વર્તમાન સરકારે સત્તા પર આવ્યા પછી કેટલાંક કામો જરૂર કર્યાં છે. છતાં આમજનતાને મૂંઝવતાં મોંઘવારી, બેકારી, કુપોષણ, માઝા મૂકી રહેલા ભ્રષ્ટાચાર, બહેનોની છેડતી, બળાત્કાર, અત્યાચાર, હત્યાઓ પર કાનૂની કાર્યવાહી કરવા છતાં સહેજેય કમી આવી નથી. શક્ય છે કે પહેલાં કરતાં બધાં જ ગુનાઓ વધ્યા છે. ઉપરથી અન્ય ધાર્મિક સધાર્મિક સવાલો વકરતાં જાય છે. પ્રજાને પડતા સવાલો પર સરકારનો કશો જ અંકુશ રહ્યો નથી. સરકાર આમ જનતાની નહીં, સાધનસંપન્ન પ્રજાની હોય એવી પ્રતીતિ થઈ રહી છે. ધાર્મિક સ્થાનોના વૈભવ, ધોરીમાર્ગો, રાષ્ટ્રીય ઈમારતો, બુલેટ ટ્રેનો અતિ ખર્ચાળ નેતાઓનાં સ્મારકો પાછળ અબજો રૂપિયા ખર્ચી રહી છે. આમ જનતા માટે મનોરંજન પણ રહ્યું નથી. સામાજિક, આર્થિક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ચૂકી છે. સરકારે તમાશાના તાયફા છોડી આવશ્યક કામગીરી પર ધ્યાન આપવું અતિ જરૂરી છે, નહીં તો પતન હાથવેંતમાં છે.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
આસપાસ ચોપાસ
‘ગુજરાતમિત્ર’ની ખૂબી એ જ છે કે અજાણ પ્રદેશોની તસવીર સામે તે ગામના પ્રાકૃતિક સૌંદર્ય સંચાલકો, પ્રગતિની વિગતો વાચકોને વર્ષોથી પીરસે છે. આસપાસ ચોપાસ મથાળા હેઠળ કેટલાંય ગામડાંઓનો પરિચય કરાવ્યો. આદિવાસી વિસ્તારો પર વિશિષ્ટ નોંધ રજૂ કરી. તા. 4થી ઓક્ટોબર નવસારી હાઇ વે પર આવેલું પ્રેમ, પ્રગતિ, પુરુષાર્થ, સહકાર અને શાંતિવાળા ગામ ભૂલાફિળયાની વાતો વાંચી રૂંવાડાં ખડાં થઇ ગયાં. પ્રત્યેક ગામોની સિધ્ધિ અને સમસ્યાની ચર્ચા વાચકને પ્રફુલ્લિત કરે છે વિભાગ.
સુરત – કુમુદભાઇ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.