પેટલાદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા બોરસદ અને પેટલાદ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં દર્શાવેલા વિસ્તારમાં મિલકત લે-વેચ માટે કલેક્ટરની મંજુરી આવશ્યક રહેશે. અહીં વારંવાર બનતા કોમી છમકલાના પગલે સ્થિતિ દિવસે દિવસે બગડી રહી હતી.
રાજ્યના અતિસંવેદનશીલ શહેરોની યાદીમાં પેટલાદનો સમાવેશ થતો આવ્યો છે. રથયાત્રા સહિત વિવિધ તહેવારમાં છમકલાં થતાં રહે છે. આવા સંજોગોમાં અનેક વિસ્તારોમાંથી હિન્દુઓ પોતાની મિલકતો વેચી સલામત સ્થળે હિજરત કરી ગયા હતા. આ સમગ્ર મામલે છેલ્લા એક દાયકાથી શહેરમાં અશાંતધારો લાગુ કરવાની માંગ ઉઠી હતી. પેટલાદમાં વર્ષ દરમિયાન યોજાતા હિન્દુ – મુસ્લિમના તહેવારો સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહિવટી તંત્ર સજાગ રહે છે.
ગામતળમા આવેલા ઘણા બધા વિસ્તારોના છેવાડે જ્યા બન્ને કોમના લોકો નજીક રહેતા હોય છે, તેવા વિસ્તારના હિન્દુઓની મિલકતો ધીરેધીરે વેચાવાની શરૂ થઈ ગઈ હતી. જેને કારણે આ વિસ્તારમાં રહેતા અન્ય લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળતું હતું. તેમાંય છેલ્લા એક દાયકા દરમિયાન ગામતળના કેટલાક વિસ્તારોમાંથી નગરજનોએ અશાંતધારો લાગુ કરવા પોલીસ અને વહિવટી તંત્રને લેખિતમાં રજૂઆતો કરી હતી. પરંતુ મિલકતોનું વેચાણ સમયાંતરે વધતુ જતુ હોવાને કારણે રાજકીય આગેવાનોને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ સંદર્ભે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 15મી ઓક્ટોબર 2022ના રોજ અશાંતધારા એક્ટ 1991 અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ પેટલાદ શહેરના આશરે 33 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. જેનો અમલ 15મીથી જ શરૂ કરવામાં આવ્યો છે. જેથી હવે પછી જો કોઈ મુસ્લિમ વ્યક્તિને હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદવી હશે તો લેનાર અને વેચનારને કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.
બોરસદ શહેરમાં પણ છાશવારે થતાં છમકલાંના પગલે અશાંતધારાની માગણી ઉઠી હતી. તેમાંય ફેબ્રુઆરી,2020માં જૈન સમાજ અને હિન્દુ સમાજ દ્વારા શહેરના ચોક્કસ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માગણી કરી બંધ પણ પાળ્યો હતો. રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આખરે બોરસદના કાશીપુરા, વાવડી મહોલ્લા, ફુવારા ચોક, જૈન દેરાસર, રામ પરબડી સહિતના 6 જેટલા સીટી સર્વેના ભાગમાં સમાવિષ્ઠ વિસ્તારોમાં સરકાર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.
અશાંત ધારા અંતર્ગત સીટી સર્વે ભાગ 1, 2, 4, 5, 6, 9માં સમાવિષ્ઠ ગાંધીપોળ, ચોક્સી પોળ, રોહિતવાસ, વણકરવાસ, ફતેપુર, જેતીયાવાડ, જૂની કોર્ટ વિસ્તાર, વહેરાઈ માતા ફળિયું, વાળંદ ખડકી, દલવાડી વાડો, તંબોળી ખડકી, ઉર્દુ સ્કૂલ પાસે, ઓઝા વાળ, ટાઉન હોલ પાછળ, જેડી પટેલ હાઈસ્કૂલ સામે સહિત બોરસદ શહેર પોલીસ સ્ટેશન હેઠળ સમાવિષ્ઠ વિસ્તારોમાં 15 ઓક્ટોમ્બર 2022થી 14 ઓક્ટોમ્બર 2027 સુધી આગામી પાંચ વર્ષ માટે અશાંત ધારા હેઠળ સ્થાયી પ્રોપર્ટીના ટ્રાન્સફર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
પેટલાદ અને બોરસદના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે અશાંતધારો લાગુ પડ્યો હતો. આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે 1લી ઓગષ્ટ,2022ના રોજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમા જણાવ્યું હતુ કે, પેટલાદના શહેરી વિસ્તારમાં મુસ્લિમો દ્વારા હિન્દુ વિસ્તારોની મિલકતો ઉચાભાવે ખરીદવાની ગતિવિધી ચાલી રહી છે. આ ઉપરાંત આવા વિસ્તારોમાં વારંવાર કોમી છમકલા પણ થતા હોય છે. જેને કારણે ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ ઉભી ન થાય તે માટે પેટલાદમાં આવા વિસ્તારો માટે અશાંતધારો લાગુ કરવાની જોવાઇ અંગે કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આવી જ રીતે જીલ્લા પ્રમુખ વિપુલ પટેલે 6ઠ્ઠી સપ્ટેમ્બર 2022ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અશાંતધારો લાગુ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. આ નિર્ણય બદલ સાંસદ મિતેષભાઈ પટેલ અને વિપુલ પટેલે ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીનો આભાર માન્યો હતો.
પેટલાદમાં 1992 ને 2002માં તોફાનો થયાં હતાં
પેટલાદમાં તહેવારો વખતે કોઈપણ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે શાંતિ સમિતીની બેઠકો પણ મળતી હોય છે. જોકે, પેટલાદમાં વર્ષ 1992 અને વર્ષ 2002માં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ બન્ને ઘટનાઓ બાદ 20 વર્ષમાં કોમી તોફાનોની છૂટી છવાઈ ઘટનાઓ બનવા પામી છે. આ કોમી તોફાનોને કારણે શહેરના ગામતળ વિસ્તારોમાં આવેલ ઘણીબધી શેરીઓ અને મહોલ્લાના લોકો પોતાની મિલકતો વેચી સલામત સ્થળે હિજરત કરી ગયા છે.