Business

ગુજરાતના ડિફેન્સ એક્સપોમાં 5500 કરોડના રોકાણની જાહેરાતની શક્યતા

ગાંધીનગર: આગામી સપ્તાહથી એટલે કે, 18 ઓક્ટોબરથી ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022 (Defence Expo 2022) યોજાવા જઇ રહ્યો છે. આ ડિફેન્સ એક્સપો 22મી સુધી યોજાશે. ભારતમાં યોજાનારા 12મા ડિફેન્સ એક્સપોનું ઇનોગ્રેશન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે કરવામાં આવશે.

આ અંગે ડિફેન્સ સેક્રેટરી અજય કુમારે જણાવ્યું હતું કે, આ એક્સપો દરમિયાન 33 મેમોરેન્ડમ ઉપર હસ્તાક્ષર થાય તેમ છે એટલું જ નહીં કુલ 5500 કરોડના રોકાણની જાહેરાત થશે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ એક્સપોમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ તેમનો સ્ટોલ રાખ્યો છે જેમાં જુદા જુદી કંપનીઓના પ્રોટક્ટની માહિતી આપવામાં આવશે. કે 9 વજ્ર જેનું ઉત્પાદન હજીરામાં એલ એન્ડ ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ વડોદરા નજીક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એરબસના વડોદરા ખાતેના ટાટાના યુનિટમાં પણ રોકાણની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ એક્સપો દરમિયાન જુદા જુદા દેશને ભારતના ડિફેન્સ ઉત્પાદનની ક્ષમતાની જાણકારી પણ આપવામાં આવશે. તેમજ જુદા જુદા 30 જેટલા સેમિનાર પણ આ એક્સોમાં યોજાશે. ઉપરાંત ઇન્ડિયા આફ્રિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે વાતચીત પણ થવાની શક્યતા છે.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા 18-22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન-DefExpo 2022ની 12મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. આ મેગા સંરક્ષણ પ્રદર્શન જમીન, હવાઈ, નૌકા અને હોમલેન્ડ સુરક્ષા પ્રણાલી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર, ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિગત પહેલ સાથે માને છે કે દેશમાં તેના ઘણા મિત્ર રાષ્ટ્રોને સંપૂર્ણ સંરક્ષણ સોલ્યુશન્સનો અગ્રણી સપ્લાયર બનવાની વિપુલ સંભાવના છે.ડિફેન્સ એક્સપો દરમિયાન નિકાસ, સંરક્ષણ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, સંરક્ષણ R&D અને ભવિષ્યવાદી ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા સહિતના વિવિધ વિષયો સેમિનાર મહાત્મા મંદિર ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. આ સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો, થિંક ટેન્ક, ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સર્વિસ હેડક્વાર્ટર (SHQs), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ગુણવત્તા ખાતરીના મહાનિર્દેશાલય (DGQA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકાર વગેરે દ્વારા આયોજિત કરવામાં આવશે.

આ સેમિનારોની થિમ વ્યાપકપણે નિકાસ, ફાઇનાન્સિંગ અને ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, એરોસ્પેસ ઉત્પાદન અને MROમાં MSMEની ઊભરતી ભૂમિકા, સંરક્ષણ R&Dમાં આત્મનિર્ભરતા, હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત ટેક્નોલોજી વગેરેને આવરી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત હવે ડિફેન્સ ક્ષેત્રમાં હરણફાળ ભરવાની તૈયારીમાં છે અને પોતાના ઉત્પાદનો દુનિયાના બીજા દેશમાં વેચવા માટેની તૈયારીમાં છે. તાજેતરમાં જ બે દેશોએ ભારતના લાઇટ કોમ્બેક્ટ એરક્રાફટ જે સંપૂર્ણ રીતે સ્વદેશી છે તેનો સોદો પણ ભારત સાથે કર્યો છે.

Most Popular

To Top