અમદાવાદ : ભાજપના (BJP) ભ્રષ્ટ શાસનમાં અસહ્ય મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે લોકો હવે ભાજપના શાસનથી ત્રસ્ત બન્યા છે આગામી ચૂંટણીમાં (Election) રાજ્યની જનતાએ ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરતા ફફડી ઊઠેલી ભાજપ સરકારે સીએનજીના (CNG) ભાવમાં નજીવો ઘટાડો કરવાની ફરજ પડી છે.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં તમામ વર્ગો મુશ્કેલીનો પારાવાર સામનો કરી રહ્યા છે. મોંઘવારીથી ત્રસ્ત જનતા ભાજપને પાઠ ભણાવવાનું નક્કી કરી દીધું છે તેનો અનુભવ ગૌરવ યાત્રા દરમિયાન ઠેર ઠેર ભાજપના નેતાઓને થઈ રહ્યો છે. મોંઘવારીના એક પછી એક માર આપતી ભાજપે ટેક્સ નામે લૂંટનો કારોબાર ચલાવી રહ્યા છે જનતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પરનો ટેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે. રોટલી અને પરોઠા પર જીએસટી ઝીંકનાર ભાજપ એ સામાન્ય અને મધ્યમ વર્ગનો રોટલો છીનવવાનું પાપ કરી રહી છે. સીએનજીમાં 50 રૂપિયા પ્રતિ કિલો ના રૂ.90 જેટલો સુધીનો ભાવ વધારો કરીને પાંચ રૂપિયાની રાહત આપીને સામાન્ય જનતા સાથે વિશ્વાસઘાત કરી રહી છે. ગેસ સિલિન્ડરને 414 રૂપિયા મળતો હતો ને 1,060 રૂપિયા કરીને પ્રજાને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.