Dakshin Gujarat

દેગામની કંપનીમાંથી ચોરાયેલી સોલાર પ્લેટનો કરોડોનો જથ્થો અમદાવાદથી મળ્યો

ઘેજ : ચીખલી તાલુકાના દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી (Solar Company) ચોરાયેલી સોલાર પ્લેટનો વધુ 1.22 કરોડ રૂપિયાનો જથ્થો પોલીસે (Police) અમદાવાદથી (Ahmedabad) કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ દેગામ સ્થિત સોલાર કંપનીમાંથી ચોરેલી સોલાર પ્લેટના જથ્થા સાથે ઇકો કારમાંથી (Car) ત્રણ જેટલાને પીએસઆઇ સમીરભાઇ કડીવાલા, પોલીસ કર્મી મહેન્દ્રભાઇ સહિતના સ્ટાફે ચાસ ગામની સીમમાંથી ઝડપી પાડ્યા હતા અને ઇકો કાર સિવાય બામણવેલમાં સંતાડેલો 1.38 કરોડ રૂપિયાનો સોલાર પ્લટનો જથ્થો કબજે કર્યો હતો.

બાદમાં બીજા દિવસે સ્થાનિક ચારને ચોરીના ગુનામાં ઝડપી લઇ તપાસમાં ગુનાના કડી રાજકોટ અને અમદાવાદ સુધી જોડાયેલી હોવાનું બહાર આવતા ત્યાંથી પણ એક એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અમદાવાદથી ઝડપાયેલા આરોપી દિલીપ છગન જાદવાણીના કબજાની અમદાવાદની વિરાટ નગરમાં જલારામ કોમ્પલેક્ષમાં દુકાન નં. ચારમાં તપાસ કરતા આ દુકાનમાંથી 72 પુઠાના બોક્ષમાંથી 12236000 રૂપિયાનો સોલાર પ્લેટનો જથ્થો મળી આવતા તેનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી પોલીસે સોલાર પ્લેટનો અત્યાર સુધીમાં 2,60,36,000 કરોડ રૂપિયાનો જથ્થો રીકવર કર્યો છે.

દમણના જમ્પોર બીચ પરથી બાઈકની ઉઠાંતરી
દમણ : સંઘપ્રદેશ દમણનાં જમ્પોર બીચ પરથી બાઈક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. બાઈક ચોરીની સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. રવિવારે સાંજે દમણનો જયનેશ સુરેશ વારલી તેની બાઈક નં.DD-03-G-4574 ને લઈને જમ્પોર બીચ પર ગયો હતો, જ્યાં બાઈકને પાર્ક કરી હતી. આ દરમ્યાન કોઈ વ્યક્તિ પાર્ક કરેલી બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બાઈક ચોરીની ઘટના અંગે જયનેશ સુરેશ વારલીએ કોસ્ટલ પોલીસ મથકે ફરિયાદ કરતાં સમગ્ર ચોરી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપતાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top