વાપી, પારડી : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ઉનાઈથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે ગુજરાત ગૌરવ યાત્રાના પ્રસ્થાન કરાવ્યા બાદ વલસાડ (Valsad) જિલ્લામાં પ્રવેશી હતી. યાત્રાનું વલસાડ, પારડી અને વાપી વિધાનસભા મતવિસ્તારમાં યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા પારડી (Pardi) ચાર રસ્તા બ્રિજ નીચે આવી પહોંચી હતી ત્યારે ફટાકડા ફોડી, આતશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા આવી પહોંચતા શહેર ભાજપ (BJP) પ્રમુખ રાજેશ પટેલ, ઉપપ્રમુખ નિલેશ ભંડારી, તાલુકા ભાજપ પ્રમુખ મહેશ દેસાઈ, પારડી નગર પાલિકા પ્રમુખ હસમુખ રાઠોડ, ભાજપના મહામંત્રી સાથે પાલિકાના ભાજપના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. ત્યાર બાદ આ યાત્રા વાપી તરફ રવાના થઈ ગઈ હતી. પારડી પોલીસ મથકના પીઆઇ મયુર પટેલના પોલીસ બંદોબસ્ત સાથે યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
વાપીમાં ભાજપના યુવા કાર્યકરોએ બાઈક રેલી કાઢીને સ્વાગત કર્યુ હતું. ગૌરવ યાત્રા વાપીના અંબામાતા મંદિરે પહોંચી હતી. જ્યાં દબાદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વાપીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરો તેમજ લોકોની ઉપસ્થિતિમાં રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ સભાને સંબોધન કર્યુ હતું. તેમણે કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારથી ગુજરાતનો નોંધપાત્ર વિકાસ થયો છે તેની વાત કરી હતી.
કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી. તેમણે પણ ભાજપ સરકારની ઉપલબ્ધીને દર્શાવીને વકતવ્ય આપ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, સાંસદ ડો. કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રભારી માધુભાઈ કથરીયાજી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ચૌધરી, યાત્રાના ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયા અને તેમની ટીમ, પારડી વિધાનસભાના પ્રભારી હેમંતભાઈ ટેલર, વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.