ગાંધીનગર : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને તેમની ટીમ આજથી ગુજરાતના (Gujarat) બે દિવસના પ્રવાસે છે. આવતીકાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ તેઓ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરીસરમાં મુલાકાત કરશે. અહીંના વિવિધ કાર્યક્રમો પૂરા કર્યા પછી 20 ઓક્ટોબરે જ તેઓ તાજેતરમાં પ્રસિદ્ધિ પામેલા ભારતના પ્રથમ 24X7 સોલાર પાવર્ડ વિલેજ ‘મોઢેરા’ ની મુલાકાત માટે પ્રસ્થાન કરશે. ઉલ્લેખનીય છે કે પોતાના બીજા કાર્યકાળમાં ભારતની મુલાકાતે આવી રહેલા એન્ટોનિયો ગુટેરેસે પોતાના ભારત પ્રવાસની શરૂઆત 18 ઓક્ટોબરના રોજ મુંબઈમાં 26/11ના હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા સાથે કરી હતી.
ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા યુએન મહાસચિવ પોતાના પ્રવાસના ત્રીજા દિવસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસચિવનું સ્વાગત કરશે. ત્યારબાદ યુએન મહાસચિવ વડાપ્રધાનની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરને નિહાળશે અને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ દરમિયાન બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે અલગથી એક બેઠક થવાની પણ શક્યતા છે. યુએન મહાસચિવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંયુક્ત રાષ્ટ્ર તેમજ ભારત સરકારના અન્ય ગણમાન્ય લોકોની હાજરીમાં વડાપ્રધાનના LiFE મિશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
શું છે LiFE મિશન
2021માં ગ્લાસગોમાં COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ (LiFE) અભિયાનનો વિચાર વિશ્વની સમક્ષ રજૂ કર્યો હતો. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના પછીના દિવસે એટલે કે 6 જૂન, 2022ના રોજ એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને LiFE મિશનની શરૂઆત કરીને જણાવ્યું હતુ કે આ મિશન પાછળનો વિચાર એવો છે કે આપણે એવી જીવનશૈલી અપનાવીએ જે આપણી ધરતી માટે અનુકૂળ હોય અને આપણે તેને નુકસાન ન પહોંચાડીએ. તેમણે કહ્યું, ‘લાઇફ મિશન’ ભૂતકાળમાંથી શીખે છે, વર્તમાનમાં સંચાલિત થાય છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આજે યુએન મહાસચિવ સોલાર પાવર્ડ વિલેજ ‘મોઢેરા’ની મુલાકાત
સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવ એન્ટોનિયો ગુટેરેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી કાલે એટલે કે 20 ઓક્ટોબરના રોજ ભારતના પ્રથમ 24X7 સોલાર પાવર્ડ વિલેજ ‘મોઢેરા’ની મુલાકાત લેશે. મોઢેરામાં યુએન મહાસચિવ ભારતના એ ચમત્કારને જોવા આવી રહ્યા છે જેણે ભારતને ચોવીસ કલાક સોલાર આધારિત ઊર્જા વિતરણની એક નવી ઇકોસિસ્ટમ આપી છે.
ઉલ્લેખનીય છે કે 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાને ગુજરાતના મોઢેરાને ચોવીસ કલાક સૌર ઊર્જા આધારિત વીજળીથી ઊર્જાની જરૂરિયાત પૂર્ણ કરનારું ગામ જાહેર કર્યું હતું. મોઢેરા ગામમાં 1300થી વધુ ગ્રામ્ય ઘરોમાં સોલાર રૂફટોપ દ્વારા વીજળીની વ્યવસ્થા છે. દિવસના સમયે સોલાર રૂફટોપથી વીજળીનું વિતરણ થાય છે અને રાતના સમયે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS), જે સોલાર પેનલ્સથી જ એકીકૃત છે, તેનાથી ગ્રામ્ય ઘરોમાં વીજળીનો સપ્લાય જાય છે. મોઢેરાના પોતાના આ પ્રવાસમાં બાકીના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી યુએન મહાસચિવ અમદાવાદ એરપોર્ટ માટે પ્રસ્થાન કરશે અને પોતાની ભારત યાત્રા પૂરી કરશે.