Columns

બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી

આપણે પ્રગતિશીલ મુસલમાનોએ અપનાવવા જોઈતા વલણ વિષે વાત કરી રહ્યા છીએ. ઇસ્લામ મહાન ધર્મ છે, ઇસ્લામ શાંતિનો ધર્મ છે, ઇસ્લામ સમાનતામાં માને છે, ઇસ્લામમાં ખુદા અને બંદા વચ્ચેનો સંબંધ વચેટિયાઓ વિનાનો સીધો અને સરળ છે વગેરે દલીલો કરવાનો કોઈ અર્થ નથી. અર્થ એટલા માટે નથી કે જગતના દરેક ધર્મો એકંદરે મહાન છે. દરેક ધર્મમાં અંદાજે 90 % ધર્મવચનો માનવતાનો મહિમા કરનારાં હોય છે અને માટે તે સ્થળ અને કાળને અતિક્રમીને પ્રાસંગિકતા ધરાવતાં હોય છે, પણ 10 % વચનો એવાં પણ હોય છે જે વર્તમાન યુગમાં અને જગતના કેટલાક પ્રદેશોમાં અપ્રાસંગિક હોય છે અને આજના સભ્યતાના માપદંડોથી માપતા અમાનવીય હોય છે.

જેમ કે સવર્ણો હરિજનો સાથે દુર્વ્યવહાર કરે ત્યારે હું ઉપનિષદનાં મહાન વચનો ટાંકીને હિંદુ ધર્મનો અને એ દ્વારા હિંદુઓનો બચાવ કરું તો તેનો કોઈ અર્થ નથી. મારી ફરજ બને છે કે હું એ યુવકની નિંદા કરું. તેના આવા વ્યવહારને જો કોઈ ધર્મવચનોનો કે ધાર્મિક રૂઢિઓનો કે પરંપરાનો સહારો મળતો હોય તો હું કહું કે એ ધર્મવચનો આજના યુગમાં અપ્રાસંગિક છે, ત્યાજ્ય છે. બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી.

અસ્પૃશ્યતાના પ્રશ્ને ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર વચ્ચે જ્યારે ચર્ચા થઈ ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે અસ્પૃશ્યતા અને બીજા દરેક પ્રકારના ભેદભાવ માણસાઈની એરણે માપીએ તો અસ્વીકાર્ય છે અને જે અસ્વીકાર્ય છે એનો સ્વીકાર કરવાનો તો સવાલ જ નથી આવતો. ખુદ ઈશ્વર આવીને મને માણસ માણસ વચ્ચે ભેદભાવ કરવાની શીખ આપે તો હું ઈશ્વરને કહીશ કે મને એ સ્વીકાર્ય નથી. ડૉ. આંબેડકરનો આગ્રહ હતો કે તમે કબૂલ કરો કે તમારો ધર્મ જ અન્યાય શીખવાડનારો અધૂરો અને અમાનવીય છે અને માટે નિંદનીય છે.

તમે કબૂલાત અને નિંદા કરો તો સાચા મહાત્મા. ગાંધીજીએ વળતી દલીલ કરી હતી કે જે અસ્વીકાર્ય છે એનો અસ્વીકાર કરવાની હું સલાહ આપું એ પૂરતું નથી? આમાં ધર્મવચનો અને ધાર્મિક પરંપરાની મર્યાદાનો સ્વીકાર નથી આવી જતો? આમાં માણસાઈ વધારે મોટી જણસ તરીકે સ્થાપિત નથી થતી? નિંદા કરીને શું હાથમાં આવવાનું છે? ધર્મની નિંદા કરવાથી ભેદભાવનો અંત આવવાનો નથી, ભેદભાવ છોડવાથી ભેદભાવનો અંત આવી શકે. પણ ડૉ આંબેડકરને ભેદભાવનો અંત આવે એના કરતાં ગાંધીજીને આરોપીના પિંજરામાં ઊભા રાખવામાં અને એ દ્વારા તેમને નાના ચિતરવામાં વધુ રસ હતો.

ઇસ્લામ અને મુસલમાનોની બાબતમાં આજે એવું બની રહ્યું છે કે કોઈ પ્રગતિશીલ મુસલમાન ગાંધીજી જેવું વલણ લેતો નથી અને મુસ્લિમવિરોધી હિંદુઓ ડૉ. આંબેડકરની માફક પ્રગતિશીલ મુસલમાનને લલકારે છે. બોલ, બોલ, ઇસ્લામ ધર્મ અધૂરો છે એમ બોલ. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં આવું બની રહ્યું છે. તેમને મુસલમાનના કલ્યાણમાં કોઈ રસ નથી, ઇસ્લામ ધર્મ અધૂરો છે એમ કહેવડાવવામાં વધુ રસ છે. આપણી ફરજ છે કે આપણે ઇસ્લામ ધર્મને ખુલ્લા મનથી સમજીએ. ઇસ્લામ અધૂરો છે અને આપણો ધર્મ સંપૂર્ણ અને મહાન છે એવા ગુમાન સાથે નહીં.

આપણો ધર્મ પણ અધૂરો છે એવા ભાન સાથે ઇસ્લામને સમજવાની કોશિશ કરીએ. પ્રગતિશીલ મુસલમાનોના ધર્મસંકટને સમજીએ જે સમજાવવાનો મેં પ્રયાસ કર્યો હતો અને સૌથી મોટી વાત એ કે તેમને સલાહ સાથે મોકળાશ પણ આપીએ. છાતી પર ચડીને કસોટી ન કરાય. માણસાઈનો અને મૂળભૂત આધુનિક માનવીય મૂલ્યોની વાત આવે ત્યારે જરૂર પડ્યે ઇસ્લામની ઉપરવટ જઇને પણ માણસાઈ અને મૂલ્યોના પક્ષે ઊભા રહેવાની નાનકડી પહેલ પ્રગતિશીલ મુસલમાનોએ કરવી જોઈએ. ગાંધીજીની માફક. ધર્મની નિંદા કરવાની એમાં કોઈ જરૂર નથી. લલકારનારાઓ લલકાર્યા કરે.

જ્યાં દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે અને મુસલમાનોને દૃષ્ટિકોણ બદલવાની સલાહ આપવી જોઈએ એવો એક પ્રશ્ન વિશ્વ મુસ્લિમબંધુતા છે. વિશ્વભરના મુસલમાનોની એક બિરાદરી છે કારણ તેઓ પહેલા અને છેલ્લા મુસલમાન છે અને એ પછી તે બીજું કાંઈ પણ છે. અંગ્રેજીમાં આને પેન ઇસ્લામિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચુસ્ત મુસલમાન પોતાને ભારતીય મુસલમાન તરીકે નહીં પણ મુસ્લિમ ભારતીય તરીકે ઓળખાવે છે.

તે મુસ્લિમ છે એ મુખ્ય છે ભારતીય છે એ એક અકસ્માત છે. આ કલ્પના રોમહર્ષક છે કે મુસલમાનોની એક વૈશ્વિક બિરાદરી હોય અને સુખદુઃખમાં મુસલમાનો સાથે હોય. બીજા કેટલાક ચુસ્ત મુસલમાનો વૈશ્વિક મુસ્લિમબંધુતા સ્થાપવા માટે અલગ અલગ પરિવેશમાં ઉછરેલા મુસલમાનોને એક સરખા સંઘેડાઉતાર ઘડવાનો પ્રયાસ કરે છે. તેમણે તેમની સમજ મુજબ અને જરૂરિયાત મુજબ મુસલમાનની કલમ વિકસાવી છે અને પ્રયાસરત છે કે જગતભરના મુસલમાનો કલમ કરેલા વૃક્ષની માફક એક સરખા ઊગે અને વિકસે. તબલિગી જમાત અને બીજાં મુસ્લિમ સંગઠનો આને મિશન તરીકે જુએ છે. પણ આ કલ્પના અવ્યવહારુ છે અને જેતે દેશમાં રહેતા મુસલમાનો માટે અડચણરૂપ છે. આમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. વળી નુકસાન મુસલમાનોને વધુ થઈ રહ્યું છે.

Most Popular

To Top