Columns

ધનતેરસે ધન અને ધન્વંતરી પૂજન બંનેનો મહિમા

ઉત્સવો – તહેવારો – વ્રતોનું માનવ જીવનમાં મહત્ત્વનું સ્થાન છે. મનુષ્ય ઉત્સવ પ્રિય છે અને તેથી જ દરેક ધર્મ- સંપ્રદાયોમાં કોઇક ને કોઇક રીતે ઉત્સવો – તહેવારોને સાંકળી લેવામાં આવ્યા છે પછી તે હોળી હોય કે લોહડી, બૈશાખી, પર્યુષણ પર્વ – મહાવીર જયંતી, ઇદ, રમઝાન, નાતાલ, ખોરદાદ સાલ, નવરોઝ – પતેતી, વિવિધ ધર્મોના મહાનુભાવોની જન્મજયંતી જેમ કે રામ, કૃષ્ણ, દત્તાત્રેય, મહાવીર સ્વામી, ઇસુ ખ્રિસ્ત, અશો જરથુષ્ટ્ર, ઝુલેલાલ (વરુણદેવ) વગેરે. કેટલાક તહેવારો એક દિવસીય હોય છે તો કેટલાક અનેક દિવસો ચાલે છે.

નવરાત્રી – 9 દિવસ, દિવાળી – 5 દિવસ, ગણેશ ચતુર્થી – 10 દિવસ. જૈનોના પર્યુષણ 8 દિવસ, સિંધી સમાજના ચાલીહા સાહેબ 40 દિવસ, પવિત્ર રમઝાન – આખો માસ, શિવજીનો શ્રાવણ આખો માસ, નાતાલ એક અઠવાડિયું. આવી તો અનેક વિશેષતા દરેક ધર્મના તહેવારોમાં તેના મહિમા અનુસાર હોય છે. આ દરેક તહેવારો સાથે ધાર્મિકકથાઓ, લોકકથાઓ સંકળાયેલી હોવા સાથે ઉજવણીમાં વિવિધતાઓ હોય છે. જે પ્રદેશ, જાતિ પરંપરા, લોકવાયકાઓ,  અનુસાર અલગ અલગ જોવા મળે છે. અલબત્ત આપણા રાષ્ટ્રીય તહેવારો પ્રજાસત્તાકદિન, સ્વાતંત્ર્યદિન, ગાંધીજયંતી, સરદારજયંતી વગેરેમાં વિવિધતામાં એકતા પ્રદર્શિત થાય છે.

આપણા ઋષિ -મુનિઓ – પૂર્વજો ખૂબ વિચક્ષણ, વિદ્વાનો હતા એથી તહેવારોનું આયોજન ભૌગોલિક પરિસ્થિતિ, ઋતુ અનુસાર, જેતે ઋતુમાં તેમ જ પ્રદેશમાં થતી ખેતપેદાશો, જન આરોગ્ય – સુખાકારીને ધ્યાનમાં લઇને કર્યું છે. જો કે સમય – સંજોગો અનુસાર ઉજવણીમાં ફેરફાર નોંધાયા છે પરંતુ ઉત્સવ – તહેવારો પાછળની ભાવના – મહદ અંશે જળવાઇ રહી છે. આખરે ઉત્સવ પાછળનો હેતુ એકધારી જીવનચર્યામાં થોડી રાહત મેળવવાનો, આનંદ મેળવવાનો તો છે જ. સાથોસાથ ભાઇચારાની પરસ્પર – પ્રેમ, સહકાર, સદ્‌ભાવની ભાવના જાળવી રાખવાનો તથા સંવર્ધન કરવાનો છે.

ઉત્સવ દરમ્યાન મલ્લકુસ્તી, શારીરિક કૌશલ્યનું પ્રદર્શન કરતી રમતો પાછળનો હેતુ શારીરિક બળ – તંદુરસ્તી જાળવી રાખવાનો છે. મકર સંક્રાંતિ, શરદપૂર્ણિમા જેવા ઉત્સવો, વૃક્ષોની પૂજા, પશુઓની પૂજા, પ્રકૃતિ સાથે તાલ-મેલ જાળવવાનો છે. પ્રાકૃતિક સામાજિક સાંસ્કૃતિક સમન્વય સાધવાનો છે. ઉત્સવો – તહેવારો સાથે ધાર્મિક – સામાજિક – પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આર્થિક આરોગ્ય, મનોવિજ્ઞાન જેવા અનેક પાસાઓ – પરિબળો સંકળાયેલા છે. ઉત્સવો – તહેવારો સામે વ્રત પણ કરવામાં આવે છે. તેનું એક અલગ જ વિધાન-વિજ્ઞાન છે તે કયારેક.

હવે આગામી 5 દિવસીય દિવાળીના તહેવારની વાત. નવરાત્રિમાં કાલીમાતા અને દુર્ગામાતા વિશેષરૂપે પૂજાય છે. દિવાળીમાં મહાલક્ષ્મી માતાનું પૂજન થાય છે. વ્યાપારીઓ અચૂક મહાલક્ષ્મીમાતાનું પૂજન કરે છે. માતાની છબી ચોપડા સાથે મૂકે છે અને પૂજન કરે છે. જેથી વેપાર – ધંધામાં બરકત રહે કેમ કે મહાલક્ષ્મી માતા ધનના પણ દેવી છે. રિધ્ધિ-સિધ્ધિ તેમને આધીન છે. તે પૂર્વે કાળી ચૌદશ – નરક ચતુર્દશી ઉજવાય છે. તે દિવસે હનુમાનજયંતી પણ કયાંક – કયાંક ઉજવાય છે. મૂળ કથા ભૌમાસુર – નરકાસુરના વધની છે. તેના કેદખાનામાંથી ભગવાન શ્રીકૃષ્ણે 16 હજાર કુંવારી કન્યાઓને છોડાવી હતી અને નરકાસુરનો વધ કર્યો હતો. આ પુરાણકથા છે. પરંતુ તે દિવસે તાંત્રિકો સિધ્ધિ મેળવવા અનેક સાધનાઓ કરે છે. લોકો અડદના વડા ખાય છે અને હનુમાનજીને ધરાવે છે. મેલી-નજર વગેરેથી બચવા 4 રસ્તે વડા-પૂરી મૂકે છે. માતાઓ બાળકોની નજર ઉતારે છે હનુમાનજી સાધના – ઉપાસનાનો આ વિશેષ દિન ગણાય છે.

ધનતેરસે – ધનપૂજાની – ધન ધોવાની પરંપરા છે. ધર્મ-ગ્રંથો – પુરાણોમાં માતા લક્ષ્મીના 8 સ્વરૂપોનું વર્ણન છે જેની કૃપાથી જીવનમાં સુખ-શાંતિ – સમૃધ્ધિ – સંતતિ  પ્રાપ્ત થાય છે. આમ પણ ભૌતિક સુખ – શાંતિની બોલબાલા વર્તમાન કાળમાં વિશેષ છે એટલે લક્ષ્મીજીની કૃપાથી વિપુલ ધન પ્રાપ્ત થાય એવી ઇચ્છાથી લોકો ધનતેરસને આ રીતે મહત્ત્વ આપે છે. ખરેખર તો ત્રયોદશી – આસો વદ તેરસે આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરી સમુદ્રમંથન દરમ્યાન હાથમાં અમૃતકળશ વનસ્પતિ સાથે પ્રકટ થયા હતા.

પુરાણકથા મુજબ ભગવાન – ધન્વંતરી વિષ્ણુના અંશાવતાર છે અને તે જગતના જીવોને રોગો – માંદગીથી મુકત કરી નીરોગી તંદુરસ્ત બનાવવા પ્રકટ થયા હતા. આયુર્વેદના પ્રવર્તક એવા ધન્વતરીનું પૂજન – આરોગ્ય – દીર્ઘાયુની કામના રાખનારાઓએ  અવશ્ય કરવું જોઇએ આમ પણ કહેવત છે – પહેલું સુખ તે જાતે નર્યા – (તંદુરસ્ત) અંગ્રેજીમાં ‘હેલ્થ ઇઝ વેલ્થ’ – તંદુરસ્તીને સંપત્તિ માનવામાં આવી છે. હકીકતમાં આજની ઝડપી – જીવનશૈલીમાં લોકોને લક્ષ્મી જેટલી જ જરૂર તંદુરસ્તીની છે જેની અવગણના તન અને ધન બંનેનો બગાડ કરાવે છે. ધનતેરસે જીવનશૈલી દેહ તંદુરસ્ત રહે તેવી અપનાવવા સૂચવે છે.

આપણું એક સદ્‌ભાગ્ય એ છે કે  સૂરત નજીકના તેના ગામે પ્રાચીન શિવમંદિર સાથે ભગવાન ધન્વંતરીની મૂર્તિ પણ છે તેના દર્શન પૂજન માટે ભકતો મોટી સંખ્યામાં વર્ષોવર્ષ ઉમટી રહ્યા છે. સ્તેનેશ્વર મહાદેવ તરીકે જાણીતા સ્વયંભૂ શિવમંદિર અને તાપી પુરાણમાં જેના પ્રાકટયની કથા છે તે મુજબ તેના પિંજરતના દરિયાઇ વિસ્તારમાં સમુદ્રમંથન થયું હતું. સમુદ્રમંથન દરમ્યાન અમૃતકળશ સાથે ભગવાન ધન્વંતરી પ્રકટ થયા હતા. 23 કોટિ દેવતાઓ અમૃતપાન કરવા તાપી-સાગર સંગમ સ્થળે પવિત્ર સ્નાન કરી અમૃતપાન કરવા ભેગા થયા હતા.

ધન્વંતરી ભગવાનને કળશ સાચવવાનું કહી દેવો તીર્થ સ્નાન કરવા જતાં દાનવોએ છળકપટથી અમૃતકુંભ ધન્વતરીના કબજામાંથી મેળવી લીધો. તીર્થ સ્નાન બાદ અમૃતપાન કરવા ભેગા મળેલા દેવતાઓને અમૃત કળશ ન મળતાં ભગવાન વિષ્ણુએ ભગવાન શિવજીનું ધ્યાન ધરી સહાય કરવા વિનંતી કરી. શિવજીએ દિવ્ય દૃષ્ટિથી ધ્યાન ધરી જણાવ્યું કે અમૃતકળશ દાનવો પાસે છે. શિવજીએ ભગવાન વિષ્ણુને માયાવી રૂપ ધારણ કરી અમૃતકળશ પાછો મેળવવા સલાહ આપી અને વિષ્ણુ ભગવાને તેમ કરી અમૃતકુંભ પરત મેળવ્યો.

દેવતાઓની વિનંતીથી શિવજી વેદસ્વરૂપ ધારણ કરી લિંગરૂપે સ્થાયી થયા. સૌથી મહત્ત્વની નોંધપાત્ર વાત એ છે કે, પુરાતત્ત્વ ખાતા દ્વારા કરાયેલા સંશોધનમાં પિંજરત – તેનાના દરિયાની ઊંડાઇએથી મળી આવેલા અવશેષોમાં સમુદ્રમંથન વખતે ઉપયોગમાં લેવાયેલા મંદરાચલ પર્વતના અંશો મળતાં ભકતોની શ્રદ્ધા દૃઢ બની છે અને શ્રદ્ધાળુ ભકતો દર્શને ઉમટે છે. ભગવાન ધન્વતરી – જયંતી કે ધનતેરસે પણ લોકો ભગવાન ધન્વંતરીના દર્શન કરવા ઉમટે છે. ભગવાન ધન્વંતરીની કૃપા અને તંદુરસ્તી માટે ભકતોની સમજપૂર્વકની જીવનશૈલીના સમન્વયથી ‘સર્વે ભવન્તુ સુખિન:’ સાર્થક થાય.
શ્રીજીવ વ્યાસ

Most Popular

To Top