સુરતઃ હજીરા (Hazira) ખાતે કેટલાંક ઔદ્યોગિક એકમો (Industrial Units) લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે ચેડાં કરી રહ્યાં છે. તેમ છતાં ભેદી મૌન રાખીને બેસેલું તંત્ર કોઈ કાર્યવાહી કરતી નથી. ઘાતક કેન્સર (Cancer) સહિતની બીમારીઓ ફેલાવે તેવા લોકોના નામો બહાર આવ્યા છે. આ એ જ લોકો છે, જે સરકારી જમીન પર કેમિકલયુક્ત પદાર્થ ફેંકી ખડકલો કરી રહ્યા છે. જેમની સામે સતત ફરિયાદો કરાતી આવી છે.હજીરા દામકા ખાતે રહેતા કમલેશભાઈ દ્વારા કલેક્ટર, કમિશનર, ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સહિતની તમામ કચેરીઓમાં અરજી કરીને મોરા અને દામકા ગામમાં આવેલી સરકારી જમીનો ઉપર કેટલાંક ઔદ્યોગિક એકમો અને કોન્ટ્રાક્ટરો ઝેરી કેમિકલ પદાર્થ ઠાલવી રહ્યા હોવાની અને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી આ બાબતે કોઈપણ પ્રકારનાં પગલાં લેવાયાં નથી.
લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલાં ઔદ્યોગિક એકમો
લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલાં ઔદ્યોગિક એકમો સામે કેમ ભેદી મૌન છે તે એક વિચાર માંગતો પ્રશ્ન છે. જે લોકો આ ઝેરી કેમિકલ ઠાલવે છે તેમાં તેમણે ગંભીર પ્રકારનો કેમિકલ પદાર્થ અને ડસ્ટ સરકારી જમીનો પર ગેરકાયદે રીતે વગર મંજૂરીએ ઠાલવી છે. તે જો લોકોના શ્વાસમાં જાય તો અતિગંભીર બીમારીઓ શરીરમાં ઘર કરી શકે છે. તથા કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો પણ શિકાર થઈ શકે છે. તેમ છતાં આ લોકો બેફામ રીતે સરકારી જમીન પર આ ઝેરી ડસ્ટ ફેંકી રહ્યા છે.
પ્રજાના પ્રતિનિધિ સરપંચ પણ કેન્સરના સોદાગરોના ખોળે
લોકોનાં સ્વાસ્થ્ય સાથે ઔદ્યોગિક એકમો તો ચેડાં કરે જ છે. પરંતુ પ્રજાના પ્રતિનિધિ જેઓને લોકો તેમની સમસ્યા દૂર કરવા માટે ચૂંટે છે તે પણ આ કેન્સરના સોદાગરોના ખોળે બેસીને લોકોનાં સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આક્ષેપો પ્રમાણે, મોરા ગામના સરપંચ ભરત જમુ પટેલ દ્વારા ગામમાં બનાવાયેલા હોલમાં પણ આ કેમિકલયુક્ત પુરાણનો ઉપયોગ કરાયો છે.
આ લોકો નાંખે છે કેમિકલયુક્ત પદાર્થ
(૧) જનક શાંતિલાલ પટેલ (જનક કન્સ્ટ્રક્શન)
(૨) સંજય ડાહ્યા પટેલ (માં શક્તિ ટ્રાન્સપોર્ટેશન)
(૩) આત્મારામ મોરસિંહ ચૌહાણ (જય અંબે સ્ક્રેપ તથા આરવ સ્ક્રેપ ટ્રેડર્સ)
(૪) ભાસ્કર ગનવાસ (શ્રી સાંઈ સ્ક્રેપ ટ્રેડર્સ)
(૫) ભરત જમુ પટેલ (મોરા ગામ, સરપંચ)