Editorial

જાહેર ગોદામોમાં ઘટી રહેલો અનાજનો જથ્થો ભારત માટે ચિંતાનું કારણ

એક તરફ દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર માસમાં મોંઘવારીનો દર છેલ્લા 105 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે તો બીજી તરફ દેશમાં એવી સ્થિતિ છે કે આગામી સમયમાં અનાજ ઘટી પડે તેમ છે. ભારતમાં હાલમાં અનાજનો સ્ટોક છેલ્લા 5 વર્ષના તળિયે પહોંચી ગયો છે. દેશના સરકારી ગોદામોમાં અનાજનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. તેમાં પણ ઘઉંનો સ્ટોક ઓછો છે. ઘઉંનો સ્ટોક ઓછો થતાં આગામી દિવસોમાં ઘઉં અને ઘઉંના લોટના ભાવમાં મોટો વધારો જોવા મળે તેવી સંભાવના છે. આ ઉપરાંત ચોખાના ભાવમાં પણ વધારો થાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

ખુદ ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આંકડાઓ જ બતાવી રહ્યા છે કે ગત તા.1લી ઓકટોબરના રોજ જાહેર વેરહાઉસમાં ઘઉં અને ચોખાનો લોટ 511.4 લાખ ટન હતો. એક વર્ષ પહેલા આ જ આંકડો 816 લાખ ટન હતો. આ સ્ટોક ઘટવાને કારણે સરકારે ઘઉં અને તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં પણ દેશમાં અનાજનો જથ્થો સતત ઘટી રહ્યો છે. સરકારી ગોદામોમાં સંઘરાયેલા અનાજના જથ્થાના આંકડા જોવામાં આવે તો તે હાલમાં તા.1લી ઓકટોબરના રોજ 227.5 લાખ ટન છે. જ્યારે દેશનો જે ન્યુનત્તમ બફર સ્ટોક રાખવાનો હોય તે 205.2 લાખ ટન છે. એટલે કે આ જથ્થો ન્યુનત્તમ જથ્થા કરતાં થોડો જ વધારે છે.

અગાઉ સપ્ટેમ્બર માસમાં ફુગાવો વધ્યો હતો પરંતુ તેમ છતાં પણ અનાજના સંગ્રહમાં ઘટાડો થઈ ગયો છે. ઘઉં અને લોટના વાર્ષિક રિટેલ ફુગાવાનો દર 17.41 ટકા છે. અગાઉ ઓગષ્ટમાં તે 15.72 ટકા હતા. જ્યારે જુલાઈમાં આ દર 11.73 ટકાનો હતો. જે રીતે અનાજના સંગ્રહમાં ઘટાડો થઈ રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં દેશમાં અનાજની અછત સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભારતને આમ તો કૃષિપ્રધાન દેશ તરીકે ગણવામાં આવે છે. તેમાં પણ ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારત અન્ય દેશોથી ક્યાંય આગળ છે છતાં પણ સ્ટોકમાં થઈ રહેલો ઘટાડો ચિંતાનું કારણ છે.

હાલમાં ચોમાસું ખુબ સારૂં ગયું છે. ચોમાસા બાદ પણ વરસાદ વરસી રહ્યો છે. સારા ચોમાસાને કારણે ઘઉં અને ચોખાના ઉત્પાદન વધવું જોઈએ અને તેનાથી તેના સ્ટોકમાં પણ મોટો વધારો થવો જોઈએ પરંતુ જે રીતે અનાજનો જથ્થો ઘટી રહ્યો છે તે મુદ્દે હવે સરકારે પણ આગેકદમ કરી તેના માટે જરૂરી પગલાઓ લેવા જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ટેકાના ભાવો વધારવાની જરૂરીયાત છે.

સાથે સાથે સરકારે મોટાપાયે ઘઉં અને ચોખાની પણ ખરીદી કરવી પડશે. સરકારે માત્ર ખરીદી જ નહીં પરંતુ સાથે સાથે અનાજને સાચવી શકાય તે માટે અદ્યતન સુવિધાયુક્ત ગોદામો પણ તૈયાર કરવા જોઈએ. ભારતની વસતી જોતાં અનાજની મોટાપાયે ખપત થવાની સાથે જરૂરીયાત પણ ઊભી થતી જ રહે છે. અનાજનો જથ્થો સરકાર પાસે હોય તો જ્યારે પણ દુકાળની સ્થિતિ હોય કે અનાજનું ઉત્પાદન ઓછું થાય તો તેવા સંજોગોમાં સરકાર અનાજ પુરૂં પાડી શકે છે. અનાજનો જથ્થો ઘટે તો તે ભારત જેવા દેશ માટે ચિંતાનું મોટું કારણ છે તે નક્કી છે.

Most Popular

To Top