Editorial

ગાંધી પરિવાર ખડગેને છુટો દોર આપશે તો જ કોંગ્રેસ ફરી બેઠી થઈ શકશે

આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસને ગાંધી પરિવારની બહારના રાષ્ટ્રીય પ્રમુખ મળશે. કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીતી ગયા છે અને તેઓ કોંગ્રેસના 65માં અધ્યક્ષ બનશે. એક સદી કરતાં પણ વધારે જૂની કોંગ્રેસનો એક સમયે સૂર્ય મધ્યાહને તપતો હતો અને હવે કોંગ્રેસની હાલત ભારતમાં ખરાબ થઈ ચૂકી છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણી કોંગ્રેસ હારી છે અને તેની બેઠકોનો આંક પણ 50ની આસપાસનો રહ્યો છે.

કોંગ્રેસમાં પહેલાથી જ કેડર પ્રમાણે સંગઠન ઊભું કરવામાં આવ્યું નહોતું. જેટલા નેતા તેટલા કાર્યકરો અને જેટલા કાર્યકરો તેટલા નેતા બનાવવાને કારણે કોંગ્રેસમાં લોકો સુધી જવા માટેની કોઈ કડી જ નહી રહી. પરિણામે કોંગ્રેસ વર્ષોવર્ષ ક્ષીણ થતી રહી અને હાલમાં દેશમાં આંગળીના વેઢે ગણાય તેટલા રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર બચી છે. 10 વર્ષ કેન્દ્રમાં યુપીએ સરકાર રહ્યા બાદ કોંગ્રેસ માટે દરેક ચૂંટણીમાં કપરા ચઢાણ બની રહ્યા છે. કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સત્તા મેળવી પરંતુ મધ્યપ્રદેશની એ સત્તા છીનવાઈ ગઈ. યુપીએ સરકાર ગયા બાદ કોંગ્રેસમાં આંતરિક માથાકૂટ વધી ગઈ અને તેમાં પણ વરિષ્ઠ નેતાઓ દ્વારા જી-23 ગ્રુપ બનાવવાને કારણે કોંગ્રેસમાં જુથવાદ વધુ પ્રબળ બન્યો હતો. જી-23ના નેતાઓની એ માંગ રહી કે કોંગ્રેસનું સંચાલન ગાંધી પરિવારને બદલે અન્ય કોઈને સોંપવામાં આવે અને ફરી સત્તાની નજીક પહોંચવામાં આવે. આ માંગની પાછળ સત્તા જતી રહ્યાનો મોટો વિષાદ આ નેતાઓના મોઢા પર દેખાતો હતો.

સોનિયા ગાંધીએ જી-23ના નેતાઓની ગાંધી પરિવારની બહારના પ્રમુખની માંગ સ્વીકારી લઈ ચૂંટણી કરાવી દીધી છે અને હવે કોંગ્રેસનું સુકાન મલ્લિકાર્જુન ખડગે સંભાળશે. કોંગ્રેસ માટે આ એક સારો સંયોગ થયો છે. કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા હાલમાં ‘ભારત જોડો’ કાઢવામાં આવી છે. કોંગ્રેસ હવે એ સમજી ચૂકી છે કે દેશમાં જો ફરી સત્તા મેળવવી હોય તો લોકો સુધી જવાની જરૂરીયાત છે. યાત્રાના શું અને કેટલા ફાયદા થાય છે તે ભૂતકાળમાં વિવિધ યાત્રાઓ નીકળ્યા બાદ જે તે રાજકીય પક્ષને થઈ જ ચૂક્યા છે. રાહુલ ગાંધી પણ તે પંથે ચાલી રહ્યા છે અને હવે દક્ષિણ ભારત બાદ ઉત્તર ભારતમાં યાત્રા પ્રયાણ કરશે. દક્ષિણ ભારતમાં રાહુલ ગાંધીની યાત્રાને ભારે પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ દક્ષિણ ભારતના મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પ્રમુખ બનતાં કોંગ્રેસીઓમાં ઉત્સાહ બેવડાઈ ગયો છે.

મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ બનતાં કોંગ્રેસને ડબલ ફાયદા થાય તેમ છે. મલ્લિકાર્જુન ખડગે દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો વ્યાપ વધારી શકે છે તો સામે ગાંધી પરિવાર ઉત્તર ભારતને સાચવે તો કોંગ્રેસ ફરી સત્તાની નજીક પહોંચી શકે તેમ છે. બુધવારે જ્યારે મતગણતરી થઈ ત્યારે કોંગ્રેસ ડેલિગેટના 90 ટકા મત મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા. જ્યારે શશી થરૂરને માત્ર 10 ટકા જ મતો મળ્યા. ખડગે પ્રમુખ બન્યા બાદ ગાંધી પરિવાર તેને છુટ્ટો દોર આપે તેવી સંભાવના જોવાઈ રહી છે. રાહુલ ગાંધીએ ખુદ જાહેર કરી દીધું છે કે તેમની ભૂમિકા શું રહેશે તેનો નિર્ણય ખડગે જ કરશે. આગામી દિવસોમાં સોનિયા ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીના પણ આવા જ નિવેદનો આવી શકે તેમ છે.

જોકે, ખડગે સામે કોંગ્રેસને ફરી બેઠી કરવાનો મોટો પડકાર રહેલો છે. કારણ કે કોંગ્રેસની હાલત હાલમાં કફોડી છે. ખડગેએ પહેલા કોંગ્રેસના કાર્યકરોમાં પ્રાણ ફૂંકવા પડશે અને મોદી તેમજ અમિત શાહની ખુંખાર ધરી સામે લડવું પણ પડશે. ખડગે ઘણા ઘડાયેલા નેતા છે. અનેક ચૂંટણીઓ લડીને જીતી ચૂક્યા છે. ગ્રાસરૂટના નેતા છે. જેને કારણે કોંગ્રેસને તેમનો ફાયદો જરૂર થશે, પરંતુ સવાલ મોટો એ છે કે ખડગે ફરી કોંગ્રેસને મજબુત કરી શકશે? કારણ કે કોંગ્રેસ પાસે મોટી સંખ્યામાં કાર્યકરો છે પરંતુ આ કાર્યકરોને જોડી શકે અને કાર્યકરો મતદારોને જોડી શકે તેવી સ્ટ્રેટેજી ખડગેએ ઊભી કરવી પડશે. કોંગ્રેસમાં નેતાઓને કાર્યકરો બનાવવા પડશે. કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા એ છે કે ચૂંટણી ટાણે જ નેતાઓ નીકળે છે. બાદમાં જ્યારે પક્ષના કાર્યક્રમો હોય ત્યારે આ નેતાઓ કોઈ જ હાજરી આપતા નથી.

ગુજરાતમાં જો દરેક જિલ્લા પ્રમાણે કોંગ્રેસના હોદ્દેદારોની યાદી જોવામાં આવે તો તે હજારોમાં થાય તેમ છે પરંતુ જો આ તમામને એક સભામાં બોલાવવામાં આવે તો 80 ટકા આવે તેમ નથી. આ નેતાઓને કાર્યક્રમોમાં હાજર રહેતા ખડગેએ કરવા પડશે. કોંગ્રેસ તેના કાર્યકરોની છે તેવું બતાવવા માટે ગાંધી પરિવારે પક્ષમાં લોકશાહી ઢબે ચૂંટણી જરૂર કરાવી પરંતુ જો ખડગેને ગાંધી પરિવાર તેની રીતે કામ કરવા દેશે અને ખડગે કોંગ્રેસને ફરી ઊભી કરી શકશે તો જ આ ચૂંટણીનો મતલબ રહેશે તે નક્કી છે.

Most Popular

To Top