સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વીફ્ટ કારની ચોરીના વધતા બનાવો સામે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન માત્ર સ્વીફ્ટ કારની (Swift car) ચોરી (Stealing) કરતી ગેંગના બે સાગરીતોને પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા.
સુરત શહેરમાં છેલ્લા બે માસથી અલગ-અલગ સ્થળેથી માત્ર મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ વીડીઆઈ તેમજ ડીઝાયર મોડલની ફોરવ્હીલ કારની ચોરીના બનાવો બન્યા હતા. જેથી આ ફોરવ્હીલ કારની ચોરી કરનાર ગેંગને પકડી પાડવા પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાંચને સૂચના આપી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે પોતાના ચક્રો ગતિમાન કરતા વાહનસ્કોર્ડ ટીમના માણસોને રાંદેર વિસ્તારના માધવચોક સર્કલ રામનગર તરફ જવાના રોડ ઉપર આ ગેંગના આરોપી જવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે નાકાબંધી કરી ક્રાઈમ બ્રાંચની ટીમે આંતરરાજ્ય ગેંગના બે સાગરીતો અનિલ ઉર્ફે છોટુ મોતિલાલ ગાયરી તથા અયુબઅલી ઉર્ફે ગુડ્ડ ઈલેક્ટ્રીશ્યન ઉર્ફે ગુડ્ડમિકેનિક માસુમઅલી શેખને ચોરીની સ્વીફ્ટ વીડીઆઈ કાર (GJ-19-AA-4750) સાથે પકડી પાડ્યા હતા.
આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ચોરી કરેલી ૩ ફોરવ્હીલ કાર જે અન્ય જ્ગ્યાએ છુપાવી રાખી હોવાની કબૂલાત કરી હતી. આ કાર પોલીસે કબજે લીધી હતી. આ સિવાય આરોપીઓએ સુરતમાંથી 14 કારની ચોરી કરી હતી. આરોપીઓ વર્ષ 2015-16 ના મોડલની ચોરી જ કરતા હતા. અને તેમના દ્વારા મોટા ભાગની ચોરી સુરત શહેર અને મુંબઈમાં કરવામાં આવી છે. શહેરમાં અડાજણ પોલીસમાં 3, રાંદેરમાં 4, પૂણામાં 2, સરથાણામાં 3, ઉમરામાં 1, લિંબાયતમાં 1 અને મહારાષ્ટ્રના નાશિકમાં એક ફરિયાદ નોંધાઈ હતી.
કારના લોક ખોલવા લુધિયાણાના ડીલર પાસે ઓનલાઈન સંપર્ક કરી પીસીએમ મશીન ખરીધ્યું
ગુડ્ડુ ખૂબ જ શાતીર આરોપી છે. ટેક્નિકલી ગાડી ચોરવા પાછળ તેનું માસ્ટર માઈન્ડ કામ કરી રહ્યું હતું. ગુડ્ડુની ચોરી કરવાની ટેક્નિક જોઈને ખુદ ક્રાઈમ બ્રાન્ચ પણ અવાક થઈ ગઈ હતી. ગુડુ દ્વારા લુધિયાણાના એક ડીલર સાથે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. જેની પાસેથી પીસીએમ મશીન ખરીદ્યું હતું. આ મશીનની મદદથી લોક કરેલી ગાડીઓને ખુબ સરળતાથી તેઓ ચોરી કરી શકતા હતા. લુધિયાણા સુધી તાર જોડાયેલા હોવાની વાત મળતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.
ચોરીની કાર પર નંબર પ્લેટ પણ બદલી નાખી હતી, બીજી 12 નંબર પ્લેટ મળી
ક્રાઈમ બ્રાંચે આ ગેંગના બંને સાગરીતોને પકડી પાડતા તેમની પાસેથી કુલ 17.40 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. જેમાં રાંદેર પોલીસની હદમાંથી ચોરી થયેલી સ્વીફ્ટ વીડીઆઈ મળી આવી હતી. આ કારનો નંબર જીજે-05-જેજે-5766 હતો. જેની જગ્યાએ નકલી નંબર પ્લેટ જીજે-19-એએ-4750 લગાવીને ફરતા હતા. આ સિવાય રાંદેર, લિંબાયતમાંથી ચોરી કરેલી સ્વીફ્ટ કાર અને સરથાણામાંથી ચોરી કરેલી ઇકો કાર પણ કબજે લીધી હતી. આ સિવાય ઓટો ડાયગ્નોસ્ટીક ટુલ કિ.પ્રોગ્રામ ટેબલેટ, એન્જીન કંટ્રોલર ઈસીએમ, બોલેરો કાર, ચોરી કરવા ઈસીએમ, ગુજરાત, મધ્યપ્રદેશ અને યુપીના રજીસ્ટ્રેશનવાળી કારની 12 નંબર પ્લેટ, કારની 32 ડુપ્લિકેટ ચાવીઓ, 2 સુપર ચીપ, પકડ, કટર, કાનસ, બેટરી સહિતના સાધનો કબજે લેવાયા હતા.
કાર ચોરી કરવાની તરકીબ જોઈ ક્રાઈમ બ્રાંચ પણ ચોંકી ગઈ
પકડાયેલા બંન્ને આરોપીઓ તથા તેની ગેંગના અન્ય સભ્ય સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં રાતના સમયે સોસાયટીની તથા બંગલાની બહાર રોડ ઉપર પાર્ક કરેલી સ્વીફ્ટ કારોની ચોરી કરવા કારના ડ્રાઇવર સીટની આગળના ટાયર પાસે હાથ નાખી હોર્નના વાયર છુટા કરતા હતા. એલન કી વડે દરવાજાનુ લોક ખોલી, કારનો દરવાજો ખોલી ઈલેક્ટ્રોનિક્સ મશીન (X-Tool) Auto Diagnostic Tool કિ કોડીંગ મશીન તથા Engine Control (ECM) ની મદદથી કાર ચાલુ કરતા હતા. અને કારમાંથી GPS તથા ફાસ્ટ ટેગ હટાવી કાર ચોરી કરી શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા હતા. ત્યારબાદ ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા.