્સિટીને સમયસર સમયપત્રક મુજબ પરીક્ષા લેવા દેતા નથી માટે આખો નવેમ્બર માસ બગડે છે. ડિસેમ્બરમાં ચૂંટણી પછી પરીક્ષાઓ લેવાનું શરૂ થાય એટલે જાન્યુઆરી આવી જાય અને પરીક્ષણ-મૂલ્યાંકન પરિણામમાં તો મહિનાઓ જાય. આગળનું સેમેસ્ટર પાછું ઠેલાય, પણ બીજા સેમેસ્ટરમાં બગડેલા દિવસો ભરપાઇ કરવાની આપણે ત્યાં ટેવ જ નથી. માટે એપ્રિલ-મેમાં જ તેની પરીક્ષાઓ થવા મંડે છે જેથી જૂન-જુલાઇમાં નવું સત્ર સમયસર શરૂ થાય.

ટૂંકમાં દિવાળી વેકેશન પૂરું થઇને શાળા કોલેજો નવમી નવેમ્બરથી શરૂ થઇ જશે! પણ શિક્ષણ અને પરીક્ષણ તેના નિયત ક્રમમાં થશે કે કેમ તે પ્રશ્ન છે! અગાઉનાં વર્ષોમાં પહેલાં કોરોનાના કારણે અને પછી લગ્નની સિઝનના કારણે ઘણી યુનિવર્સિટીઓ જાન્યુઆરી સુધી પોતાની પરીક્ષાઓ યોજી શકી ન હતી. આ વખતે પણ પહેલાં ચૂંટણી અને પછી બીજાં પરિબળોને કારણે પરીક્ષાઓ સમયસર થવાના ચાન્સ ઓછા છે.

આપણા બંધારણ મુજબ આમ તો યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડ સ્વતંત્ર બોડી છે. શિક્ષણ, અભ્યાસક્રમ પરીક્ષણ વગેરે તેમણે સ્વતંત્રપણે અને શિક્ષણના હિતમાં નિર્ણયો કરવાના હોય છે. પણ સ્વતંત્રતાના સમયથી આપણા શિક્ષણ બોર્ડ કે યુનિવર્સિટીઓ એવા આત્મનિર્ભર નિર્ણયો લઇ શકયા નથી. વળી ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં નાગરિક સતર્કતા ઓછી થતી જાય છે. આપણા શિક્ષણજગતના આગેવાનોને આવા રોજિંદા જીવનના વ્યવહારુ પ્રશ્નો ક્ષુલ્લક લાગે છે અને એકલદોકલ લેખ કે ચર્ચા સિવાય કયાંય આ શિક્ષણના નિયમિત સમયપત્રક વિષે ચર્ચા થતી નથી.

બાકી જાગૃત સમાજમાં તો શિક્ષણપ્રક્રિયાની નિયમિતતા ચૂંટણીનો મુદ્દો હોવો જોઇએ! નિયત સમયે શિક્ષણકાર્ય અને નિયત સમયે પરીક્ષણકાર્ય એ સારી શિક્ષણ વ્યવસ્થાની નિશાની છે! નવી શિક્ષણ નીતિમાં પણ કદાચ આવા વ્યવહારુ પ્રશ્નોની કયાંય ચર્ચા નથી! શી ખબર આપણી યુનિવર્સિટીઓની પરીક્ષાને તહેવારો, લગ્નની સિઝન, રાજકીય કાર્યક્રમોથી સ્વતંત્ર કયારે થશે? આવી અંધાધૂંધીનો લાભ સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોને મળે છે તે વાત આપણે કયારે સમજીશું? ખરેખર તો ચૂંટણી ચૂંટણીના સમયે થાય. નેતાઓ નેતાનું કામ કરે અને યુનિવર્સિટીઓ પોતાનું કામ કરે એ શ્રેષ્ઠ સ્થિતિ કહેવાય! પણ ગુજરાતમાં દિવાળી પહેલાં જ કેટલીક યુનિવર્સિટીઓએ પરીક્ષા યોજી લીધી અને કેટલીક યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓએ પરીક્ષાઓ યોજવા ન દીધી.

એટલે ચૂંટણીના મહિનામાં તેઓ પરીક્ષા થવા દે તેવું લાગતું નથી! સરવાળે ફરી એક વાર શિક્ષણ રાજકારણનો ભોગ બનશે તે નક્કી છે. આવા સંજોગોમાં સમજુ વિદ્યાર્થીઓ અને વાલીઓને એટલી જ વિનંતી કે તમે શિક્ષણમાં લાગેલા રહેજો. અભ્યાસ ચાલુ રાખજો. ધનિકોનાં બાળકો તો ટયૂશન કલાસમાં ભણવાનું ચાલુ જ રાખશે. મધ્યમ વર્ગ પોતાના યુવાનોને રાજકીય રેલી-પ્રવચનોથી દૂર રાખી શિક્ષણમાં પ્રવૃત્ત રાખે. સતર્કતા અને જાગૃતતા જ હવેના સમયમાં આપણો બચાવ કરશે. ‘શિક્ષણમાં તો આત્મનિર્ભર જ રહેવું!’
-આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top