Columns

ચિત્રા નક્ષત્રવાળાં જાતક કોઈ પણ કામમાં સંઘર્ષથી આગળ વધવા પ્રયત્ન કરે

ભૂમંડળનું 14 મું નક્ષત્ર  ચિત્રા નક્ષત્ર છે. આ નક્ષત્રના પહેલા બે ચરણ કન્યા રાશિમાં જેના રાશિ સ્વામી બુધ છે અને પાછળના બે ચરણ તુલા રાશિમાં હોય છે જેના રાશિ સ્વામી શુક્ર છે. નક્ષત્રપતિ મંગળ છે. યોની વ્યાઘ્ર છે. નક્ષત્રના દેવ વિશ્વકર્મા છે. આ મૃદુ નક્ષત્ર છે. આ નક્ષત્રની ઘણી કથા બહુ પ્રચલિત છે તેમાંની બે ટૂંકમાં જોઈશું.
(૧) કચ ને દેવ્યાની
પુરાણોમાં કચ દેવ્યાનીની વાત બહુ જાણીતી છે. દેવ્યાની શુક્રાચાર્યની પુત્રી હતી અને કચ બ્રહસ્પતિના પુત્ર હતા. જ્યારે દેવદાનવનું યુદ્ધ થતું ત્યારે દાનવોની જીત થતી હતી, કારણકે દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યાની જાણકારી હતી. દેવના ગુરુ બ્રહસ્પતિએ પોતાના પુત્ર કચને શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શીખવા માટે મોકલ્યો. દેવયાની કચથી પ્રભાવિત થઈ હતી અને એની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી. કચને દેવયાની સાથે લગ્ન કરવાનો વિચાર ન હતો.

કચ જ્યારે વિદ્યા શીખીને પોતાને ઘરે જવા માટે શુક્રાચાર્ય પાસે આજ્ઞા લેવા ગયા ત્યારે દેવ્યાનીએ પોતાના મનની વાત કરી અને લગ્ન કરી સાથે લઈ જવા માટે વિનંતી કરી. જ્યારે કચે આ વાતનો વિરોધ કર્યો તો દેવ્યાનીએ પોતાના આશ્રમની આજુબાજુ સાત પર્વતો ઊભા કર્યા જેથી કચ જઈ ન શકે. બહુ દિવસ થયા કચ ઘરે ન આવ્યો તો બ્રહસ્પતિને ચિંતા થઈ. એમણે જ્યારે ધ્યાનમાં બેસી જોયું કે કચ આશ્રમમાંથી નીકળી શકે એમ નથી એટલે બ્રહસ્પતિએ વિષ્ણુની આરાધના કરી. વિષ્ણુ ભગવાન બ્રહસ્પતિ પર પ્રસન્ન થયા અને  એમણે પોતાના રથમાં બ્રહસ્પતિને બેસાડ્યા. શુક્રાચાર્યના આશ્રમમાં આવ્યા અને કચને ત્યાંથી લઈ આવ્યા.

(૨) વિશ્વકર્મા અને ચિત્રાંગના
વિશ્વકર્માની એક કથા વામનપુરાણમાં આવે છે.વિશ્વકર્માની એક દીકરી સંજનાના લગ્ન સૂર્યદેવ સાથે થયા હતા. વિશ્વકર્માની બીજી દીકરીનું નામ ચિત્રાંગના હતું. ચિત્રાંગના એક દિવસ નદીમાં સ્નાન કરતી હતી, ત્યારે એણે રાજકુમાર સુરરાર્થને જોયા. ચિત્રાંગના રાજકુમારના પ્રેમમાં પડી અને એ લોકોએ ગંધર્વ વિવાહ કર્યા. વિશ્વકર્માને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ક્રોધિત થઈને એમણે ચિત્રાંગનાને શાપ આપ્યો કે તારા કોઈ સાથે લગ્ન થશે નહીં. આ સાંભળી ચિત્રાંગના નિરાશ થઈ અને સરસ્વતી નદીમાં કૂદી ગઈ. ચિત્રાંગના નદીમાં તણાતા એક આશ્રમ પાસે આવી. એ આશ્રમ ઋત્વાજ ઋષિનો હતો. ચિત્રાંગનાએ જ્યારે ઋષિને પોતાની વાત જણાવી ત્યારે ઋષિએ વિશ્વકર્માને શાપ આપ્યો કે આવતા જન્મમાં તું વાંદરો થશે. રામાયણમાં રામને જ્યારે શ્રીલંકા જવા માટે રામસેતુ બાંધવો હતો, ત્યારે વાનર નલ એ મદદ કરી હતી એ નલ વિશ્વકર્માના પુત્ર હતા. ચિત્રા નક્ષત્રમાં જન્મેલ જાતક ભ્રાંતિમાં રહે. માયાવી હોય. જ્યારે જાતક ભ્રાંતિ નો ભ્રમ ભાંગીને આગળ નીકળે તો જ્ઞાની થાય. જ્યારે કન્યા રાશિમાં ચિત્રા નક્ષત્ર હોય ત્યારે જન્મેલ જાતક બહુ ભ્રાંતિમાં  નહીં રહે. પરંતુ તુલા રાશિમાં ચિત્રામાં જન્મેલ હોય તો વધુ ભ્રાંતિમાં રહેવાની શક્યતા. તુલા રાશિના ચિત્રા નક્ષત્રવાળાં જાતકને કોઈ પણ કામમાં સંઘર્ષથી આગળ વધવા પ્રયત્ન કરે. સુખ સુવિધામાં કમી ન ગમે. સારી વસ્તુ જ ગમે.

જાતક હિંમતવાન, શત્રુની પૂરી જાણકારી હોય છતાં શત્રુને ખબર ન પડે, આધ્યાત્મિક ઉન્નતિ કરે, વાઘને પણ પાળી શકે એટલા બળવાન હોય. જાતક પોતાના માટે બહુ વિચાર ન કરે અને ઘરનાં કુટુંબીજનો માટે બહુ જ મહેનત કરી પૈસા કમાય. જાતકનો સ્વભાવ સારો હોય પરંતુ જિંદગીમાં સંજોગો અનુકૂળ ન આવતાં વધુ મહેનત કરવી પડે. આ નક્ષત્રમાં જન્મેલ સ્ત્રી રંગબેરંગી કપડાં પહેરનાર, દેવતા અને પિતૃઓની અર્ચના કરનાર પોતાની ભૂલ કોઈ દર્શાવે તે સહન ન કરનાર ચરિત્રવાન હોય છે. જાતકને ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ, જ્વેલર્સ, વકીલ, જજ,  ધર્મગુરુ, વેદોનો જાણકાર, પોલીસ, ડિટેક્ટિવ વગેરે કામ અનુકૂળ આવે છે.

Most Popular

To Top