ખેરગામ : વાંસદા (Vansda) અને ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) ઉપર ખેરગામમાં હુમલાની (Attack) ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઘેરા પત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસ (Congress) સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કાયદો અને સલામતી મુદ્દે ફરી એકવાર પોલીસ (Police) નિશાને ચઢી છે. આ ઘટનાના 72 કલાક બાદ પણ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર સહિતના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર ભરવાડ અને આહીર સમાજ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે અને એક વિડીયો પણ ફરતો થયો છે.
ધારાસભ્ય અનંત પટેલ પર ગત 6 ઓક્ટોબરે ખેરગામમાં ‘બહુ આદિવાસી નેતા બનીને ફરે છે’ કહી નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીર, ચેતન પટેલ, દિનેશ પટેલ, રીન્કુ આહીર અને અંકિત આહીરે માર માર્યો હતો. આ બનાવમાં મુખ્ય છ આરોપી સહિત 40થી 45ના ટોળા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટોળા પૈકીના એક ખેરગામના જ નેતા બનીને ફરતા અને વિવાદમાં રહેવા ટેવાયેલા ઈસમે લાડ દંપતીને ઘરમાં ઘૂસીને અદાવતનો લાભ લઈ માર માર્યો હતો. જો કે, આ બનાવના 72 કલાક બાદ પણ ભીખુ આહીર સહિતના આરોપીઓની હજુ સુધી ધરપકડ થઈ નથી. જેને કારણે આદિવાસી સમાજમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે.
ખેરગામમાં પરિસ્થિતિ થાળે પડતી હોય એવું લાગી રહ્યું નથી
બીજી તરફ આ ઘટના બાદ આહીર અને આદિવાસી સમાજ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર પણ વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે, જેમાં તાજ, ધજા અને બાવડા દેખાડતા આહીર પાવરના લખાણ સામે આદિવાસી પાવર દેખાડવાનો પ્રયાસ કરાયો હતો. આહીર પાવરના વિડીયોમાં ‘મારો એકલો પણ…ભલે એકલો પણ એકલો’ ગીત સાથે કેટલાક આહીર સમાજના લોકોનું ટોળું દેખાતું હતું. તો બીજી તરફ આદિવાસી સમાજના વિશાળ સમુદાય સાથે ફરતા થયેલા વિડીયો એડિટિંગમાં ડાયલોગ બાજી જોવા મળી હતી, જેમાં ફિલ્મી ડાયલોગનો ઉલ્લેખ હતો. આ ડાયલોગમાં દર્શાવાયું હતું કે, રૂકો જરા સબર કરો, એ ક્યા બોલા તું, અપન કા પત્તા કાટેગા, રાપચીક ડાયલોગ. મજા આ ગયા ઔર સુન, ગલતી સે તું બહાર મત આના, સેફ રહેગા. ત્યારે હજુ પણ ખેરગામમાં પરિસ્થિતિ થાળે પડતી હોય એવું લાગી રહ્યું નથી.