ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા આજે ૧૦ લાખ યુવાનોને નિયુક્તિ આપવા માટેના રોજગાર મેળાઓનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર (Gandhinagar) પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત દેશનાં જુદા જુદા ૫૦ સ્થળે મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૭૫ હજાર જેટલા યુવાનોને નિયુક્તિપત્રોનું (Appointments) વિતરણ કરવાના કાર્યક્રમો યોજાયા છે. જે પૈકી ગુજરાતના ૩૦ યુવાનોને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતમાં પોસ્ટ વિભાગ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ ઑથોરિટી, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેલનોલૉજી, યુનિયન બેંક, સીઆરપીએફ જેવી સંસ્થાઓના કુલ ૩૭૨ કર્મચારીઓને નિયુક્તિપત્રો અપાયાં છે.
સમયમર્યાદામાં દેશના લોકોની સેવા કરવાની સુવર્ણ તક છે
વડાપ્રધાને કહ્યું હતું કે, ૨૧મી સદીના ભારતમાં સરકારી નોકરી કોઈ સુવિધા નથી, પરંતુ સમયમર્યાદામાં દેશના લોકોની સેવા કરવાની સુવર્ણ તક છે. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, સેવાની ચિંતા અને સમયનું ગૌરવ જાળવી રાખવાનો પ્રયાસ યુવાનોએ કરવો પડશે. નવનિયુક્ત યુવાનો સેવાની ભાવનાને સર્વોપરી રાખી વિકસિત ભારતની આશાઓ પૂર્ણ કરવામાં કોઈ કસર છોડશે નહી એવો આશાવાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકાર આ કાર્યક્રમ હેઠળ દેશના ૭૫ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે
તેમણે જણાવ્યું હતું કે, ભારતની યુવા શક્તિ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. છેલ્લા ૮ વર્ષથી ચાલી રહેલા રોજગાર અને સ્વરોજગારના અભિયાનમાં આજે રોજગાર મેળારૂપી એક નવી કડી જોડાઈ રહી છે. આઝાદીના ૭૫ વર્ષને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ કાર્યક્રમ હેઠળ દેશના ૭૫ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે. છેલ્લા ૮ વર્ષમાં ઘણા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, પરંતુ આ વખતે સામૂહિક નિમણૂંક પત્ર આપવાની પરંપરા પણ શરૂ કરવામાં આવી છે, જે દરેક વિભાગમાં સમયમર્યાદાની પ્રક્રિયાને સામૂહિક રીતે પહોંચી વળવાનો સામૂહિક પ્રયાસ છે.
૨૦૧૪માં દેશમાં ૧૦૦ જેટલાં સ્ટાર્ટઅપ હતા, આજે તે આંકડો ૮૦ હજારથી વધારે છે
વડાપ્રધાને યુવાનો માટે કરેલા સરકારના પ્રયાસો વિશે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં સ્કીલ ઈન્ડિયા અભિયાનની મદદથી ૧.૨૫ કરોડ ભારતીય યુવાનોને તાલીમ આપવામાં આવી છે, જેના માટે દેશમાં વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ગત ૮ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા સેંકડો ઉચ્ચ શિક્ષણ સંબંધી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. યુવાનો માટે સ્પેસ સેક્ટર ખોલવામાં આવ્યા છે, ડ્રોન પોલિસીને સરળ બનાવી છે જેથી સમગ્ર દેશમાં યુવાનો માટે વધુને વધુ તકોનું નિર્માણ થાય. ૨૦૧૪માં દેશમાં ૧૦૦ જેટલાં સ્ટાર્ટઅપ હતા, આજે તે આંકડો ૮૦ હજારથી વધારે છે.