નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરંપરા મુજબ ઠાકોરજીને શ્વેત જરીના વસ્ત્રોનો દિવ્ય શ્રૃંગાર કરી, સવાલક્ષનો મોટો મુગટ ધારણ કરાવાયો હતો. મોટા મુગટના દર્શન કરવાનો અનેરો મહિમા હોવાથી મંદિરમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સાંજે ઠાકોરજીએ કેડના ભાગે ચાંદીના દાંડીયા ધારણ કરી રાસબિહારી સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યાં હતાં. પરંપરા મુજબ દૂધપૌંઆનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે મંગળા આરતીથી લઈ સાંજે મંદિર બંધ થતાં સુધી શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત ચાલું રહ્યો હતો. જેને પગલે મંદિર પરિસર જય રણછોડ…..માખણચોરના જયનાદથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન અંદાજે બે લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ડાકોર મંદિરમાં શરદ પૂર્ણિમાએ બે લાખ ભક્તોએ શીશ ઝુકાવ્યું
By
Posted on