Comments

જગતના ગણનાપાત્ર દેશો માટે ચીન એક કોયડો

ચીનના સામ્યવાદી પક્ષની ૨૦મી કોંગ્રેસ અત્યારે બીજિંગમાં ચાલી રહી છે જેમાં ચીનના નેતા શી ઝિંગપીંગે અખંડ ચીનની રચના કરવાનું વચન આપ્યું હતું. શી ઝિંગપીંગની કલ્પનાના અખંડ ચીનમાં તાઈવાનનો અને ભારતના બે પ્રદેશ લડાખ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. ચીનના નકશાઓમાં પણ તાઈવાન ઉપરાંત ભારતના આ બે પ્રદેશોને ચીનના પ્રદેશ તરીકે બતાવવામાં આવ્યા છે. આ સિવાય શી ઝિંગપીંગે એમ પણ કહ્યું હતું કે ચીનનું સૈન્ય વિશ્વનું સૌથી તાકાતવાન સૈન્ય હશે અને ૨૦૩૫ સુધીમાં ચીન વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતે મોખરે હશે. તેમણે આજના યુગમાં ત્રણ તાકાત બતાવી હતી; આર્થિક તાકાત, લશ્કરી તાકાત અને વિજ્ઞાન અને ટેકનોલોજીની તાકાત. ચીનમાં આ ત્રણેયનો સંગમ જોવા મળે છે એટલે ચીનની હરણફાળને હવે કોઈ રોકી શકે એમ નથી. તેમણે વિશ્વદેશોને ચીનની કૂચમાં ભાગીદાર બનવાનું પણ ઈજન આપ્યું હતું.

શી ઝિંગપીંગ દેંગ ઝીયાઓપીંગ પછીના સૌથી શક્તિશાળી નેતા છે એમાં કોઈ શંકા નથી. અસંવેદનશીલ ખડૂસ છે અને ઉપરથી મહત્ત્વાકાંક્ષી છે. તેઓ ત્રીજી વખત ચીનના પ્રમુખ બનવા માગે છે અને હકીકતમાં તો તેઓ આજીવન પ્રમુખ બનવા માગે છે. ચીનની કોંગ્રેસનો ભવ્ય તાયફો યોજીને તેઓ ચીનની તાકાતનું અને પોતાના ઐશ્વર્યનું પ્રદર્શન કરવા માગે છે. મેસેજ મુખ્યત્વે ત્રણ દેશો માટે છે; અમેરિકા, રશિયા અને ભારત. અમેરિકાએ ઉપર કહી એ ત્રણેય બાબતે (આર્થિક, લશ્કરી અને વિજ્ઞાન અને ટેકનોલોજી) ચીનનું ચડિયાતાપણું માન્ય રાખવાનું છે. રશિયાએ ચીનનો મોટા ભાઈ તરીકે સ્વીકાર કરવાનો છે અને રશિયાએ તે કરી પણ લીધો છે અને ભારત માટે? ભારત હવે ચીનની હરીફાઈ કરવાનું કે તેની બરાબરી કરવાનું સપનું માંડી વાળે. લડાખ અને અરુણાચલ પ્રદેશની કેટલીક ભૂમિ જતી કરીને ચીન સાથે સમજૂતી કરે અને પોતાની ઓકાત સમજીને ડાહ્યા પાડોશી દેશની માફક વર્તે. શી ઝિંગપીંગે અમેરિકા-ભારત-જપાન-ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવતી ચીન સામેની ઘેરાબંધી (ક્વાડ)ને પણ હસી કાઢી હતી અને કહ્યું હતું કે જગતે અજેય ચીન નામની વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખવું રહ્યું.

આ હુંકાર અભિમાનજન્ય છે કે વાસ્તવિક? બન્ને છે. હકીકતમાં ચીન ઝડપભેર આગળ નીકળી રહ્યું છે અને તેના રથને રોકવો મુશ્કેલ છે. જગતના ગણનાપાત્ર દેશો માટે ચીન એક કોયડો બની ગયું છે. પણ આ રીતે અભિમાનપૂર્વક તાકાતનું પ્રદર્શન કરવા પાછળનો શો ઉદ્દેશ? ઉદ્દેશ ઘરઆંગણેનો છે. ચીનની અંદર અશાંતિનો ચરુ ખદબદી રહ્યો છે અને ગમે ત્યારે તેનો વિસ્ફોટ થઈ શકે છે. ચીનના સામ્યવાદી પક્ષની કોંગ્રેસ ચાલી રહી છે ત્યારે ચીનનાં કેટલાંક શહેરોમાં શી ઝિંગપીંગ વિરુદ્ધ પોસ્ટરો ફૂટી નીકળ્યાં છે અને પ્રત્યક્ષ વિરોધપ્રદર્શનોની ઘટના પણ બની રહી છે.

શી ઝિંગપીંગ જાણે છે કે આવનારાં વર્ષોમાં ચીન જો પછડાટ ખાશે તો એ આંતરિક વિદ્રોહના કારણે અને એવી શક્યતા પૂરી છે. ક્યાં સુધી લોકોને ડરાવી-દબાવી રખાશે? ક્યાં સુધી વાસ્તવિકતાઓ છુપાવી શકાશે? ક્યાં સુધી પોતાનાં અને ચીનના ઐશ્વર્યનાં પ્રદર્શનો યોજીને લોકોને કેફમાં રાખી શકાશે? ક્યાં સુધી? જેનો આરંભ હોય એનો અંત તો આવે જ છે. એ સંભવિત સંકટને બને એટલું આગળ ને આગળ ઠેલવવા માટે ચીનાઓને અને વિશ્વને આંજી નાખનારા તાયફાઓ યોજવામાં આવે છે અને શી ઝિંગપીંગના તેમ જ ચીનના ઐશ્વર્યનું પ્રદર્શન કરવામાં આવે છે.

પણ ચીનની આંતરિક વાત જવા દઈએ. ભવિષ્યમાં (નજીકના કે દૂરના) ચીનનું જે થવું હોય તે થાય, પણ અમેરિકા અને ભારત શી ઝિંગપીંગના હુંકારને કઈ રીતે જોઈ રહ્યા છે? આ બે દેશો એવા છે જેણે ચીનની તાકાતના યથાર્થનો સ્વીકાર કરવાનો છે અથવા યથાર્થનો મુકાબલો કરવાનો છે અથવા શી ઝિંગપીંગ કહે છે એમ ચીનની તાકાતનો કહેવાતો દાવો યથાર્થ ન બને એ માટે પ્રયાસ કરવા પડે એમ છે. વળી અમેરિકા અને ભારતને એકબીજા ઉપર ભરોસો નથી. ભારત પાસે અમેરિકાથી સાવચેત રહેવા માટે ઘણાં કારણ છે. અમેરિકા ભૌગોલિક રીતે ચીનથી ઘણું દૂર છે, જ્યારે ભારત ચીનની પડોશમાં છે. ઉપરથી બે દેશો વચ્ચે સરહદી ઝઘડો છે અને હજુયે ભારત ચીનની બરાબરી કરવાનાં સપનાં જોઈ રહ્યું છે. ચીનના ઉદયમાં સૌથી મોટું સંકટ ભારત માટે છે.

અને ભારતની શું પ્રતિક્રિયા છે? ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે સેન્ટર ફોર કોન્ટેપરી ચાઈના સ્ટડીઝ નામની એક સંસ્થામાં બોલતા કહ્યું હતું કે ૨૦૨૦ની ગાલ્વાનની ઘટના પછી અને ચીને લડાખમાં ભારતની ભૂમિ પર કબજો કર્યા પછી ભારત અને ચીન વચ્ચે મતભેદોને બાજુએ મૂકીને આગળ વધવાનો વિકલ્પ હવે બચ્યો નથી. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછીથી છેક ૨૦૧૨-૨૦૧૪ સુધી, એટલે કે અનુક્રમે ઝિંગપીંગ-મોદીના ઉદય સુધી, મતભેદોને બાજુએ રાખીને અન્ય મોરચે આગળ વધવાનો વિકલ્પ હતો અને બન્ને દેશોએ તેનો લાભ લીધો હતો.

૨૦૧૪થી ૨૦૨૦ સુધી નરેન્દ્ર મોદીની સરકારે નવી સ્થિતિમાં મતભેદોને બાજુએ મૂકીને આગળ વધવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો, જેમાં તેને સફળતા મળી નહોતી. વિદેશ પ્રધાન કહે છે કે ૨૦૨૦ની ઘટના પછી તેના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તો સવાલ એ છે કે ભારત પાસે વિકલ્પ શો છે? જો મતભેદને કે ઝઘડાને બાજુએ મૂકીને આગળ વધવાનો વિકલ્પ ન બચ્યો હોય તો તેનો ઉકેલ શોધવો પડશે. ચીન મ્યાનમાર જેવો ઉપેક્ષા કરી શકાય એવો મામૂલી દેશ નથી. પણ આપણા વિદેશ પ્રધાને નવી સ્થિતિમાં નવા વિકલ્પની કોઈ વાત જ નથી કરી.

દરેક સમસ્યાનો ઉકેલ તો હોય જ છે અને ઉકેલ જો મુશ્કેલ હોય તો ઉકેલ સ્વીકાર્ય બને એ રીતની ભૂમિકા બનાવવી જોઈએ. ઉકેલ જો જોખમી હોય તો જોખમ ઉઠાવવાની તૈયારી કરવી જોઈએ અને પ્રજા તેમ જ રાજકીય પક્ષો જોખમમાં સાથ આપે એવી ભૂમિકા બનાવવી જોઈએ. એવી ભૂમિકા બનાવવા માટે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. વિદેશપ્રધાને પોતે જ કબૂલ કર્યું છે કે સાત દાયકા જૂનો વિકલ્પ હવે હાથવગો નથી. પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે નરેન્દ્ર મોદી પોતે અને તેમની સરકાર વાસ્તવિકતાથી ભાગે છે. ચર્ચા કરવાથી દૂર ભાગે છે. મોઢું ફેરવી લે છે. કેમ જાણે મોઢું ફેરવી લેવાથી વાસ્તવિકતા મટી જવાની હોય!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top