દેલાડ: ઓલપાડના (Aulpad) સાયણ ટાઉનની પરપ્રાંતિ વસતી ધરાવતી એક સોસાયટીમાં રહેતા શંકર ઉડિયા સહિત ત્રણ શખ્સોએ એક બિહારી (Bihari) શ્રમજીવી ઉપર તલવારથી હુમલો (Attack) કરી તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો. જેના પગલે પોલીસે (Police) ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો વતની ચંદન ગણેશ ચૌધરી હાલમાં ઓલપાડના સાયણ ટાઉનની આદર્શનગર સોસાયટીની ગલી નં-૩, CNG પંપની સામે મિથીલેશ રામનારાયણ આહીરની રૂમ નં-૨૦માં ભાડેથી રહી મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેના બિલ્ડિંગની ઉપરના રૂમ નં-૨૫માં રહેતો શંકર ઉડિયા બીજા એક ઇસમ સાથે ઊભો રહી વાતો કરી રહ્યો હતો, ત્યારે ચંદન ચૌધરી તેઓની વાત સાંભળવા ત્યાં ઊભો રહ્યો હતો.
તલવારનો ઘા મારવાથી હાથની નસ કપાઇ ઈજા થઈ હતી
શંકરે તેને કહ્યું હતું કે, તું અમારી વાત સાંભળવા અહીં કેમ ઊભો છે? જેથી બંને વચ્ચે ઝઘડો થયા બાદ બબાલ મચી હતી. આ સમયે શંકરે એકદમ ગુસ્સે થઈ રૂમમાંથી તલવાર લાવી તેના ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં શંકર ઉડિયા સાથે અન્ય ત્રણ શખ્સ પણ જોડાતાં ચંદન ચૌધરીને ડાબા હાથમાં ફેક્ચર તથા તલવારનો ઘા મારવાથી હાથની નસ કપાઇ જવા સાથે જમણી આંખ નીચે ઈજા થઈ હતી. જેથી ચંદનને સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે ચંદનને ડાબા હાથમાં ફેક્ચર જણાતાં ઓપરેશન કર્યું હતું.
બુધવારે મોડી રાત્રે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી
તમામ આરોપીઓ બબાલ મચાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બાબતે ઇજાગ્રસ્ત ચંદન ચૌધરીના પિતરાઈ ભાઈ અમોદ ઇન્દ્રદેવે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી બુધવારે મોડી રાત્રે ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે શંકર ઉડિયા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પોલીસમથકના પીએસઆઇ ચૌહાણ કરી રહ્યા છે.
બારડોલીના મોતામાં રસ્તામાં બેસેલા યુવકની ખુરશીને મોપેડ અડી જતાં મારામારી
બારડોલી: બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી મધુવન રેસિડેન્સીમાં રોડ પર ખુરશી લઈને બેસેલા યુવકો પૈકી એક યુવકની ખુરશી સાથે રોડ પરથી પસાર થતી મોપેડ અડી જતાં વિવાદ સર્જાયો હતો. ખુરશી પર બેસેલા યુવકો અને મોપેડચાલક વચ્ચે બોલાચાલી ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચતાં મામલો બારડોલી ગ્રામ્ય પોલીસમથકે પહોંચ્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલી તાલુકાના મોતા ગામ આવેલી મધુવન રેસિડેન્સીમાં રહેતો અનિલ વસંત પાટીલ બુધવારે રાત્રે દશેક વાગ્યે પોતાની સોસાયટીમાંથી મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે ગેટથી અંદર આવતા સોસાયટીના કેટલાક રહીશો ખુરશી લગાવીને બેઠા હતા. એ સમયે તેની મોપેડ એક ખુરશીને અડી ગઈ હતી. આથી અનિલ અને ખુરશી પર બેઠેલા યુવકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. મામલો બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં પહોંચતાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.