અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ફરી એક વખત વિવાદ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈકને કોઈ કારણોસર વિવાદ ચાલ્યા કરતો હોય છે, તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) લેવામાં આવી રહેલી પરીક્ષાઓમાં (Exam) બીબીએ (BBA) સેમેસ્ટર- 5 અને બીકોમ (B.Com) સેમેસ્ટર-5ની પરીક્ષાનું પેપર (Paper) લીક થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે બીકોમ સેમ-5 અને બીબીએ સેમ-5ની પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ પરીક્ષાની રાત્રે જ પેપર લીક થઈ જતાં સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. આ મામલે યુનિવર્સિટી દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીકકાંડ મામલે બીકોમ સેમ- 5ની પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવ્યો છે. જ્યારે બીબીએની પરીક્ષાનુ પેપર રાત્રે જ બદલી કાઢી આજે રાબેતા મુજબ પરીક્ષા લેવાઈ હતી.
પેપર લીકકાંડ મામલે પોલીસે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીની પૂછપરછ પણ હાથ ધરી હતી. બીજી તરફ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે હવેથી તમામ પરીક્ષાઓમાં ક્યુઆર કોડ સાથેનો પેપર કાઢવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ હવેથી પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડ કોપીમાં મોકલવામાં નહીં આવે. તમામ કોલેજોને સોફ્ટ કોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે. તેવો નિર્ણય પણ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રશ્નપત્ર લીકકાંડ મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટી સત્તાવાળા વિરુદ્ધ ભારે સૂત્રચાર કર્યો હતો.