ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસીમાં (GIDC) ચોરો એક ગોડાઉનની કંપાઉન્ડ વોલ કૂદી અલગ-અલગ કંપનીની રૂ.55,500ની કિંમતની જૂની 20 બેટરી (Battery) ચોરી ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો બન્યો હતો.મૂળ વીજાપુરડા, બેચરાજી, જિ.મહેસાણા અને હાલ અંકલેશ્વર જીઆઈડીસી નજીકના પાર્ટી પ્લોટ પાસે રહેતા હર્ષદ નરોત્તમ પટેલ જનરેટર લે-વેચનો ધંધો કરે છે. તેમની દુકાન તથા ગોડાઉન (Godown) અંકલેશ્વર જીઆઇડીસીની યુપીએલ-1ની બાજુમાં પ્લોટ 120-121 પર આવેલાં છે. હર્ષદકુમાર નવરાત્રિ તહેવાર અર્થે પોતાના કુટુંબ સાથે વતમાં ગયેલ હતા ત્યાંથી તા.5 ઓક્ટોબરે આવી ગયા બાદ બીજા દિવસે પોતાની દુકાન/ગોડાઉનમાં કામકાજ કરવા લાગ્યાં હતાં.
ચાર જેટલા ઈસમો બેટરી ગોડાઉનમાંથી દીવાલ કૂદીને લઇ જતા જણાયા
દરમિયાન તેમને પોતાના ગોડાઉનમાંથી કેટલોક સામાન ઓછો થયો હોવાનો શક પડ્યો હતો. જેથી ધ્યાનથી તપાસ કરતાં ગોડાઉનમાંથી રૂ.2500થી લઈ 3500ની કિંમતની અલગ-અલગ કંપનીની કુલ 20 નંગ જેટલી જૂની બેટરીઓ ગાયબ થઈ હોવાનું જણાયું હતું. ગોડાઉનમાંથી જનરેટરની બેટરીઓ ચોરી થઈ હોવાનું લાગતાં તેમણે ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચેક કરતાં તા.5/10/2022ના રોજ રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ચાર જેટલા ઈસમો તેમની કમ્પાઉન્ડની દીવાલ કૂદીને અંદર પ્રવેશી વારા ફરતી વીસ બેટરી ગોડાઉનમાંથી દીવાલ કૂદીને લઇ જતા જણાયા હતા. જેથી હર્ષદભાઈએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ 5 ઓગસ્ટે રૂ.55,500ની કિંમતની કુલ 20 નંગ બેટરી તેમના ગોડાઉનમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો અંકલેશ્વરમાં શહેર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.