Dakshin Gujarat

ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરના રૂમમાંથી 150 વર્ષ જૂના ચાંદીના રથ ઉપરથી 15 કિલો ચાંદીની ચોરી

ભરૂચ: ભરૂચના (Bharuch) શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં (Jain Derasar) અલિયાદા રૂમમાં લોક એન્ડ કીમાં રહેલા ૧૫૦ વર્ષ જૂના ચાંદીના રથ (Silver Chariots) ઉપરથી તાળું તૂટ્યા વગર જ ૧૫ કિલો ચાંદીનાં પતરાં (Silver Foil) કાપી લેવામાં આવ્યા હોવાની ઘટના કોરોના કાળનાં ત્રણ વર્ષ બાદ ૩૦ ઓગસ્ટે બહાર આવતાં જૈન સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો. શ્રી જૈન ધર્મ ફંડ પેઢીના ટ્રસ્ટીઓની ૫૦ દિવસની તપાસ 18 સ્ટાફની પૂછપરછ છતાં પણ કોઈ પગેરું નહીં મળતાં અંતે એ ડિવિઝન પોલીસમથકે રૂ.૬ લાખની ચોરીની ફરિયાદ નોંધાવાઈ છે.ભરૂચ શ્રીમાળી પોળ ખાતે આવેલા શ્રી જૈન ધર્મ ફંડ પેઢીના ટ્રસ્ટી તરીકે છેલ્લાં ૧૫ વર્ષથી શાંતિલાલ કેસરીચંદ શાહ સેવા બજાવે છે. જે પેઢી અંતર્ગત સદીઓ જૂનું મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર પણ ત્યાં જ આવેલું છે.

રૂમની ચાવી જૈન દેરાસરમાં આવેલા ટ્રસ્ટની ઓફિસમાં જ રહેતી હતી
જૈન દેરાસરના પરિસરમાં એક અલાયદો રૂમ છે. જે રૂમમાં જૈન ધર્મ ફંડ પેઢીની માલિકીનો આશરે ૧૫૦ વર્ષ જૂનું ચાંદીનું પડ ચઢાવેલ રથ રાખવામાં આવે છે. ચાંદીનો રથ ધર્મના રીતરિવાજ મુજબ ભાદરવા સુદ પાંચમ છઠના દિવસે પર્યુષણ પર્વ તહેવારે બહાર રથયાત્રા માટે કાઢતા હોય છે. રથ જે રૂમમા રાખવામાં આવતો હતો તે રૂમમાં અન્ય પરચૂરણ સામાન પણ પડી રહેલો હતો. રૂમની ચાવી જૈન દેરાસરમાં આવેલા ટ્રસ્ટની ઓફિસમાં જ રહેતી હતી. ઓફિસમાં મેનેજર પ્રવીણભાઇ શાહ તથા પુષ્પકાંતભાઇ શાહ બેસે છે. ૧૫૦ વર્ષ જૂનો રથ જેના ઉપર ચાંદીનું પડ ચઢાવેલ, જે છેલ્લે ૨૪ ઓગસ્ટ-૨૦૧૯ના સવારના નવેક વાગે કાઢી પર્યુષણ નિમિત્તે શહેરમાં દિવસ દરમિયાન રથયાત્રા નીકળી હતી. બપોરે આ રથ ફરી અલાયદા રૂમમાં મૂકી દઇ તાળું મારી દેવાયું હતું.

ચાંદીનાં પતરાં ચારેબાજુથી કપાયેલા હોવાની વાતે જૈન સમાજમાં હડકંપ
બે વર્ષથી કોરોનાના સમયગાળા દરમિયાન રથયાત્રા નીકળી ન હતી. આ વર્ષે રથયાત્રા કાઢવા રથની સાફસફાઇ કરવા માટે ૩૦ ઓગસ્ટના રોજ મંદિરના કેમ્પસમાં આવેલા રૂમમાંથી રથ કાઢવા માટે મંદિરના પૂજારીઓને કામ સોંપાયું હતું. જેઓએ સાંજે રૂમનું શટર ખોલતાં આ રથ ઉપર લગાડવામાં આવેલા ચાંદીનાં પતરાં (પડ) ચારેય બાજુથી કપાયેલાં દેખાતાં પૂજારીઓએ ઓફિસમાં બેસેલા મેનેજરોને જાણ કરી હતી.દોઢસો વર્ષ પ્રાચીન રથ ઉપરના ચાંદીનાં પતરાં ચારેબાજુથી કપાયેલા હોવાની વાતે જૈન સમાજમાં હડકંપ મચી ગયો હતો. જેની જાણ ફરિયાદી ટ્રસ્ટી શાંતિલાલ શાહ અને અન્ય ટ્રસ્ટીમંડળને કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ મંદિરે દોડી આવ્યા હતા.

રૂ.૬ લાખની ૧૫ કિલો ચાંદીની ચોરીની ફરિયાદ નોંધાવી
જે ચાંદીનાં પતરાં આશરે અંદાજિત 15 કિલો હતા. એક કિલો ચાંદીની કિંમત રૂ.૪૦ હજાર લેખે ૧૫ કિલો ચાંદીની રૂ.૬ લાખની ચોરી થઈ હોવાનું ખૂલ્યું હતું. ઘટનાના ૫૦ દિવસ પહેલાં જે-તે વખતે કોઇ પોલીસ ફરિયાદ કરાઈ ન હતી. જૈન ટ્રસ્ટ, સંસ્થામાં કાર્ય કરતા તમામ ૧૮ કર્મચારીની તેમજ પૂજારીઓની ઝીણવટભરી રીતે પૂછપરછ કરી તપાસ કરતાં કોઇ પગેરું કે માહિતી ટ્રસ્ટીઓને મળી ન હતી. ટ્રસ્ટીમંડળની મીટિંગ કરી અંતમાં બનાવ અંગે ફરિયાદ રજિસ્ટર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આખરે બુધવારે ટ્રસ્ટી શાંતિલાલ શાહે એ ડિવિઝન પોલીસમથકે ૧૫૦ વર્ષ જૂના ચાંદીના રથ ઉપરથી રૂ.૬ લાખની ૧૫ કિલો ચાંદીની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ટ્રસ્ટીએ કોઈના ઉપર શંકા કે વહેમ પણ નહીં હોવાનું જણાવ્યું છે. ત્યારે ત્રણ વર્ષથી બંધ ચાંદીનો ૧૫૦ વર્ષ જૂનો રથ રાખેલા અલિયાદા રૂમમાંથી તાળું તોડ્યા વગર કેવી રીતે ચાંદીનાં પતરાં કાપીને ચોરાયા તે પોલીસ માટે હવે તપાસનો વિષય બન્યો છે.

Most Popular

To Top