માણસની અનૈતિકતામાં ઈશ્વરની સંડોવણી! – Gujaratmitra Daily Newspaper

Columns

માણસની અનૈતિકતામાં ઈશ્વરની સંડોવણી!

ગોવાના પૂર્વ મુખ્ય મંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ વિધાયકો “ભગવાનને પૂછીને” 14મી સપ્ટેમ્બરે સત્તાધારી BJPમાં સામેલ થઇ ગયા. ગોવા વિધાનસભાની ચૂંટણી પહેલાં, આ કામત અને અન્ય કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં જઈને કોંગ્રેસને વફાદાર રહેવાની કસમ ખાધી હતી. જો કે 7 મહિનાની અંદર જ તેઓ BJPમાં સામેલ થઇ ગયા અને પત્રકારોએ તેમને એ કસમ યાદ કરાવી, તો કામતે કહ્યું, ‘‘હું મંદિર ગયો હતો અને દેવી-દેવતાઓને પૂછ્યું હતું કે આ (BJP જોઈન કરવાનું) મારા મનમાં ચાલી રહ્યું છે. મારે શું કરવું જોઈએ? ભગવાને કહ્યું, આગળ વધ અને ચિંતા ન કરીશ.’’

દિગંબર કામતે ભગવાનને કેવી રીતે ‘વાપર્યા’ છે તે જાણીને તમને તેમના પર ઘૃણા થાય અથવા ભારતની રાજનીતિએ ભગવાનના કેવા હાલ-હવાલ કર્યા છે તે જોઇને દુઃખ થાય તે સમજી શકાય તેવું છે પણ હકીકત એ છે કે માણસ હંમેશાંથી તેની અનૈતિકતાનો બચાવ કરવા માટે ભગવાનનું નામ લેતો રહ્યો છે. હમણાં જેમના પર હુમલો થયો હતો, તે મૂળ ભારતીય લેખક સલમાન રશ્દીએ તેમની વિવાદાસ્પદ નવલકથા “ધ સતાનિક વર્સીસ”માં ઐતિહાસિક નિરીક્ષણ કર્યું હતું, “માણસ શરૂઆતથી જ અનુચિતને ઉચિત ઠેરવવા માટે ભગવાનનો ઉપયોગ કરતો આવ્યો છે.”

નૈતિકતા સામાજિક ગુણ છે. માણસોને સમૂહમાં રહેવા માટે સક્ષમ બનાવે તેવા માપદંડો અથવા આદર્શો એટલે નૈતિકતા. સમાજમાં સદાચાર અને દરેકનાં હિત જળવાઈ રહે તે માટે સામાજિક વ્યવસ્થા વ્યક્તિ પાસેથી નૈતિકતાની અપેક્ષા રાખતી હોય છે. વ્યક્તિ તેની સામાજિક ફરજના ભાગ રૂપે નૈતિક વ્યવહારને સ્વીકારે છે. બીજાના ઘરમાંથી ચોરી ન કરવી એ નૈતિક વ્યવહાર છે કારણ કે તેનાથી મારા ઘરમાં પણ ચોરી થતી નથી એટલે તમારો નૈતિક વ્યવહાર મારા નૈતિક વ્યવહાર પર નિર્ભર કરે છે. તેનો અર્થ એ થયો કે માણસ બુનિયાદી રૂપે અનૈતિક છે પરંતુ બીજાના નૈતિક વ્યવહારથી તેના હાથ બંધાયેલા હોવાથી તે ઉઘાડેછોગ અનૈતિક વ્યવહાર નથી કરી શકતો અને એટલા માટે જ તે તેમાં ભગવાનને સંડોવી દે છે. ભગવાનના નામે અનૈતિક કામ કરવાનું સરળ થઈ જાય છે કારણ કે તેમાં સમાજ પ્રત્યે ઉત્તરદાયીત્વ નથી રહેતું. ભગવાન જો આપણા પક્ષે હોય તો પછી અનૈતિક વ્યવહાર માટે ગિલ્ટની ભાવના નથી રહેતી.

રશ્દીએ કહ્યું તેમ, આ આજકાલનું નથી. બાઈબલમાં આદમ અને ઈવની વાર્તામાં પાપને કેવી રીતે ઉચિત ઠેરવવું તેનો પ્રયાસ છે. ઈડનના બગીચામાં તેમણે પ્રતિબંધિત સફરજન ખાધું અને અને બંનેનું પૃથ્વી પર પતન થયું હતું. ઇવે એવો તર્ક કર્યો હતો કે , “ઝાડ પરનું ફળ ખાવામાં અને જોવામાં સુંદર હતું અને તેનાથી બુદ્ધિનો પણ વિકાસ થતો હતો.” આ અનુચિત વ્યવહાર માટે ઈશ્વરે જયારે આદમ અને ઈવનો ખુલાસો પૂછ્યો ત્યારે આદમે ઈવને દોષિત ગણીને કહ્યું હતું કે મને તો તેણે ફળ આપ્યું હતું. ઈવે ફળ તોડવા માટે સાપને દોષિત ઠેરવ્યો હતો.

આવું આપણે પણ કરતા હોઈએ છીએ. આપણે કશું ખોટું કરીએ અથવા બીજા લોકો તેને ખોટું ગણે, તો આપણે તરત જ એ દોષ સ્વીકારવાનો ઇનકાર કરી દઈએ છીએ અને બીજા કોઈને તેના માટે જવાબદાર ઠેરવીએ છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને કોગ્નેટિવ ડિસોનન્સ (માનસિક વિરોધીતા) કહે છે. જયારે આપણી અંદર બે પરસ્પર વિરોધી વિચારો કે લાગણીઓના કારણે અસ્વસ્થતા ઊભી થાય ત્યારે તેમાંથી બચવા માટે તેને ઉચિત ઠેરવવા પ્રયાસ કરીએ. બીજા પર તેની જબબદારી નાખી દેવી એ પ્રયાસનો જ ભાગ છે. આદમ અને ઈવે પાપ કર્યું હતું અને તેને તેમણે ઈશ્વર સમક્ષ ઉચિત ઠેરવવા પ્રયાસ કર્યો હતો. અનૈતિક માણસ નૈતિકતાની મર્યાદામાં બંધાયેલો નથી હોતો એટલે તેના માટે જૂઠ બોલવું એ મોટી વાત નથી. તેને જો એવું લાગે કે ભગવાનને જોડી દેવાથી તેનું જૂઠ જો વધુ અસરકારક નિવડવાનું હોય તો સાચું બોલીને નૈતિક રહેવાને બદલે ભગવાનના નામે અનૈતિક રહેવું વધુ યોગ્ય છે.

ઇન ફેક્ટ, માણસ એવું માનતો હોય છે કે જેમાં ભગવાનની ‘ભાગીદારી’ હોય, તે વ્યવહાર અનૈતિક નહીં, નૈતિક જ કહેવાય નથી. દિગંબર કામતે જે ભગવાનની સાક્ષીએ કોગ્રેસમાં રહેવાનું વચન લીધું હતું, એ જ ભગવાનને ‘પૂછી’ને જો તેઓ BJPમાં જોડાઈ જાય, તો એમાં ક્યાં અનૈતિકતા આવી? હિટલરે એવું કહીને લાખો યહૂદીઓને મારી નાખ્યા હતા કે ભગવાને માત્ર જર્મન લોકોને જ શ્રેષ્ઠ બનાવ્યા છે. ઓસામા બિન લાદેને લાખો લોકોને આતંકનો ભોગ બનાવ્યા હતા કારણ કે તેમાં અલ્લાની ‘મંજૂરી’ હતી. કોઈની હત્યા કરવી એ અનૈતિક કૃત્ય છે પરંતુ ધર્મયુદ્ધમાં એવી હત્યા જાયજ હોય છે.

ઈતિહાસમાં અને આપણી આજુબાજુ આપણે આવાં ઘણાં ઉદાહરણ જોઈએ છીએ, જ્યાં ધર્મ અથવા ભગવાનના નામે અનૈતિકતા થતી હોય છે. ભારતમાં એવા ઘણા બાવા-સાધુઓના કિસ્સા છે જેમાં તેમણે બળાત્કાર અને ખૂન સુદ્ધાં કર્યા હોય અને છતાં તેમના અનુયાયીઓની શ્રદ્ધા ઓછી થતી નથી. કેમ? કારણ કે મોટાભાગના લોકો માનતા હોય છે કે નૈતિકતા ધર્મમાંથી આવે છે. એટલા માટે ધાર્મિક લોકો નાસ્તિક લોકોને અનૈતિક ગણતા હોય છે. તેમને એ ગળે જ નથી ઊતરતું કે એક નાસ્તિક માણસ નૈતિક કેવી રીતે હોય? તેમના મતે જે ધાર્મિક છે તે નૈતિક છે અને જે નૈતિક છે તે ધાર્મિક છે.

આવી માન્યતાના કારણે જ તેઓ એક ધાર્મિક માણસના અનૈતિક કૃત્યને અનૈતિક ગણવા તૈયાર થતા નથી. દિગંબર કામત (અથવા તેમના જેવા બીજા લાખો-કરોડો લોકો) જો ધાર્મિક હોય, તો તેમનો વ્યવહાર નૈતિક જ રહેવાનો, પછી એ ચાહે કોંગ્રેસમાં હોય કે BJPમાં હોય. કલ્પના કરો કે કામત એવું કહે કે હું તો નાસ્તિક છું, પણ ભગવાને મને BJPમાં જોડાઈ જવાની સલાહ આપી છે, તો અત્યાર સુધીમાં ગોવાના લોકોએ તેમને ચપ્પલ માર્યા હોત પરંતુ તેમણે તેમના અનૈતિક પક્ષપલટામાં ભગવાન માટેની તેમની આસ્થાને જોડી દીધી એટલે તેમનો વ્યવહાર દૂધે ધોયેલો થઇ ગયો. 

17મી સદીના પ્રસિદ્ધ ફ્રેંચ નાટ્યકાર મોલિયરના એક નાટક ‘ટાર્ટુફ’(પાખંડી)માં ટાર્ટુફ નામનો ઢોંગી માણસ, ધાર્મિક હોવાનો દેખાવ કરીને ઓર્ગોન નામના ધનિકના ઘરમાં સ્થાન મેળવે છે. તે ઓર્ગોનનો વિશ્વાસ જીતીને તેના ઘર, પૈસા અને પત્ની પર કબજો જમાવી દે છે. તેના આ અનુચિત વ્યવહારને યોગ્ય ઠેરવવા માટે તે ધર્મનો આશરો લે છે અને કહે છે કે એક ક્રિશ્ચિયન તરીકે તેણે આવું કરવું જરૂરી હતું, નહીં તો બીજા લોકો આ બધું લૂંટી જાત. મોલિયરે આ નાટકમાં અન્ય ઠેકાણે લખ્યું હતું, “પાપ જયારે જાહેર થાય ત્યારે જ એની હાજરી ખબર પડે. આદમ અને ઈવનું પતન સૌના દેખતા હતું. ખાનગીમાં પાપ કરો તો એ પાપ ન કહેવાય.”

Most Popular

To Top