Entertainment

શિખર ધવન ફિલ્મ ‘ડબલ એક્સએલ’થી બોલિવુડમાં કરશે ડેબ્યુ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ (Indian Cricketer) ટીમના ઓપનર શિખર ધવન (Shikhar Dhavan) બોલિવૂડમાં ડેબ્યૂ (Bollywood Debut) કરવા માટે તૈયાર છે. તે અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) અને સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) સાથે ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં (Double Xl) જોવા મળશે. આ વાતનો ખુલાસો હુમા કુરેશીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને કર્યો છે. ધવન સોશિયલ મીડિયા પર ફની વીડિયો શેર કરીને હંમેશા ચર્ચામાં રહે છે. તે રીલ્સ બનાવવામાં પણ એક્સપર્ટ છે.

‘ડબલ એક્સએલ’ ફિલ્મ ટૂ પ્લસ સાઈઝ મહિલાઓની વાર્તા છે. તે કેવી રીતે પોતાનું સપનું પૂરું કરવાનો પ્રયાસ કરે છે, તે જ આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ‘ડબલ એક્સએલ’નું નિર્દેશન સતરામ રામાણીએ કર્યું છે. આ ફિલ્મ વધુ વજન ધરાવતી મહિલાઓ વિશે જણાવવા જઈ રહી છે. શિખર ધવન આમાં મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે નહીં. આ ફિલ્મમાં તેનો કેમિયો છે.

આ ફિલ્મ 14 ઓક્ટોબરે આવશે
ભારત અને યુકેમાં શૂટ કરાયેલ, ‘ડબલ એક્સએલ’ ટૂ પ્લસ-સાઈઝ મહિલાઓની વાર્તા કહે છે. એક મહિલા ઉત્તર પ્રદેશની છે, બીજી શહેરી નવી દિલ્હીની છે અને બંને એવા સમાજની છે જ્યાં સ્ત્રીની સુંદરતા અથવા આકર્ષણ તેના કદને આભારી છે. ‘ડબલ એક્સએલ’ 14 ઓક્ટોબર, 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે.

અભિનેત્રીઓએ 15-20 કિલો વજન વધાર્યું
‘ડબલ એક્સએલ’ને ગુલશન કુમાર, ટી-સિરીઝ, વાકાઓ ફિલ્મસ અને મુદસ્સર અઝીઝ દ્વારા ટી-સિરીઝ ફિલ્મસ સાથે મળીને રજૂ કરવામાં આવી છે. તે વાકાઓ ફિલ્મસ, એલેમેન3 એન્ટરટેન્મેટ અને રિક્લાઈનિંગ સીટ્સ સિનેમા પ્રોડક્શનની માલિકીની છે. સોનાક્ષી સિંહા અને હુમા કુરેશીએ આ ફિલ્મમાં તેમના પાત્રને સારી રીતે ભજવવા માટે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીઓનું વજન 15 થી 20 કિલો વધી ગયું છે.

ધવન દક્ષિણ આફ્રિકા સામે રમી રહ્યો છે
ધવન હાલ ટીમ ઈન્ડિયા સાથે છે. તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી રમી રહેલી ટીમનો કેપ્ટન છે. તેની પાસે ઘણા મોટા ખેલાડીઓ નથી. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, ઋષભ પંત જેવા સ્ટાર્સથી સજ્જ ટીમ ઓસ્ટ્રેલિયામાં છે. તે ત્યાં T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે. ધવનની ટીમમાં સંજુ સેમસન, શ્રેયસ અય્યર, ઈશાન કિશન જેવા યુવા ખેલાડીઓ છે.

ધવનનો રેકોર્ડ
ધવનની વાત કરીએ તો તેણે ભારત માટે 34 ટેસ્ટ મેચમાં 2315 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 40.61 રહી છે. ધવનના નામે ટેસ્ટમાં સાત સદી અને પાંચ અડધી સદી છે. તેણે વનડેમાં 161 મેચ રમી છે. આ દરમિયાન 45.33ની એવરેજથી 6664 રન બનાવ્યા છે. તેના નામે 17 સદી અને 38 અડધી સદી છે. 68 ટી-20માં શિખરે 27.92ની એવરેજ અને 126.33ની સ્ટ્રાઈક રેટથી 1759 રન બનાવ્યા છે.

Most Popular

To Top