નવસારી : નવસારી (Navsari) નારાયણ કોલોનીની (Narayan Colony)મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ (Police) મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી રૂસ્તમવાડી રોડ પર નારાયણ કોલોનીમાં તૃપ્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન દિનેશભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે રહેતાં હતાં. ઉષાબેને કોઈ અગમ્ય કારણસર ઘરના રસોડાના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે પરિવારજનોએ તેણીને ફાંસીએ લટકેલી જોઈ તાત્કાલિક નીચે ઉતારી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મુત જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે મૃતકના પતિ દિનેશભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ. હુકમચંદને સોંપી છે.
દીકરીને મળવા આવતા પિતાને અકસ્માત નડ્યો, મોત થયું
નવસારી : વલસાડથી નવસારી દીકરીને મળવા આવતા પિતાને અબ્રામા-એરૂ રોડ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા પિતાનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, વલસાડના ડુંગરી નાની દાંતી ગામે અશરફભાઈ ઉશ્માન ખલીફા (ઉ.વ. 37) તેમના પરિવાર સાથે રહે છે. ગત 26મીએ અશરફભાઈએ નવસારી તરોટા બજાર કાશીવાડીમાં રહેતી મેહેર સરફરાઝ સફી ખલીફાને ફોન કરી મળવા માટે આવવાનું જણાવ્યું હતું. થોડા સમયબાદ અશરફભાઈ તેમની બાઈક લઈને નવસારી દીકરી મેહેરને મળવા માટે આવી રહ્યા હતા. ત્યારે અબ્રામા-એરૂ રોડ પર હાંસાપોર ગામે તળાવ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે અશરફભાઈની બાઈકને ટક્કર મારતા અશરફભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ
દરમિયાન અશરફભાઈ દીકરી મેહેરને ત્યાં ન પહોંચતા મેહેરે પિતા અશરફભાઈને ફોન કરતા હોસ્પિટલની નર્સે ફોન ઉપાડી અશરફભાઈનું અકસ્માત થયું હોવાથી તેમની તબિયત સીરીયસ હોવાનું જણાવતા મેહેર તેમના સગાં-સબંધીઓ સાથે હોસ્પિટલ પહોચી હતી. પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અશરફભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મેહેરે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. આર.એસ. ગોહિલે હાથ ધરી છે.