ગાંધીનગર: રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) કચ્છના મુન્દ્રા બંદરેથી રૂ.17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ (માન્ચેસ્ટર)નું (Foreign brand cigarettes) કન્ટેનર જપ્ત કર્યું છે. રેવન્યુ ઈન્ટેલિજન્સને ગુપ્ત બાતમી મળી હતી કે, એક દાણચોરી સિન્ડિકેટ મુંદ્રા સી પોર્ટ દ્વારા ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. બાતમીના આધારે કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યું હતું. આ કન્ટેનરની તપાસમાં માન્ચેસ્ટર બ્રાન્ડની વિદેશી બ્રાન્ડની સિગારેટનાં 850 કાર્ટુન મળી આવ્યાં હતાં. દરેક કાર્ટુનમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. તદનુસાર રૂ.17 કરોડની કિંમતની કુલ 85,50,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટની સ્ટીક્સ જપ્ત કરવામાં આવી હતી. એટલું જ ગુનો દાખલ કરીને તપાસ ચાલુ છે.
આ ચાલુ નાણાકીય વર્ષમાં DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ ચોથું કન્સાઈમેન્ટ જપ્ત કરાયું છે, જેમાં અંદાજિત 100 કરોડની સિગારેટ જપ્ત કરાઈ છે. એપ્રિલ-2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર-2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની જપ્ત કરાઈ હતી.
બાર એન્ડ રેસ્ટોરન્ટને બદલે ગોડાઉનમાં મોટા પાયે ગેરકાયદે દારૂની સપ્લાય
દમણ : સંઘ પ્રદેશ દમણ એકસાઈઝ વિભાગની ટીમને ગુરૂવારે બપોરે એક ગુપ્ત રાહે બાતમી મળી કે, ડાભેલ કેવડી ફળિયામાં અમુક ગોડાઉનમાં ટેમ્પામાંથી અવૈધ રીતે દારૂનો જથ્થો ખાલી થઈ રહ્યો છે. જેથી એક ટીમ ઉપરોક્ત જગ્યા સ્થળ પર જતાં તપાસ કરતા એક પિકઅપ ટેમ્પો નંબર DD-03-M-9847માંથી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. જેથી ટીમે ટેમ્પો અને ગોડાઉન બે સ્થળેથી કુલ 6053 દારૂની બોટલો કબજે કરી હતી. આ બાબતે તપાસ કરતા આ સમગ્ર દારૂનો જથ્થો ગોલ્ડન બાર એન્ડ રેસ્ટોરન્ટ અને ગોન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ખાલી કરવાને બદલે ગેરકાયદે ગોડાઉનમાં ખાલી થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જે જોતા વિભાગની ટીમે બંને બાર એન્ડ રેસ્ટોરન્ટ પર પણ દરોડો પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
દમણની હોટલ રાજ પેલેસના રૂમમાં ડ્રગ્સ વેચતો શખ્સ પકડાયો
દમણ: સંઘ પ્રદેશ દમણ પોલીસે શહેરના મધ્યમાં આવેલી એક હોટલના રૂમમાં રહેતા શખ્સની ડ્રગ્સનું વેચાણ કરવાના ગુનામાં ધરપકડ કરી છે. 12 ઓક્ટોબરે પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી કે, નાની દમણની રાજ પેલેસના રૂમમાં રહેતો એક વ્યક્તિ રૂમમાંથી કેફી પદાર્થ વેચી રહ્યો છે. જેથી પોલીસની એક ટીમે હોટલ પર જઈ છાપો માર્યો હતો અને હોટલના રૂમમાં રહેતા શખ્સની અટક કરી ત્યાં તપાસ કરતાં પોલીસને 2 નાની નાની બેગમાંથી સફેદ કલરનો પાવડર મળ્યો હતો આ સાથે એક નાનું વજનકાંટા મશીન અને 2 મોબાઈલ ફોન મળ્યા હતા. પોલીસે આ મામલે તાત્કાલિક વલસાડ એફ.એસ.એલ.ની ટીમને બોલાવતા ટીમે જપ્ત કરાયેલા પાવડરની એક થેલીની તપાસ કરતા તેમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. જ્યાં પોલીસને એક થેલીમાંથી 190.36 ગ્રામ ડ્રગ્સ અને બીજી થેલીમાંથી સાધારણ પાવડર મળ્યો હતો. જે જોતાં પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ્ની વિવિધ કલમો હેઠળ રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા 37 વર્ષીય આરોપી ગણપતલાલ મોહનલાલ માલીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 18 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.