National

અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ (New Delhi) સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ વધી ગયો છે. આજે એટલે કે શનિવારે સવારે જ્યારે લોકો અમૂલનું દૂધ ખરીદવા આવ્યા ત્યારે તેમને દૂધ બે રૂપિયા મોંઘુ મળ્યું. ત્યારબાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં ફુલ ક્રીમ દૂધ અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ફુલ ક્રીમ અને ગાયના દૂધના ભાવમાં માત્ર 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી રહ્યા છીએ. નવી કિંમતો 16 ઓક્ટોબર, 2022થી લાગુ થશે. તહેવારોની સિઝનમાં દૂધના ભાવ વધવાના કારણે લોકોના બજેટને ઘણી અસર થશે. પહેલા અમૂલ અને હવે મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

  • અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો
  • વધારેલા ભાવ સાથે નવી કિંમતો 16 ઓક્ટોબર, 2022થી લાગુ થશે
  • ઘાસચારાના ભાવને કારણે દૂધ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે

ઘાસચારાના ભાવને કારણે દૂધ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે
છેલ્લી વખત જ્યારે અમૂલે કિંમતોમાં વધારો કર્યો હતો ત્યારે તેણે ખર્ચમાં વધારો દર્શાવ્યો હતો. નોંધપાત્ર રીતે ઘાસચારાનો ફુગાવો હજુ પણ રેકોર્ડ સ્તરની નજીક છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા જથ્થાબંધ ફુગાવાના આંકડા પરથી આ સ્પષ્ટ થાય છે. જથ્થાબંધ ફુગાવાના આંકડા અનુસાર ઘાસચારાનો ફુગાવાનો દર 25 ટકાથી ઉપર છે. ઘાસચારાના ભાવને કારણે દૂધ ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે અને પશુપાલકોનો નફો ઘટી રહ્યો છે.

ઓગસ્ટમાં પણ દરમાં વધારો કરવામાં આવ્યો હતો
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ તેની ડેરી ઉત્પાદનોનું વેચાણ કરે છે. લોકપ્રિય દૂધ બ્રાન્ડ અમૂલ અને મધર ડેરીએ અગાઉ ઓગસ્ટમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. કિંમતોમાં આ વધારો ખર્ચમાં થયેલા વધારાની ભરપાઈ કરવા માટે કરવામાં આવ્યો હતો. અગાઉ માર્ચમાં દૂધના ભાવમાં વધારો થયો હતો. આજે ફરી ભાવમાં વધારો થયો છે. ભારતીય ઘરોમાં દૂધનો વ્યાપક ઉપયોગ થાય છે. જેથી ભાવમાં આ વધારો લોકોના બજેટને અસર કરશે.

અન્ય કંપનીઓ પણ કિંમત વધારી શકે છે
આજે સવારે જ્યારે લોકો દૂધ લેવા માટે બહાર આવ્યા ત્યારે અમૂલ દૂધના એક કિલોના પેકેટ પર 61 રૂપિયાને બદલે 63 રૂપિયા લખેલા જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. અમૂલે ફુલ ક્રીમ દૂધની કિંમત 61 રૂપિયાથી વધારીને 63 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે. જો કે દૂધના ભાવ વધારા અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. અમૂલ અને મધર ડેરી બાદ હવે અન્ય કંપનીઓ પણ આ તહેવારોની સિઝનમાં દૂધના ભાવમાં વધારો કરી શકે છે. જણાવી દઈએ કે આ અઠવાડિયે બે કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ અઠવાડિયે 11 ઓક્ટોબરે મેધા અને સુધા ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. આ બંને કંપનીનું દૂધ લીટર દીઠ રૂ.2 મોંઘુ થયું છે.

Most Popular

To Top