Comments

બધા જુદા જુદા ,બધા સુંદર

એક દિવસ ધોરણ દસના ક્લાસમાં આવ્યા અને રોજની જેમ ‘ચાલો ભણવાનું શરૂ કરીએ’ તે  તકિયાકલામ બોલવાને બદલે બોલ્યા, ‘આજે ભણવું નથી. ચાલો, કૈંક નવું કરીએ.’ ભણવાનું નથી. સાંભળીને જ બધા ખુશ થઇ ગયા અને નવું શું કરવાનું હશે તેની ઉત્સુકતા વધી. શિક્ષકે કહ્યું, ‘બધાને એક ડ્રોઈંગ પેપર આપું છું.તેની પર તમારે બધાએ હું કહું તે નહિ પણ તમને જે ગમે તે દોરવાનું છે પણ એક જ શરત છે, પહેલાં બધા આંખ બંધ કરો.હવે બધા તમારા મનગમતા એક ફૂલ વિષે પાંચ મિનીટ વિચારો અને જે ફૂલ બંધ આંખોથી તમને જેવું દેખાય તેવું તે પછી કાગળ પર દોરો.’

બધાએ પાંચ મિનીટ પછી દોરવાનું શરૂ કર્યું.લગભગ ૨૦ મિનીટ બાદ બધાના ડ્રોઈંગ પેપર પર એક ફૂલનું ચિત્ર હતું.શિક્ષકે એક પછી એક બધાની પાસે જઈને તેનું ચિત્ર જોયું અને દરેકને પોતાનું ચિત્ર ઊભા થઈને આખા વર્ગને બતાવવા કહ્યું, પછી ટીચર બોલ્યા, ‘ચાલો, હવે મારી વાત સાંભળો અને સમજજો.તમે બધાએ ફૂલ દોર્યું છે.  કોઈકે ગુલાબ તો કોઈકે કમળ તો કોઈકે ગલગોટો તો કોઈકે મોગરો તો કોઈકે સૂર્યમુખી.જુદા જુદા અને વળી જેણે ગુલાબ દોર્યા છે તેમાં રંગ જુદા જુદા છે.કોઈકનાં ચિત્રો આબેહુબ ફૂલ લાગે છે અને કોઈકના ચિત્ર કયું ફૂલ છે તે પૂછવું પડે તેવાં.

આ કોઈ ચિત્રકામ સ્પર્ધા કે ચિત્રકામ વર્ગ નથી, છતાં મેં તમને ફૂલ દોરવા કહ્યું કારણકે મારે એક વાત તમને સમજાવવી છે કે જેમાં આ ફૂલો જુદા જુદા રંગ અને આકારના છે પણ બધા કોમલ,  સુંદર અને મનમોહક છે.બધાં ફૂલોને ખીલેલાં અને ઝૂલતાં જોઇને મન આનંદિત થઈ નાચી ઊઠે છે.બધાં ફૂલો સુગંધ ફેલાવે છે.વાતાવરણને સુંદર અને સભર બનાવે છે તેમ તમે બધાં પણ જુદાં જુદાં ફૂલો જેવાં છો.

ભલે આવડત અને હોશિયારી જુદી જુદી હોય, પણ તમે બધા જ આવતી કાલનું ભવિષ્ય છો.જેમ તમારી પસંદ અલગ અલગ છે તેમ તમારી આવડત અને હોશિયારી પણ એકમેકથી અલગ છે.કોઈ કોઇથી ચઢિયાતું નથી અને કોઈ કોઇથી ઊતરતું નથી.તમે બધા જ આ શાળા અને તમારા ઘરનાં સુંદર ફૂલો છો.બધાં જ જુદાં જુદાં પણ બધાં જ પોતપોતાની રીતે સુંદર છે, મનમોહક છે.આ વાત ક્યારેય ભૂલતાં નહિ.મનમાં કોઈ લઘુતાગ્રંથી રાખતાં નહિ અને કોઈને નીચા સમજીને અવગણતાં નહિ.’ શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને સાચી સમજ આપી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top