Charchapatra

પશુ મૃત્યુ માટે કોણ જવાબદાર? ટ્રેનોની સ્પિડ કે પશુપાલકોની બેજવાબદારી?

આ ઘટના અત્યંત આઘાતજનક છે કે અજમેર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે 21 ગાય અને 4 બચ્ચાં કપાઇ ગયાં. તે પહેલાં વંદે ભારત ટ્રેનમાં ભેંસ અને ગાય કપાયાં. વડાપ્રધાન મોદી આણંદની સભામાં મંગળવારે બોલ્યા કે હજુ તો સેમી હાઇસ્પીડ છે. હજુ પણ સુપરફાસ્ટ ટ્રેન આવશે. આવી ટ્રેન આવે તે આવકાર્ય છે પણ તેઓ ઢોરના માલિકોને જવાબદાર બનાવે. તેઓ પોતાના ઢોર સવાર થતાં મુકત રીતે છોડી દે છે. જો આમ જ હોય તો ઢોરો માણસ નહીં તો વાહનોની અડફેટે ચઢવાનાં જ. દરેક ઢોરના માલિક કોણ છે તે સ્પષ્ટ થવું જોઇએ અને કોઇ પણ પ્રકારના અકસ્માત વખતે તેમની પર સીધી અને આકરી કાર્યવાહી થવી જોઇએ.

હમણાં હાઇ કોર્ટે પૂછયું છે કે રખડતાં ઢોર માટે સરકારે કેટલા ઢોરવાડા બનાવ્યા? સરકાર જવાબ આપે. પશ્ચિમી દેશોમાં સુપરફાસ્ટ ટ્રેનો ચાલે છે પણ ત્યાં ઢોરના માલિકો ગમે ત્યાં ઢોર છોડતાં નથી. સુપરફાસ્ટ ટ્રેનો ચલાવતાં પહેલાં  ઢોરમાલિકોને જવાબદાર બનાવાશે નહીં તો આ રીતે નિર્દોષ પશુઓ મરતાં રહેશે. સુપરફાસ્ટ ટ્રેન ટેકનીકલી તો સફળ જશે, પણ આ પ્રકારના અકસ્માતો તેને નિષ્ફળ બનાવશે. ઉત્સાહી રેલવે તંત્ર અને સરકાર આ વિશે ગંભીર બને. પશુ મૃત્યુના જવાબદાર કોણ છે? સુપરફાસ્ટ ટ્રેનો કે પશુપાલકો?
સુરત     – એચ. આર. ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત ચોખ્ખાઈમાં બીજું પણ
હાલ સુરત શહેર ને સ્વચ્છતા બાબતે દેશમાં બીજો ક્રમ પ્રાપ્ત થયો છે તે બાબતે અભિનંદન આપતાં ચર્ચાપત્રો ‘ગુજરાતમિત્ર’ માં પ્રકાશિત થયાં તેમાં મહાનગરપાલિકાના ઘર ઘર કચરો ઉઘરાવનાર લોકોનો પણ સમાવેશ થયો. અહીં એક વાત ઉમેરવાની કે ભીનો અને સૂકો કચરો તેઓ જરૂર લે છે પણ વૃક્ષોનાં ખરેલાં પાંદડાં જેવો સેન્દ્રીય કચરો તેઓ લેતા નથી જેથી મોટી મોટી સંસ્થાઓ કે જેઓ અનેક વૃક્ષો સાથેનાં મોટાં મોટાં કમ્પાઉન્ડ ધરાવે છે તેઓએ આવો કચરો પોતે બાળી નાખવાની ફરજ પડે છે અને તે કામ પણ ઘણી વખત એકાએક શરૂ કરવામાં આવે છે, જેથી આસપાસનાં રહેવાસીઓ ગૂંગળામણ થાય છે. આ ચર્ચાપત્રી જે વિસ્તારમાં રહે છે ત્યાં મહાનગરપાલિકાનાં બાગ સહિત અનેક સમાજો અને સંસ્થાઓની આવી જગ્યાઓને કારણે આ પ્રવૃત્તિ વારંવાર થતી હોય છે.

તો મહાનગરપાલિકા આવો કચરો જો ફ્રી માં મળતો હોય તો તેને ભેગો કરીને કુદરતી ઓર્ગેનિક ખાતર બનાવી આવક ઊભી કરવાનું કેમ કરતી નથી  એવો પ્રશ્ન થયા વિના રહેતો નથી. હાલ તો વૃક્ષોથી પર્યાવરણ સુધારો અને તેમને કારણે ઉત્પન્ન થતો કચરો બાળી કે બળાવીને સાથે પર્યાવરણને બગાડો. જેટલાં વૃક્ષો વધારે તેટલો ધૂમાડો વધારે ! ફક્ત જમીન પરનો દેખાતો કચરો જ ધ્યાનમાં લેવાનો કે હવાનો કચરો પણ?
સુરત     – પિયુષ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top