સુરત: સુરત એરપોર્ટને (Surat Airport) વિના મૂલ્યે મળતી વિજળીનું વેચાણ પ્રાઇવેટ પાર્ટીને કરી ગેરકાયદે વીજ બીલની વસુલાત કરનાર એરપોર્ટ ઓથોરિટીને પાછલી અસરથી કરોડોનું રિફંડ ચૂકવવા આદેશ આપવામાં આવ્યાં પછી પણ નાણાં રિફંડ કરવામાં વિલંબ કરનાર એરપોર્ટ ઓથોરિટીને વડાપ્રધાન કાર્યાલયે લપડાક લગાવી છે.વડાપ્રધાન કાર્યાલયનાં જાહેર ફરિયાદ વિભાગને શહેરના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા પછી એના અનુસંધાનમાં સુરત એરપોર્ટ ઓથોરિટીએ એવો ખુલાસો કર્યો છે કે નાણાં વીજ કંપનીને આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. સુરત એરપોર્ટ પર જવેલરી શોપ, ગિફ્ટ શોપ, કોફી હાઉસ, ચશ્માંની શોપ, રેસ્ટોરન્ટ,એરલાઈન્સ ઓફિસ, બેંક ઓફિસ ધરાવનાર પ્રાઇવેટ પ્લેયર્સ પાસે વીજ વપરાશનું બિલ ટેપિંગ મીટરો મૂકી એરપોર્ટ ઓથોરિટી જેટલું વસુલ કર્યું છે. એની રકમની ગણતરી કરી વીજ કંપનીને આ રકમ રિફંડ કરી દેવાશે.
એરપોર્ટ ઓફિસરે આરટીઆઈ અરજીના ઉત્તરમાં જણાવ્યું કે, પ્રાઈવેટ પાર્ટીઓને બિલ મોકલવામાં આવતું ન હતું.પણ ટેપિંગ મીટરના આધારે પૈસાની રસીદ આપવામાં આવતી હતી. વર્ષ 2006માં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત સરકાર હસ્તકનું સુરત એરપોર્ટ હસ્તગત કરતા પહેલા વિના મૂલ્યે વિજળી,પાણી,અને પોલીસ બંદોબસ્ત આપવાની શરત મૂકી એ મુજબનું શરતી એમઓયુ કર્યું હતું. આ શરતમાં ડિજીવીસીએલ સુરત એરપોર્ટને વિના મૂલ્યે વીજ સપ્લાય કરી એનું બિલ સુરત આર એન્ડ બી વિભાગ -1 બીલની રકમ ઉદ્યોગ અને ખાણ વિભાગની મંજૂરી લઇ ડિજીવીસીએલને ચુકાવતું આવ્યું છે. જોકે 2006 માં ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે થયેલા કરારમાં માત્ર એરપોર્ટની નોન કોમર્શિયલ પ્રવૃત્તિ માટે ફ્રી માં વિજળી આપવાની શરત હતી. એનું ઉલ્લંઘન કરી સુરત એરપોર્ટ ઓથોરિટીએ પ્રાઇવેટ એરલાઇન્સની ઓફિસો,બેક ઓફિસો,રેસ્ટોરન્ટ અને સ્ટોલ ધારકો પાસેથી વપરાશી વીજ બીલની ગેરકાયદે વસુલાત શરૂ કરી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી ફ્રીની રેવડી સમાન આ સગવડથી સુરત એરપોર્ટ ઓથોરિટી કમાણી કરતી હોવાથી સુરતના જાગૃત આરટીઆઈ એક્ટિવિસ્ટએ એરપોર્ટ ઓથોરિટીના ચેરમેનને ફરિયાદ કર્યા પછી આરટીઆઈ અરજી કરી હતી.પણ 60 દિવસ સુધી અપીલ સહિતની અરજીનો ઉત્તર નહીં અપાતાં અરજદારે પ્રધાનમંત્રી પબ્લિક ગ્રીવન્સ પોર્ટલમાં ઓનલાઇન ફરિયાદ કરતાં એરપોર્ટ ઓથોરિટીનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ પત્રવ્યવહારને આધારે પીએમ.પબ્લિક ગ્રીવન્સ યુનિટના ઓફિસરે મોકલેલા ઉત્તરમાં જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફ્રીમાં મળતી વિજળી નું ખોટી રીતે પ્રાઇવેટ પાર્ટીઓને વેચાણ કરવાના મામલે વીજ બીલની જે રકમ જ્યારથી વસુલવામાં આવી હોય એ રકમનું રિફંડ સુરત આર એન્ડ બી વિભાગ -1 ને ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે.અને રિફંડની પ્રક્રિયા એરપોર્ટ ઓથોરિટીએ શરૂ કરી છે.
એરપોર્ટ વિકસિત ન થાય ત્યાં સુધી સુરત એરપોર્ટને પાણી પુરવઠો, વીજળી વગેરે જેવી વિવિધ ઉપયોગી સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર અને AAI વચ્ચે એમઓયુ કરવામાં આવ્યું હતું.જેમાં ફ્રી માં મળતી વિજળી પ્રાઇવેટ પાર્ટીને વેચવાની કોઈ શરત ન હતી. સુરત એરપોર્ટને વર્ષ 2006 થી મફત વીજળી મળે છે. સુરત એરપોર્ટે વર્ષ 2019-20માં 15 લાખ મુસાફરોની સંખ્યાને વટાવી દીધી હતી અને તે ફરીથી વર્ષ 2022-23માં 10 લાખ પેસેન્જરના ફૂટફોલને પાર કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત એરપોર્ટના સમગ્ર ટર્મિનલ બિલ્ડિંગમાં ઘણી દુકાનો/સ્ટોલ ખોલવામાં આવ્યા છે અને તમામ એરલાઇન્સની આગળ અને પાછળની સાઈડ ઓફિસો પણ છે. આ તમામ દુકાનો/સ્ટોલ/ઓફિસોને વીજ જોડાણ આપવામાં આવે છે અને તેમની પાસેથી માસિક ધોરણે વીજ વપરાશ શુલ્ક લેવામાં આવતું હતું.
એમઓયુ મુજબ મફત વીજળી એએઆઈના પોતાના સેટઅપના ઉપયોગ માટેની હતી. અને અન્ય કોઈ વાણિજ્યિક સંસ્થાને વીજળી વેચવા અને તેમની પાસેથી ચાર્જ વસૂલવા માટે નહીં. સુરત એરપોર્ટ દેશનું એકમાત્ર એરપોર્ટ હશે જ્યાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે વીજળી અને પાણી આપવામાં આવે છે.સુરત એરપોર્ટ પર છેલ્લા 16 વર્ષથી ગુજરાતની જનતા પાણી, વીજળી અને પોલીસ ખર્ચનો બોજ હતો. થોડા સમય પહેલા, જ્યારે CISF પર સુરત એરપોર્ટની સુરક્ષા પર કામના ભારણ વિશે સાંભળ્યું, ત્યારે ગુજરાત પર લગભગ 8-10 કરોડનો બોજ પડ્યો છે.
એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટના ઇજારદારો વીજ વપરાશ કરતા હશે તો એમને પણ બિલ ચૂકવવું પડશે
પીએમ.પબ્લિક ગ્રીવન્સ પોર્ટલ યુનિટના આદેશ પછી અરજદારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન સંજીવકુમારને પાત્ર લખી જો એરપોર્ટ વિસ્તરણ પ્રોજેક્ટના ઇજારદારો વીજ વપરાશ કરતા હશે તો એમને પણ બિલ ચૂકવવું જોઈએ એવી માંગ કરી છે.સાથે સાથે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો હોવાથી એ ફ્રી ની રેવડી સમાન વિના મૂલ્યે વીજ મેળવવાની ક્રાઇટેરિયા કે શરતમાંથી બહાર આવી ગયું છે.એટલે અમદાવાદ,જામનગર,ભાવવનગર,રાજકોટ વડોદરા એરપોર્ટની જેમ એને વીજ બિલ ભરવું જોઈએ.ગુજરાત સરકારે પણ વીજ કંપનીને ફ્રી માં વિજળી નહીં આપવા આદેશ આપવો જોઈએ. છેલ્લા 16 વર્ષથી સુરત એરપોર્ટ પર AAI વહીવટીતંત્ર તમામ કન્સેશનર અને ખાનગી પક્ષો અને એરલાઇન્સ કે જેઓ વ્યાપારી હેતુ માટે જગ્યાનો ઉપયોગ કરી રહ્યા હતા તેમની પાસેથી વીજળી વપરાશ ચાર્જ વસૂલ કરી રહ્યું હતું. જ્યારે સુરત એરપોર્ટ ગુજરાત સરકાર સાથેના MOU મુજબ મફત વિજળી મેળવી રહ્યું છે.