હથોડા: તરસાડીના દાદરી ખાતે ફળિયામાંથી પૂરપાટ ઝડપે બાઈક (Bike) ચલાવનારને મહિલાએ ધીમે બાઇક ચલાવવાનું કહેતાં વિફરેલા બે બાઈક પર સવાર ચાર યુવકોએ મહિલાને (woman) ગાળો ભાંડી ઘરનાં વાસણોની તોડફોડ કરતાં મહિલાએ કોસંબા (Kosmba) પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.તરસાડીના દાદરી ખાતે રહેતી તારા મોહન વિશ્રામ વસાવા દિવાળીનો તહેવાર હોવાથી ઘરની સાફસફાઈ કરી ઘરઆંગણે કચરો વાળતી હતી. ત્યારે બે બાઇક ચાલકો પૂરપાટ ઝડપે બાઇક હંકારતા તમને દેખાતું નથી ગાડી જોઈને ધીમે ચલાવો તેવું કહેતાં બે બાઇક પર સવાર ચાર યુવકોએ ઉશ્કેરાઈને ગાળો આપી આજે તમને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી.
પોલીસ સાથે પણ બાઈકચાલકોએ મારામારી કરી હતી
ઘરઆંગણે બહાર મૂકેલા કાચનાં વાસણો ભરેલી ધાતુનું તગારું તથા પ્લાસ્ટિકની ડોલની તથા અન્ય ઘરવખરીના સરસામાનની તોડફોડ કરી હતી. આ બનાવ બનતાં કોસંબા પોલીસને ફોન કરતાં કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચતાં પોલીસ સાથે પણ બાઈકચાલકોએ મારામારી કરી હતી. બે બાઇક પર સવાર થઈને આવેલા આબિદ ઇલ્યાસ શેખ અને શાહ નવાઝ ઉર્ફે સદ્દામ જલીલ સૈયદ તથા અન્ય બે અજાણ્યા મળી ચાર જણા સામે ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બારડોલીની સાઈદર્શન સોસાયટીના રહીશોની ટાવર ન ખસેડવા પાલિકાને લેખિત રજૂઆત
બારડોલી: બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈદર્શન સોસાયટીના ખાલી પ્લોટમાં મોબાઇલ ટાવર ઊભો કર્યા બાદ નગરપાલિકા દ્વારા આ ટાવર દૂર કરવા માટે નોટિસ આપવામાં આવતાં સોસાયટીના રહીશોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. રહીશોએ આ અંગે બારડોલી નગરપાલિકા અને નગર નિયોજનમાં લેખિતમાં રજૂઆત કરી છે.બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈદર્શન સોસાયટીના રહીશોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, બ્લોક નં.341 પૈકી 1ના પ્લોટ નં.સી-1 વાળી જમીનમાં સોસાયટીનો કોમન પ્લોટ આવેલો છે.
નોટિસ સામે રહીશોએ નગર નિયોજકને વાંધા અરજી પણ આપી
હાલ પ્લોટમાં વારિગૃહ બનાવવામાં આવ્યું છે. તેની બાજુમાં બચેલી થોડી જગ્યામાં સોસાયટી દ્વારા એક મોબાઇલ કંપનીને ટાવર માટે ભાડે આપવામાં આવ્યો છે. આ જમીન પર ટી.પી. સ્કીમ નં.4 લાગુ પડી છે. જેના ફાઇનલ પ્લોટ નં.76/2માં આ મોબાઇલ ટાવર હોય તે ટાવર દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા મોબાઇલ ટાવર કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે. આ ટાવર દૂર ન કરવા માટે સોસાયટીના રહીશોએ રજૂઆત કરી છે. આ નોટિસ સામે રહીશોએ નગર નિયોજકને વાંધા અરજી પણ આપી હતી. સોસાયટીના રહીશોનું કહેવું છે કે, જો ટાવર દૂર કરવામાં આવશે તો સોસાયટીના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આથી સોસાયટીના રહીશોએ અદાલતનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.