Gujarat

પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે

ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતનું કાઉન્ટ ડાઉન (Count Down) ચાલી રહ્યુ છે ત્યારે તે પહેલા પીએમ (PM) નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 19મી ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત (Gujarat) પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને તાપીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ રાજ્યમાં 15670 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અને નિર્માણાધિન લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

મોદી 19મીએ સવારે 9.45 કલાકે મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે ડિફેન્સ એક્સ્પોનું ઉદ્દઘાટન કરશે. બપોરે 12 વાગ્યે તેઓ અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. બપોરે 3.15 વાગ્યે તેઓ જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે, ત્યારબાદ, સાંજે 6 વાગ્યે, તેઓ ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદઘાટન કરશે અને રાજકોટમાં ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ સાંજે 7:20 વાગ્યે રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્દઘાટન કરશે. 20મી ઑક્ટોબરે, સવારે 9:45 વાગ્યે, કેવડિયા ખાતે વડાપ્રધાન દ્વારા મિશન લાઇફનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે 12 વાગે વડાપ્રધાન કેવડિયામાં 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે અને ત્યાર બાદ બપોરે 3:45 કલાકે તેઓ વ્યારા ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે.

ગાંધીનગરનો કાર્યક્રમ
ડિફેન્સ એક્સ્પોનું ઉદ્દઘાટન કરશે. પાથ ટુ પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલા આ એક્સ્પોમાં ભારતીય કંપનીઓ માટે સંરક્ષણ પ્રદર્શન યોજવામાં આવેલું છે. એક ઇન્ડિયન તેમજ 10 સ્ટેટ પેવેલિયન હશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન એચટીટી-40નું અનાવરણ કરશે. મિશન ડેફસ્પેસ લોન્ચ કરશે. ડીસામાં 1000 કરોડના ખર્ચે બનાવવાનો છે તે ડિફેન્સ એરબેઝનો શિલાન્યાસ કરશે. એક્સ્પો દરમિયાન 2જી હિંદ મહાસાગર ક્ષેત્ર+ (IOR+) કોન્ક્લેવ પણ યોજાશે. વડાપ્રધાન અડાલજના ત્રિમંદિર ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ કરશે. આ મિશનની કલ્પના કુલ 10,000 કરોડના ખર્ચ સાથે કરવામાં આવી છે. ત્રિમંદિર ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન લગભગ 4260 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

જૂનાગઢનો કાર્યક્રમ
પીએમ મોદી જૂનાગઢમાં 3580 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે જેમાં 13 જિલ્લામાં 270 કિલોમીટરની લંબાઇના કોસ્ટલ હાઇવેની સુધારણાના કામો પણ છે. એ ઉપરાંત પોરબંદર અને ગીરના વિકાસ કામોનો પણ શિલાન્યાસ કરવાના છે.

રાજકોટનો કાર્યક્રમ
પીએમ મોદી રાજકોટમાં 5860 કરોડના વિકાસ કામોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. તેઓ ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્સલેવનું પણ ઉદ્દઘાટન કરશે. રાજકોટમાં તેઓ એક રોડશો માં પણ ભાગ લેશે. તેઓ રાજકોટ ઉપરાંત મોરબી, બોટાદ, જામનગર અને કચ્છના કામોનો શિલાન્યાસ કરશે.

કેવડિયાનો કાર્યક્રમો
પીએમ મોદી યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં યુએન સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગૂટેરસની હાજરીમાં મિશન લાઇફનું લોકાર્પણ કરાશે. તેઓ કેવડિયામાં 20 થી 22 ઓક્ટોબર દરમ્યાન આયોજિત 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે,જેમાં સમગ્ર વિશ્વમાંથી 118 ભારતીય મિશનના વડાઓ (રાજદૂત અને ઉચ્ચ કમિશનરો) જોડાવાના છે. ત્રણ દિવસમાં 23 સત્ર યોજાશે.

તાપીનો કાર્યક્રમ
પીએમ મોદી વ્યારામાં 1970 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના માર્ગની સુધારણાના કાર્યનું ભૂમિપૂજન પણ કરશે. આ જિલ્લામાં 300 કરોડના પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ છે જેનું ભૂમિપૂજન મોદી કરવાના છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા ભારતમાં, સૂર્ય મંદિરની મુલાકાત લેશે
ગાંધીનગર: સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગૂટેરસ મંગળવારથી ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે. યુએનના મહાસચિવે મંગળવારે મુંબઈ ખાતે ૨૬-૧૧ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. રાષ્ટ્રસંઘના વડા તા.૨૦ ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

૨૦ ઓક્ટોબરે યુએનના વડા એન્ટોનીયો ગૂટેરસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સીધા મોઢેરા ખાતે જઈ રહ્યા છે. જ્યાં તેઓ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાતે આવશે. અહીં તેઓ ભારતના સૌપ્રથમ સોલાર પાવર ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત સૂર્ય મંદિર ખાતે સમારંભમાં હાજરી આપશે. અહીંથી તેઓ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે, જ્યાં તેઓ સરદા સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી સાથે મિશન લાઈફ (લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરોમેન્ટ) સમારંભમાં હાજરી આપશે. એ પછી તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકરને પણ મળી વિશ્વને હાલમા સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Most Popular

To Top