પર્થ: ભારતીય ક્રિકેટ ટીમને (Indian Cricket Team) T20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) તેની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના (Australia) પર્થમાં (Perth) રવિવારે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ (South Africa) ટીમ ઈન્ડિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ અને ફિલ્ડિંગ ઉઘાડી પડી છે.
પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ ખરાબ રહી હતી. સૂર્યકુમાર યાદવે 68 રનની ઇનિંગ રમીને ટીમને 133ના સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય બાકીના ખેલાડીઓ પણ નિષ્ફળ રહ્યાં હતા. ત્યાર બાદ ભારતીય ફિલ્ડરોની નબળી ફિલ્ડીંગના લીધે ભારતે મેચ ગુમાવી હતી. ઘણી વખત આફ્રિકન બેટ્સમેનોને રનઆઉટ કરવાની તક મળી હતી, જેનો ફાયદો ભારતીય ખેલાડીઓ ઉઠાવી શકાયા ન હતા. વિરાટ કોહલીએ એક સરળ કેચ પણ છોડ્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામેની મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું છે. રોહિતે સ્વીકાર્યું કે ભારતીય બેટ્સમેનોએ બેટિંગમાં ઓછા રન બનાવ્યા. ત્યાર બાદ પણ ટીમ ઈન્ડિયા એક સમયે મેચ જીતવા જઈ રહી હતી, પરંતુ પછી નબળી ફિલ્ડિંગના લીધે ભારતના હાથમાંથી મેચ સરકી ગઈ.
રોહિતે મેચ બાદ કહ્યું, અમને ખબર હતી કે પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળશે. આવી સ્થિતિમાં, આ પીચ પર લક્ષ્યનો પીછો કરવો સરળ રહેશે નહીં. અમે બેટિંગમાં ઓછા રન બનાવ્યા. અમે મેચમાં સારી લડત આપી, પરંતુ દક્ષિણ આફ્રિકા આજે અમારા કરતા વધુ સારું રમ્યું હતું.
જ્યારે તમે તે સ્કોર (10 ઓવરમાં 40/3) જોશો ત્યારે તમે માનશો કે ભારત મેચ જીતવાના માર્ગ પર છે. પરંતુ એડન માર્કરામ અને ડેવિડ મિલરે મેચ વિનિંગ પાર્ટનરશિપ બનાવી હતી. ભારતીય કેપ્ટને કહ્યું, ‘અમે ફિલ્ડિંગમાં થોડા નબળા રહ્યાં હતા. અમે આફ્રિકન બેટ્સમેનોને આઉટ કરવાની ઘણી તકો ગુમાવી. અમે છેલ્લી બે મેચમાં ફિલ્ડિંગમાં સારી કરી હતી. પરંતુ આ મેચમાં અમે રનઆઉટની કેટલીક તકો ગુમાવી હતી. અમારે અમારી શ્રેષ્ઠ રમત રમવી પડશે અને આ મેચમાંથી શીખવું પડશે. છેલ્લી ઓવરમાં સ્પિનરોનું શું થયું તે અમે જોયું. તેથી અમે બીજી રીતે જવા માગતા હતા. ડેવિડ મિલરે કેટલાક સારા શોટ રમ્યા હતા.
આ રીતે ટીમ ઈન્ડિયા T20 મેચ હારી ગઈ
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 68 રનની ઇનિંગ રમી જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય કોઈ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ચાર અને વેઈન પાર્નેલે ત્રણ વિકેટ લીધી હતી. 134 રનના ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આફ્રિકન ટીમની જીતના હીરો એડન માર્કરામ અને ડેવિડ મિલર હતા, જેમણે શાનદાર બેટિંગ કરી હતી. મિલરે અણનમ 59 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે એડન માર્કરામે 52 રનનું યોગદાન આપ્યું હતું.