બારામતી: (Baramati) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) જ્યારે મહારાષ્ટ્રમાં (Maharashtra) પ્રવેશ કરશે ત્યારે તેઓ તેમાં ભાગ લેશે. યાત્રામાં જોડાવા અંગેનું કારણ કારણ જણાવતા તેમણે કહ્યું કે તેનાથી સમાજમાં સુમેળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. શરદ પવારે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યના કોંગ્રેસના નેતાઓ અશોક ચૌહાણ અને બાળાસાહેબ થોરાટે તેમને મળ્યા હતા અને 7 નવેમ્બરે જ્યારે ભારત જોડો યાત્રા રાજ્યમાં આવશે ત્યારે તેમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.
- કોંગ્રેસની ભારત જોડો યાત્રા જ્યારે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ત્યારે શરદ પવાર તેમાં જોડાશે
- શરદ પવારે યાત્રામાં જોડાવાનું કારણ જણાવતા કહ્યું કે તેનાથી સમાજમાં સુમેળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે
- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે
કોંગ્રેસની ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 150 દિવસમાં 3,570 કિલોમીટરનું અંતર કાપીને જમ્મુ અને કાશ્મીર (Jammu And Kashmir) પહોંચશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. અત્યાર સુધી આ યાત્રા ચાર રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ પહોંચી છે.
પવારે કહ્યું કે આ યાત્રા કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે. પરંતુ આ પહેલ દ્વારા સમાજમાં સમરસતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આથી રાજ્યમાં યાત્રા આવશે ત્યારે શક્ય હોય ત્યાં વિવિધ પક્ષોના કેટલાક નેતાઓ જોડાશે. એક અન્ય પ્રશ્નના ઉત્તરમાં શરદ પવારે બીસીસીઆઈ મામલે કહ્યું કે કેટલીક બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ. જેઓ આવું કરે છે તેઓ અજ્ઞાન છે. જ્યારે હું BCCIનો અધ્યક્ષ હતો ત્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી, દિલ્હીનું પ્રતિનિધિત્વ અરુણ જેટલી અને અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ હતા. અમારું કામ ખેલાડીઓને સુવિધાઓ આપવાનું છે. અમે અન્ય બાબતોની ચિંતા કરતા નથી.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની રવિવારે ઔરંગાબાદની મુલાકાત અંગે પવારે કહ્યું કે તે સારી વાત છે કે તેઓ ખેડૂતોને મળવા જઈ રહ્યા છે. તેમની તબિયતમાં સુધારો થયો છે. તેઓએ ખેડૂતોની માંગણીઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની સામે રાખવી જોઈએ. ખેડૂતોને ફાયદો થાય તો સારી વાત છે.