સુરત: યુરોપિયન યુનિયને રશિયાની (Russia) અલરોસા કંપની દ્વારા એક્સપોર્ટ (Export) કરવામાં આવતા રફ ડાયમંડ (Rough Diamond) સામેના પ્રતિબંધો હળવા કર્યા હોવાની વાત સુરત (Surat) અને મુંબઈનાં (Mumbai) હીરા ઉદ્યોગમાં ફેલાઈ છે. રેપાપોર્ટના એક એહવાલ મુજબના તેના નવીનતમ રાઉન્ડમાં હીરાને બાકાત રાખ્યા છે. બેલ્જિયમ અને ભારતના દબાણને પગલે EUએ રશિયન પ્રોડક્ટના ઇમ્પોર્ટ પ્રતિબંધની યાદીમાં રફ હીરાને બાકાત રાખ્યો હોવાના મેસેજ ફરતા થયા છે.
રેપાપોર્ટના અહેવાલ મુજબ યુરોપિયન યુનિયનની કાઉન્સિલ દ્વારા ગયા ગુરુવારે બહાર પાડવામાં આવેલા નવા પેકેજમાં અમુક વેપાર પ્રતિબંધોને લંબાવવામાં આવ્યા છે અને જ્વેલરી ઉદ્યોગમાં વપરાતાં તત્ત્વો, જેમ કે પથ્થરો અને કીમતી ધાતુઓની આયાત પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. EUનાં નવીનતમ નિયંત્રણો રશિયન સ્ટીલ, લાકડાના પલ્પ અને કાગળ સહિત અન્ય ઉત્પાદનો પર લાગુ પડશે. અધિકારીઓ રશિયન રફની આયાતને ગેરકાયદે બનાવવા માંગતા નથી. એન્ટવર્પ રશિયન રફ વેચવાનું સૌથી મહત્ત્વપૂર્ણ બજારોમાંનું એક છે.
જો કે, સ્થાનિક હીરા ઉદ્યોગકારો આ નિર્ણયની ચકાસણી કરી રહ્યા છે. જો રફ પરનો પ્રતિબંધ હળવો થયો હશે તો સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગની નાતાલ સુધરી શકે છે. યુક્રેન-રશિયા યુદ્ધને પગલે પ્રારંભમાં અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ રશિયાનું કેપી સર્ટિફિકેશન રદ કરવાની અમેરિકાની દરખાસ્ત વિટોનો ઉપયોગ કરી ચીન સહિતના 4 દેશે ફગાવી હતી. રશિયન માઇનિંગ કંપનીની પાતળી રફમાંથી બનતા તૈયાર હીરા અને જ્વેલરી સુરત-મુંબઈથી વાયા દુબઇ, એન્ટવર્પ, બ્રસેલ્સ થઈ અમેરિકા આવી રહ્યા હોવાની આશંકાને પગલે અમેરિકાએ ભારત સરકારને ચેતવી હતી.
વિશ્વમાં 32 ટકા રફનું વેચાણ રશિયન માઇનિંગ કંપની અલરોસા કરે છે
વિશ્વમાં રફ ડાયમંડના ઉત્પાદનમાં રશિયા પ્રથમ ક્રમે છે. 32 ટકા રફનું વેચાણ રશિયન માઇનિંગ કંપની અલરોસા કરે છે. રફના સૌથી મોટા ખરીદદાર ભારત અને ચીન જેવા દેશો છે. સુરત-મુંબઇ સહિત ભારતમાં 30 ટકા રફ રશિયાથી આવે છે. બીજી તરફ ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે અમેરિકા સહિત યુરોપિયન યુનિયનના દેશોમાં મોટું માર્કેટ છે. અત્યાર સુધી ઉદ્યોગકારો રશિયન રફમાંથી બનેલા હીરા, ઝવેરાત યુરોપના દેશોમાં મોકલવાનું ટાળતા હતા. કારણ કે, યુરોપિયન યુનિયને રશિયન ડાયમંડ ઈમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
રફ ડાયમંડનાં વેચાણમાં કયા દેશનો કેટલો ફાળો?
રશિયન ફેડરેશન 32 ટકા, બોત્સવાના 19 ટકા, કેનેડા 15 ટકા, કોંગો 12 ટકા, દક્ષિણ આફ્રિકા 8 ટકા અને અન્ય દેશો 14 ટકા