વડોદરા : સંસ્કારી નગરી વડોદરા શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓથી માંડીને અનેકવિધ સેવાઓ પૂરી પાડતી અને લોકોના પ્રશ્નોને વાચા આપતી વડોદરા મહાનગર પાલિકાની વડી કચેરી પોતે હોર્ડિંગના ઘેરાવામાં આવી છે. શહેરમાં હોર્ડિંગના જંગલો ઉભા થઈ ગયા છે.જે ગમે ત્યારે અકસ્માત સર્જે અને જાનહાની થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દિવાળીના તહેવાર શરૂ થાય તે પહેલા જ નગરજનોને અવનવી સ્કીમ સાથે લોભામણી લાલચો આપવાની સાથે સાથે દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા હોર્ડિંગ ઠેક ઠેકાણે લાગી ગયા છે.તો કેટલાક હોલ્ડિંગ એવા લાગ્યા છે. જેના કારણે શહેરની ઐતિહાસિક ઇમારતોની સુંદરતા પણ ઢંકાઈ ગઈ છે.
ખાનગી એજન્સીઓને છાશવારે છાવરવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે.ગત વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં કેટલાક સ્થળો પર હોર્ડિંગ્સ, લોખંડી એંગલો તૂટી પડવાની ઘટનાઓ બની છે.જાનહાની પણ થઈ છે તેમ છતાં પણ હજીયે અકસ્માતને આમંત્રણ આપતા હોર્ડિંગ્સ કેમ દૂર કરવામાં આવ્યા નથી.તેવા પણ સવાલો ઉઠ્યા છે.મહત્વની બાબત તો એ છે કે લોકમુખે જ્યાંથી કહેવાય છે કે ટૂંક સમયમાં આ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવશે.જેણે લગાવ્યા અને જે એજન્સી છે તેની વિરુદ્ધ જરૂર લાગે ત્યાં દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.તેમ કહેનારા મહાનુભાવો જ્યાં બેસે છે.તે જ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાલિકાની વડી કચેરી બહાર જ મોટા મોટા નગરજનોને શુભકામનાઓ પાઠવતા હોર્ડિંગ્સ લાગ્યા છે. મહત્વની બાબતો એ છે કે જાહેર સ્થળો ઐતિહાસિક ઈમારતો વિવિધ સર્કલ ઉપર આવા જાહેરાતના બેનરો હોલ્ડિંગ નહીં લગાવવા કોર્ટે આદેશ આપ્યા છે. તેમ છતાં તેને દૂર કરવા તંત્ર કેમ આળસ અનુભવે છે. જોકે ઠેરઠેર લાગેલા હોર્ડિંગ્સ ઘણું બધું કહી જાય છે.