બુધવારે વિક્રમ સંવત 2079 થશે અને વિક્રમ સંવત 2078 કાળની ગર્તામાં ખાટી-મીઠી યાદો સાથે વિલીન થઇ જશે. નિરંતર ફરતું રહેતું કાળચક્ર, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન કરવા અને આગામી કાળ માટે પ્રેરણા પૂરી પાડે છે. દિવાળીના તહેવારોનો માહોલ જામ્યો છે. લોકો પોતાની શકિત મુજબ ઉત્સાહથી ઉજવે છે. સાથોસાથ ભકિત-દેવ મંદિરે દર્શન-પૂજન કરે છે. નવું વર્ષ સારું નીવડે તેવી પ્રાર્થના કરે છે. બરાબર છે. ભકિત અને ઉત્સવના માહોલમાં કે દેખાદેખીમાં જાત-જાતના સંકલ્પો કરે છે પરંતુ તેનું બરાબર પાલન કરી શકશે કે કેમ એ અંગે લાંબુ વિચારતા નથી. સંકલ્પ જરૂર લો, પરતુ તમે પાળી શકો તેવા લો. સંકલ્પનું પાલન કરવા પછી છીંડા – છટકબારી શોધવામાં મન લાગે છે. લીધેલો સંકલ્પનું પાલન ન થતાં મનદુ:ખ થાય અને મનોબળ – આત્મબળ નબળું પડે છે. કોઇક દાન – પુણ્યના સંકલ્પ કરે છે તો કેટલાક વ્રત – નિયમો – ચરી પાડવાના સંકલ્પો કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં તે તોડી નાંખે છે ને દોષ સંજોગોનો કાઢે છે. પોતાના નબળા મનોબળનો નહીં. તો શું કરવું?
સૂરજ – સહજ અને નિર્વિઘ્ને પાલન થઇ શકે તેવા પણ સંકલ્પ હોય છે એમાં કર્મકાંડ, ધોતી પહેરવી, કે પૂજન, પારાયણ વગેરેમાં વધુ સમય પસાર કરવો પડે તેવું પણ નથી, સ્થળ – કાળની મર્યાદા નથી, આર્થિક બંધન પણ નથી અને છતાં સર્વોપયોગી છે. અને તે છે પ્રાર્થના અને પ્રેમ – કરુણા. પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન માનવી છે અને તેમાં પણ વાણીની અભિવ્યકિત અનોખી ભેટ છે. પરમાત્માએ માનવીને પ્રેમની અખૂટ મુડી આપી છે અને પ્રાર્થના કરવાની શકિત આપી છે. આ થકી માનવી સંતોષ અને શ્રેદ્ધ મેળવી શકે છે. અને સ્વથી માંડી સર્વ માટે પ્રાર્થના કરી.
જીવ માત્રનું ભલું ઇચ્છવા કરવામાં આવતી પ્રાર્થના તો પરમાત્માને પણ પ્રિય છે – પસંદ છે. સ્વાર્થ ભાવ વગર નિર્મળ મન અને સરળ ભાષામાં પ્રાર્થના કરવા કોઇ મોટા મંત્રો આડંબરી ભાષાની જરૂર નથી. આમાં કોઇ ખર્ચ નથી થતો. સવારે ઊઠીને કે રાતે સૂતી વખતે ભાવપૂર્વક પ્રાર્થના નહીં થઇ શકે? હે પરમાત્મા, ભગવાન આપની કૃપા અપરંપાર છે બદલ આપના ઋણી છીએ. જગતના જે કોઇ જીવો આદિ-વ્યાધિ – ઉપાધિઓથી ત્રસ્ત છે. પીડિત છે તેમના ઉપર હે ભગવાન – આપની કૃપા – કરુણા વરસાવો. પ્રાર્થનામાં ખૂબ શકિત રહેલી છે તેનો લાખ્ખો લોકોને અનુભવ છે.
પૂ.ગાંધીજીએ તો પ્રાર્થનાને ‘આત્માનો ખોરાક’ કહી બિરદાવી છે. પ્રાર્થનાથી આપણા મનને શાંતિ અવશ્ય મળે છે અને જેમને માટે પ્રાર્થના કરીએ છીએ તે પરમાત્મા થકી પહોંચે છે. શરત એટલી જ નિર્મળભાવથી કરવી, પ્રાર્થનામાં કોઇ ભૌતિક સમૃધ્ધિની માંગણી ન કરવી. પ્રાર્થના કોઇપણ ધર્મ-સંપ્રદાય -કે ભાષાની હોય તેમાં નિર્મળ ભાવ જ મહત્વનો છે. તેવું જ પ્રેમનું છે. સહુ પ્રત્યે નિસ્વાર્થ ભાવે પ્રેમપૂર્વક વહેવાર – વર્તન કરવું એ પણ પરમાત્માને પસંદ છે. પ્રાર્થના મનુષ્યમાં ભકિત અને તેનું મનોબળ વધારે છે તો પ્રેમભર્યો વ્યવહાર માનવીની ગરિમા વધારે છે, આદર વધારે છે.
આ સંકલ્પમાં પણ કોઇ મુડીની જરૂર નથી. અંતરમાંથી સદાને માટે નિસ્વાર્થ અને સહાનુભૂતિ કરુણા રાખવી અઘરી નથી. જીવનના રોજબરોજના વ્યવહારમાં સહુ સાથે પ્રેમભર્યુ વર્તન સામી વ્યકિતને પણ ગમશે અને પ્રેમ જેટલો આપતા જશો તેટલો વધતો જ જશે. તમે કોઇને ભૌતિક લાભ કદાચ નહીં આપી શકો પરંતુ પ્રેમ તો આપી જ શકો ને. આખરે પ્રેમ અને પ્રાર્થના પરમાત્માની અખૂટ દેન છે એ વાત નિશંક છે. આપણી એક પ્રાર્થના ‘સર્વે ભન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા’ સર્વે (લોકો) સુખી થાવ અને નીરોગી -તંદુરસ્ત બનો. કેટલી ઉમદા અને ઉદ્દાત્ત ભાવના છે.
જગતમાં વિવિધ ધર્મો – સંપ્રદાયોનાં અવતારો, સદ્ગુરુઓએ પણ શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના અને નિ:સ્વાર્થ પ્રેમની સરવાણી વહાવવાનો બોધ આપ્યો છે અને તેવું આચરણ પણ કર્યું છે એથી જ તેઓ આજે પણ પૂજનીય છે. અને આપણે પણ તેનો જેટલો ઉપયોગ કરીશું તેટલો ખુદને આનંદ અને સંતોષ મળશે તે અનુભૂત છે. પ્રજાપાલક – ખૂબ જ ઉદાર દિલ રાજા વિક્રમે લોક કલ્યાણની ઉદાર ભાવના રાખતાં તેમના નામથી વિક્રમ સંવત પ્રચલન થયું. વિક્રમ સંવત 2079 સર્વને સુખ – શાંતિ – સમૃદ્ધિ અને તંદુરસ્તી બક્ષે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના – સર્વે ભવન્તુ સુખિન સર્વે સન્તુ નિરામયા.