દેલાડ: ઓલપાડ ટાઉનમાં ભટગામ (Bhatgam) રોડ ઉપર એક રાજસ્થાની પરિવારના મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ (Fire) ભભૂકી ઉઠતા ઘર વખરીનો સામાન સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બળીને ખાખ થઈ જવા પામી હતી. જેથી આ પરિવારને દિવાળી પર્વમાં આગ અકસ્માતથી રૂ.૪.૫૦ લાખનું નુકશાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે.ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની નારાયણ અણદુજી રાજપુરોહિત હાલમાં ઓલપાડ ટાઉનમાં ભટગામ રોડ ઉપર આવેલ શ્રી સાંઈ બંગ્લોઝ ના મકાન નં.૨૫ માં રહી વેપાર કરે છે. ગત મંગળવારે રાત્રે ૧૧ કલાકના સુમારે તેના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
ઘરનું લાઈટિંગ અને વાયરિંગ અન્ય માલસામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો
જેથી મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના પ્રથમ હોલમાં છત ઉપર POP હોવાના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ જ્વાળાની લપેટમાં ઘરનું લાઈટિંગ અને વાયરિંગ, દિવાલ ઉપર લાકડાનો મંદિરનો શોકેસ, દરવાજાની બાજુમાં ઈન્ટેક્ષ કંપનીની ૪૩ ઈંચ નું કલર ટી.વી., દિવાલ ઉપર લગાડેલ વોલ પેપર, બે પંખા ,બે સોફા તથા ફ્રીઝ સહિત અન્ય માલસામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.
આગ અકસ્માતથી લાખોનું નુકશાન થયાનો અંદાજ
જયારે આગથી મકાનના ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ ફ્લોરની દિવાલનો કલર બળી જતા દિવાલ પણ કાળી થઈ ગઈ હતી. જેથી આ રાજસ્થાની પરિવારને આશરે રૂ.૪.૫૦ લાખનું નુકશાન થયું હતું. આ બાબતે આગ ઘટનાથી નુકસાનનો ભોગ બનનાર નારાયણ રાજપુરોહિતે ઓલપાડ પોલીસ મથકમાં ગત ગુરૂવાર તા.૨૭ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભરૂચના કસક વિસ્તારમાં આવેલી વિહિતા કેમની ઓફિસમાં આગ
ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા.ભરૂચ શહેરમા કસક વિસ્તારમાં આનંદ કોમ્પલેક્ષ આવેલ છે જે કોમ્પ્લેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં ગતરોજ રાતે આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી આગની ઘટના અંગે સ્થાનિકોએ ભરૂચ નગર પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં કાબુ મેળવ્યો હતો.