વડોદરા : ગુજરાતની મલખંભ ટીમના સદસ્ય અને 36મી નેશનલ ગેમ્સના સૌથી ઓછી વયના રમતવીર શૌર્યજીત ખૈરે ગુજરાત માટે કાંસ્ય પદક જીતીને અનોખું શૌર્ય બતાવ્યું છે. આ નાના ખેલવીર માટે એના પિતા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હતા અને અંગ કસરતની આ રમતમાં એમની પ્રેરણા થી જ આ અદભુત બાળક પ્રવેશ્યો હતો.એમનું આ રાષ્ટ્રીય સ્પર્ધા પૂર્વે જ નિધન થવા છતાં, પિતૃ શોકની અપાર વેદનાને વળોટીને એણે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કાંસ્ય પદક જીતી પોતાના રાજ્યને, વડોદરાને ગૌરવ અપાવવાની સાથે તેના સ્વર્ગવાસી પિતાના ચરણોમાં પદક મૂકી પિતૃ તર્પણ કર્યું હતું.
36 નેશનલ ગેમ્સમાં ગુજરાત માટે કાંસ્ય ચંદ્રક જીતવાનું શૌર્ય બતાવનાર શૌર્યજીત ખૈરેની આ સિદ્ધિને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ માત્ર બિરદાવી નહીં પણ મેડલ વીનર મેચનો વિડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી તેનો હોંસ્લો વધાર્યો હતો. ગુજરાતની છોકરા અને છોકરીઓની મલખંભ ટીમ બહુધા વડોદરાના ખેલાડીઓની બનેલી હતી અને શહેરની સદીથી વધુ જૂની નામાંકીત પ્રો.માણેકરાવ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં તેમને સ્પર્ધા પહેલાંનું પ્રશિક્ષણ અપાયું હતું. શૌર્યએ પોલ મલખંભની એપાર્ટસ ઇવેન્ટમાં ચંદ્રક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં ગુજરાતના છોકરા અને છોકરીઓની ટીમે ટીમ,વ્યક્તિગત અને એપાર્ટસ ઇવેન્ટમાં હરીફાઈ કરી હતી.રાજ્યની ટીમના તમામ 12 ખેલાડીઓ વડોદરાના હતા. સ્પર્ધામાં ગર્લ્સ ટીમ 5માં સ્થાને અને બોયઝ ટીમ 6ઠ્ઠા સ્થાને રહી.
ગર્લ્સ ટીમની નેત્રા બારોટે જણાવ્યું કે સ્પર્ધામાં અમે અમારા થી વરિષ્ઠ અને પીઢ ખેલાડીઓનો મુકાબલો કર્યો. અમે ભલે જીત્યા નથી પણ કેવી રીતે જીતાય એના કૌશલ્યો શીખ્યા છે. ગઈકાલે પાછી ફરેલી ટીમના સદસ્યો અને ચંદ્રક વિજેતા શૌર્યને ખુલ્લી જીપમાં સન્માન શોભાયાત્રા કાઢીને વધાવ્યા હતા. શૌર્યની સિદ્ધિને કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પણ સોશિયલ મીડિયા પર બિરદાવી હતી.જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે શૌર્યજીત ખૈરેનું અધિકારી દ્વારા બહુમાન સાથે પુષ્પગુચ્છ આપી અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
આત્મ વિશ્વાસે મને પીઠબળ આપ્યુ
હરીફાઈ જો કે ખૂબ તીવ્ર હતી.પરંતુ મારા આત્મ વિશ્વાસે મને પીઠબળ આપ્યું અને ચંદ્રક વિજેતા બનાવ્યો. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી એ મારી શક્તિઓમાં અટલ વિશ્વાસ મૂક્યો, દરેક સ્પર્ધામાં મારી સાથે રહ્યાં,એ માટે હું એમનો દિલથી ઋણી છું. મારા કોચ જીત સપકાલ અને તાલીમ સંસ્થા જુમ્માદાદા વ્યાયામ મંદિરનું પીઠબળ મારી મૂડી બની રહ્યું : શૌર્યજીત ખૈરે, કાંસ્ય ચંદ્રક